આખા સપ્ટેમ્બરનો વરસાદ ૨૪ કલાકમાં રેકૉર્ડ બ્રેક ૧૩ ઇંચ વરસાદ

24 September, 2020 08:02 AM IST  |  Mumbai | Mumbai correspondent

આખા સપ્ટેમ્બરનો વરસાદ ૨૪ કલાકમાં રેકૉર્ડ બ્રેક ૧૩ ઇંચ વરસાદ

કિંગ્સ સર્કલમાં ભરાયેલાં પાણીમાં ડૂબેલી કાર. તસવીર : સમીર માર્કન્ડે

છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈ અને આસપાસના વિસ્તારમાં વરસાદે અગાઉના અનેક રેકૉર્ડ તોડ્યા હતા. ૩૯ વર્ષ પહેલાં ૨૩ સપ્ટેમ્બર, ૧૯૮૧એ મુંબઈમાં ૨૪ કલાકમાં વિક્રમજનક ૩૧૮.૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ ગઈ કાલે ફરી ૨૩ સપ્ટેમ્બરે ૨૮૬.૪ મિ.મી. જેટલો ભારે વરસાદ શહેરમાં ત્રાટક્યો હતો. આખા સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ ૧૩ ઇંચ વરસાદ પડે છે એ એક જ દિવસમાં ગઈ કાલે પડ્યો હતો. હવામાન ખાતાએ મધ્યમ વરસાદની આગાહી કરી હતી, પરંતુ મંગળવારે બપોર બાદથી ગઈ કાલે બપોર સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હોવાથી ફરી એક વખત મુંબઈનું પ્રશાસન ઊંઘતું ઝડપાયું હતું. કોરોના સામે ઝઝૂમી રહેલા મુંબઈગરાઓ અચાનક ધોધમાર વરસાદ પડવાથી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અનેક જગ્યાએ કમર સુધી પાણી ભરાતાં રસ્તાઓ બંધ થઈ જવાની સાથે રેલવેના પાટાઓ પર પાણી ફરી વળતાં ત્રણેય લાઇનની લોકલ ટ્રેનો બંધ થઈ ગઈ હતી. બીએમસીએ અત્યાવશ્યક કામ સિવાય રજા જાહેર કરી હતી, પરંતુ સવારે લોકો ઘરેથી નીકળી ગયા હતા એટલે ટ્રેન, બસો બંધ થવાથી તેઓ રઝળી પડ્યા હતા.

mumbai mumbai news mumbai rains