ઍરપોર્ટ પર સોના બરસે

15 December, 2014 05:37 AM IST  | 

ઍરપોર્ટ પર સોના બરસે




નેહા એલ. ત્રિપાઠી

શનિવારે સહાર ઍરર્પોટ પર ૬૦ લાખ રૂપિયાથી વધુનું ૨.૪ કિલો સોનું પકડાતાં મુંબઈ કસ્ટમ્સે એરર્પોટ પર ૨૦૧૪ દરમ્યાન અત્યાર સુધીમાં જપ્ત કરેલા સોનાનું વજન એક ટન અને એની કિંમત ૨૬૦ કરોડ રૂપિયા થાય છે. કોઈ પણ વર્ષમાં હેરાના કોઈ પણ એરર્પોટ પર સોનું પકડવાનો આ સૌથી મોટો આંકડો છે. ફ્લાઇટમાંથી બિનવારસી માલ જપ્ત કરવા (અનક્લેમ્ડ સેઇઝ્યોર)ની વધુ એક ઘટનાને પગલે એક ટનનો આંક પાર થયો હતો. કસ્ટમ્સના ઍર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ વધુ ૨.૪ કિલો સોનું શનિવારે જપ્ત કરતાં અત્યાર સુધી જવલ્લે જ બનતા હોય એવા મનાતા સ્મગલિંગના કિસ્સા વધતા જતા હોવાનું સ્થાપિત થાય છે.

શનિવારે પરોઢ પૂર્વે સહાર ઍરર્પોટ પર ઉતારાયા પછી સિક્યૉરિટી ચેક દરમ્યાન એ સોનું ઇન્ડિગો ઍરલાઇનની ફ્લાઇટ-નંબર ૬E ૮૨ના સ્ટાફના ધ્યાનમાં આવ્યું હતું. આ ફ્લાઇટ મસ્કતથી ૨.૩૦ વાગ્યે પહોંચી ત્યારે વિમાનની સીટ-નંબર ૧૫-એ નીચે લગભગ ૬૦ લાખ રૂપિયાનું સોનું લાઇફ-જૅકેટમાં છુપાવેલું ઍરલાઇનના સ્ટાફે જોયું હતું. એ પછી ઇન્ડિગો ઍરલાઇનના સિક્યૉરિટી સ્ટાફે એની જાણ કસ્ટમ્સના AIUને કરી હતી.

એક અઠવાડિયામાં અનક્લેમ્ડ સેઇઝ્યોરનો આ બીજો કિસ્સો છે. ઍર ઇન્ડિયાની દુબઈ-મુંબઈ-ગોવાની ફ્લાઇટ-નંબર AI  ૯૮૪ ૧૦ ડિસેમ્બરે પરોઢિયે ૪.૩૩ વાગ્યે સહાર ઍરર્પોટના ટર્મિનલ-ટૂ પર પહોંચ્યા પછી વિમાન સ્ટૉપ ઓવર ફ્લાઇટ્સ એના એ પછીના સ્થળે જવા રવાના થતાં પૂર્વે રાહ જોતી હોય એ એપ્રન એરિયામાં પહોંચી ત્યારે કસ્ટમ્સના AIU મળેલી માહિતીના આધારે ફ્લાઇટને રવાના થતી અટકાવીને તપાસ કરતાં લગેજમાંથી એક કિલોની એક એવી પાંચ સોનાની લગડી મળી હતી અને એની કિંમત ૧,૨૧,૨૫,૦૦૦ રૂપિયા થાય છે. એ પછી ફ્લાઇટ નિર્ધારિત સમયથી અડધો કલાક મોડી સવારે ૫.૫૦ વાગ્યે રવાના થવાની તૈયારીમાં હતી ત્યારે ગેરસમજને લીધે ફરી એ ફ્લાઇટને રોકવામાં આવી હતી, પરંતુ હકીકત સમજાતાં એને પછી રવાના કરવામાં આવી હતી છતાં વિલંબ વધી ગયો હતો.

અનક્લેમ્ડ સેઇઝ્યોર: કોઈ ન પકડાય એવું સ્મગલિંગ

અનક્લેમ્ડ સેઇઝ્યોરનો અર્થ સમજાવતાં એક કસ્ટમ્સ-ઑફિસરે જણાવ્યું હતું કે ‘ઍરર્પોટના કોઈ કર્મચારીએ ચોક્કસ જગ્યાએથી દાણચોરીથી લાવવામાં આવતું સોનું કે બીજી કોઈ વસ્તુ ઉપાડવાની હોય અને કસ્ટમ્સ કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ર્ફોસ (CISF)ના કડક ચેકિંગને કારણે એ ન ઉપાડી શકે, એ સ્ટાફર વસ્તુ ઉપાડવા માટે પહોંચે એ પહેલાં ચેકિંગ કરનારા અધિકારીઓના હાથે લાગી જાય અથવા સ્મગલરને હેરફેર કરવા માટે કોઈ અંદરનો જાણીતો માણસ ન મળ્યો હોય અને એ માલ કસ્ટમ્સ અથવા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ર્ફોસ (CISF)ના અધિકારીઓ પકડી પાડે તો એ અનક્લેમ્ડ સેઇઝ્યોર હોય છે. જોકે વિમાનોમાં આવો માલ જપ્ત કરાવાનું પ્રમાણ ઓછું હોય છે. ભૂતકાળમાં એરોબ્રિજ, કચરાપેટી, લગેજ-ટ્રૉલીઝ અને અન્ડર બૅગેજ બેલ્ટ્સમાંથી આવો બિનવારસી માલ પકડાયો છે.’