મુંબઈમાં પ્રૉપર્ટીની કિંમત નહીં ઘટે

29 October, 2012 03:07 AM IST  | 

મુંબઈમાં પ્રૉપર્ટીની કિંમત નહીં ઘટે



મુંબઈમાં પ્રૉપર્ટીની કિંમતમાં ઘટાડો નહીં થાય. આ કોઈ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મનો રિપોર્ટ નથી, પરંતુ બિલ્ડરોએ જાતે જ આ વિશે સ્પષ્ટતા કરી દીધી છે. હાઉસિંગ ઇન્ડસ્ટ્રીની સંસ્થા એમસીએચઆઇ-ક્રેડાઈના વાઇસ પ્રેસિડન્ટ તેમ જ મૅરથૉન ગ્રુપના મયૂર શાહ તથા એમસીએચઆઇ-ક્રેડાઈના કલ્યાણ યુનિટના પ્રમુખ અજમેરા બિલ્ડર્સના બંદિશ અજમેરા જેવા બિલ્ડરોએ આ સ્ટેટમેન્ટ આપતાં કોઈ પણ જાતનો ખચકાટ અનુભવ્યો નહોતો. મયૂર શાહે કહ્યું હતું કે ‘પ્રૉપર્ટીના ભાવ સ્થિર થઈ શકે છે, પરંતુ નીચે તો નહીં જ આવે કારણ કે ડિમાન્ડ કરતાં પુરવઠાની ભારે ખેંચ પ્રવર્તે છે. સરકારી તથા અર્ધસરકારી જમીનોની કિંમતો પણ ભારે ઊંચે ગઈ છે તો અમે કઈ રીતે કિંમતો ઘટાડી શકીએ.’

બિલ્ડરોના મતે શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભારે અભાવ છે. શહેર સાથે દૂરનાં સબબ્ર્સની કનેક્ટિવિટીમાં ઘણી ખામીઓ છે. મુંબઈમાં જમીનની અછત હોવાથી ઘરોની સંખ્યા પણ ઓછી છે એટલે કિંમતોમાં વધારો થયો છે. વળી કલ્યાણ જેવાં દૂરનાં સબબ્ર્સમાં પણ જમીનમાલિકો તથા ખેડૂતો સસ્તા દરે જમીન આપવા તૈયાર નથી એથી સસ્તા દરે ફલૅટ મળે એ શક્ય નથી.

વેચાણમાં કોઈ ઘટાડો નથી થયો


ફ્લૅટના વેચાણમાં ઘટાડો થયો હોવાના સમાચાર માર્કેટમાં છે, પરંતુ બિલ્ડરો એ વાત માનવા તૈયાર નથી. તેમના મતે જો કોઈ આજે ફ્લૅટ ખરીદે તો રજિસ્ટ્રેશન કરવાની કાર્યવાહીમાં બીજા ત્રણ-ચાર મહિના વીતી જતા હોય છે. ઘણા બિલ્ડરોને આશા છે કે આવનારા દિવસોમાં વિવિધ પ્રોજેક્ટમાં ખરીદદારો રોકાણ કરશે. વળી બૅન્કો દ્વારા પણ વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાતને પગલે વેચાણમાં વૃદ્ધિ થશે.


એમસીએચઆઇ = મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી

ક્રેડાઈ = કૉન્ફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા