જો ભગવાન શ્રી રામ આજે પૃથ્વી પર અવતરે તો...

17 April, 2024 07:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે રામનવમી છે એ અવસરે વાંચો ભગવાન શ્રી રામ વિશેની નિબંધસ્પર્ધામાં પહેલા નંબરે આવેલો નિબંધ

ભગવાન રામની ફાઇલ તસવીર

શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યે ‘વિવેક 
ચુડામણિ’માં લખ્યું છે ઃ 
દુર્લભમ્ ત્રયમૈવેતદ્ દેવાનુગ્રહહેતુકમ્।
મનુષ્યત્વમ્ મુમુક્ષુત્વમ્
મહાપુરુષસંશ્રય:।।

મનુષ્ય તરીકે જન્મ મળવો, મોક્ષપ્રાપ્તિની એષણા રાખવી અને સદ્વિચારોનો સંગ પ્રાપ્ત થવો એ ત્રણે ઈશાનુગ્રહ વગર શક્ય નથી.
વર્તમાનકાળમાં ચહુદિશ દેખાતા વાતાવરણમાં રામ અવતાર લઈ પૃથ્વી પર આવે તો અનિષ્ટ, આસુરી વિચારધારા દ્વારા પ્રસૃત ગ્લાનિને અવશ્ય દૂર કરી નાખે. એનો અર્થ માનવી નિષ્ક્રિય બની પુરુષાર્થ ન કરે એ ન ચાલે. કારણ Human efforts + God’s grace - બન્ને એકસમયાવચ્છેદે હોવા જરૂરી. અવતારવાદ અકર્મણ્યતાનો પોષક નથી. ધર્મ એટલે ઈશપ્રેરિત અને 
સંસ્કૃતિરક્ષક નિયમાવલિ! આવો ધર્મ જ્યારે ગલિત થતો દેખાય અને સરળ વૃત્તિના લોકો શ્રદ્ધા, નિષ્ઠા, જીવનમૂલ્યો ટકાવી રાખવા અવિરત પ્રયત્ન કરે ત્યારે તેમને મદદ કરવા પથદર્શક બનીને ભગવાન અવતાર લે છે. દુષ્કૃત્ય કરનારનું હનન એ તો અવતારનું આનુષંગિક કામ છે.

આજે જ્યારે માનવી નિર્વીર્ય બની ગયો છે, અયોગ્ય જન પદાધિકારી બની ગયા છે, સત્તાધીશો કર્તવ્યનિષ્ઠા વીસરી કાંચનમૂલ્યવાદી બની ગયા છે, દાંપત્યજીવન તકલાદી બની રહ્યું છે, વંશ માત્ર વસિયત જોડે જ નિસ્બત ધરાવે છે ત્યારે ખરેખર મા ધરિત્રી પરનાં આવાં કષ્ટ જોઈ રામ અવતરે તો... (તેને જળસમાધિ લેવાની ઇચ્છા તો નહીં થાયને!)

રામ એટલે તેજ, આશા અને જીવંતતાનો પર્યાય! કૌટુંબિક, સામાજિક, નૈતિક તેમ જ શાસકીય વ્યવસ્થાના અમર્યાદ વાતાવરણમાં મર્યાદાપુરુષોત્તમ તરીકે ઓળખાયેલા રામે દૈવી સંપત્તિની સુરક્ષા અને આસુરી સંપત્તિનો વિધ્વંસ કરવાનું શિક્ષણ વિશ્વામિત્ર પાસેથી પ્રાપ્ત કર્યું હોય, જો આજે અવતરે તો શિક્ષણક્ષેત્રના પાયામાં રહેલી જીવિકાને સ્થાને જીવનમૂલ્યો જરૂર પ્રસ્થાપિત થાય.

વિશ્વામિત્રએ રામ-લક્ષ્મણને હૃદયથી કેળવ્યા હતા. હૃદયની કેળવણીનો સંબંધ આંતરિક સમૃદ્ધિની સાથે છે. આજના શિક્ષણે હૃદયની કેળવણી પામ્યા વગરના તબીબ, ઇજનેર, કમ્પ્યુટર તજ્જ્ઞ, શિક્ષક, નેતા, કર્મચારી કે કારીગર વગેરે પરસ્પર વેપારી-ગ્રાહકના સંબંધે જોતા થયા છે. તેમનામાં સ્વસ્થ તન, નિર્મળ મન અને પ્રસન્ન હૃદયનો અભાવ જોઈ રામ અવતરે તો સમાજ ગણતરીબાજ, વ્યવહારુ અને શુષ્ક ન રહે.  મનુષ્યત્વની પ્રતીતિ એટલે જ આર્દ્ર અને સંવેદનશીલ હૃદય!

જેમ વૃક્ષની માફક મૂળિયામાં કરેલું જળસિંચન પર્ણોને લીલાંછમ રાખી શકે છે એમ સદ્ગુણોના ભંડાર એવા રામના જેવા થઈને જ (રામો ભૂત્વા રામં યજેત્) એટલે કે તેમના ગુણોને આત્મસાત્ કરીને જ તેમને આપણે માનવ તરીકે સાર્થકતા સિદ્ધ કરી દેખાડી શકીએ.

ત્રણ-ત્રણ રાજ્યો હસ્તામલકવત્ હોવા છતાં એનો મોહ ન રાખી યોગ્ય વ્યક્તિને સોંપી આઘા થઈ જવા જેટલી નિરપેક્ષતા રામ જ શીખવી શકે. રાજા બને કે વનવાસી, પણ ચહેરા પરના ભાવ જે અક્ષુણ્ણ રાખી શકે એનું મૂલ્ય પણ આજના કાળમાં અનિવાર્ય છે. ધાર્યું ન થાય કે કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ફળતા મળે તો હતાશા, નિરાશા, તાણના અનુભવે શિક્ષિત વર્ગ દ્વારા થતો આત્મવિલોપનનો પ્રયત્ન પણ રામ અટકાવી શકે.

મા ભોમ પર નિષ્ઠા તો રામ પાસેથી જ શિખાય. ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી’,  ‘દુર્લભમ્ ભારતે જન્મ’ એવી રાષ્ટ્રભાવના સૌમાં જન્મે.
રામનું વર્ણન કરતા વિશ્વામિત્રએ ‘નવકમલદલસ્પર્ધિનેત્રમ્’ કહ્યું છે. આજે દરેક ક્ષેત્રમાં મૂષકદોડ ચાલે છે. સ્પર્ધાનો જન્મ સ્પૃહામાંથી થાય છે. તરોતાજાં કમલદલ પણ જેમના નેત્ર આગળ ઝાંખાં

પડે એવી નિઃસ્પૃહ અને નિર્વિકારી દૃષ્ટિ જો રામને કારણે સર્વજનોમાં જોવા મળે તો?
રામને ભગવાન ગણવામાં કદાચ અનુસરણની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ પણ ગણી શકાય. ભગવાનની ભક્તિ થાય, અનુસરણ નહીં. આ પલાયનવાદ ભારતીય સમાજને ઠીક-ઠીક માફક આવી ગયો છે એથી ભગવાનને બદલે મહામાનવ શબ્દ પ્રયોજીએ તો સાંપ્રતકાળમાં એ વધુ જીવનોપયોગી બની શકે.

યત્ર રામો ન ભૂપતિઃ। 
તદ્ વનં ભવિતા રાષ્ટ્રં 
યત્ર રામો નિવત્સ્યતિ।।

વન એ ‘બળિયાના બે ભાગ’નું પ્રતીક છે. ધર્મ, ન્યાય, માનવતા, કાયદો વગેરે શબ્દો સાથે જંગલને કોઈ નિસ્બત નથી. જંગલનો એક જ કાનૂન - ‘જિસકી લાઠી ઉસકી ભૈંસ...’ એથી જ તો જંગલી એટલે અસંસ્કારી, અરાજકતાયુક્ત માનવતાવિહોણો; જ્યારે રાષ્ટ્ર એટલે નીતિ અને ન્યાય વડે અનુશાસિત સુગ્રથિત સમાજ!
ઉપરોક્ત શ્લોકમાં જ્યાં રામ નથી ત્યાં અરણ્યરાજ હોવાનું. અહીં

‘રામ’નામ દશરથપુત્ર રામ કરતાં વિશેષ ન્યાય અને માનવતા માટે, સ્નેહ અને સહકાર માટે વપરાયો છે. માનવ તરીકે કૌશલ્યાનંદન અને દશરથાત્મજ તો છે જ, પણ સવિશેષ રામ માનવીને માનવી બનાવનારા સદ્ગુણોનો સમુચ્ચય છે; એથી તેમના જેવા થઈએ તો ‘રામો ભૂત્વા રામં યજેત્’ - સાચા માનવ તરીકે આપણી સાર્થકતા સિદ્ધ કરેલું દર્શાવી શકીએ.
જટાયુ જેવી પરિસ્થિતિ આજે પણ સમાજમાં વિવિધ રૂપે જોવા મળે છે. ભ્રષ્ટાચારના ભોરિંગે જ્યારે સર્વત્ર ભરડો લીધો હોય ત્યારે સત્યાચારી વ્યક્તિને ખૂબ શોષાવું પડે છે, એથી જો રામ અવતરે તો જટાયુ જેવા સદાચારીને અવશ્ય ન્યાય મળે. જટાયુ પુરાતન પક્ષી નથી, એ સનાતન વૃત્તિ છે.

મહામાનવ રામ પણ આખરે તો માનવ જ છે. સીતા પ્રત્યેના રામના દુર્વ્યવહારને સમજવામાં રામના માનવીય સ્વરૂપને ચિરસ્મરણીય રાખવું અનિવાર્ય છે.
માનવતા જ્યારે અકલ્પ્ય ઉચ્ચતા પ્રાપ્ત કરે ત્યારે તેની ‘ભગવાન’ તરીકે સ્થાપના થાય. બાકી સદાચારની 
છટકબારીરૂપે પલાયનવાદ સમાજને પરાક્રમહીન અને નિસ્તેજ જ બનાવીને રહે. એથી  રામ જો આજે ગાંધીજીના શબ્દોમાં ‘શરીરધારી પુરુષ વિશેષ’ ગણીએ તો વાદળનું અવતારકૃત્ય વરસાદ જેમ ધરતીને હરિયાળી બનાવી દે છે એમ રામ મહામાનવ થઈને વિશિષ્ટ 
યુગકર્મ લઈને જન્મે તો નવતર મૂલ્યોની ગીતાકથિત ધર્મસંસ્થાપના થાય. આવું મૂલ્યસ્થાપનાનું યુગકાર્ય બૃહદ્ પરિઘ પર જે કરે તેને યુગપુરુષ કે અવતારી પુરુષ માનવામાં છોછ નથી.

- ડૉ. નિરંજના જોષી

gujarati mid-day ram navami