કોરોના કેસિસમાં ફરી ઉછાળો આવતાં પાલિકાએ CCC2માં નવા બેડ ઉમેર્યા

17 September, 2020 10:27 AM IST  |  Mumbai | Prajakta Kasale

કોરોના કેસિસમાં ફરી ઉછાળો આવતાં પાલિકાએ CCC2માં નવા બેડ ઉમેર્યા

માહિમમાં ટેસ્ટિંગ કરાવતો પોલીસ. તસવીર : સુરેશ કરકેરા

મુંબઈમાં ઍસિમ્પ્ટમૅટિક દરદીઓની સંખ્યામાં વૃદ્ધિ થતાં મહાનગરપાલિકાએ અગાઉ CCC2 તરીકે વપરાતાં સેન્ટર્સમાં નવા બેડ ઉમેર્યા છે. છેલ્લાં બે અઠવાડિયાંમાં અનેક CCC2 ભરાઈ ગયાં છે અને વૉર્ડ-ઑફિસર્સ દરદીઓને જમ્બો કોવિડ સેન્ટર્સમાં મોકલે છે. જમ્બો કોવિડ સેન્ટર્સ સિમ્પ્ટમૅટિક દરદીઓ માટે છે.
મુંબઈ મહાનગરપાલિકાએ CCC1 હાઈ રિસ્ક દરદીઓ માટે અને ઍસિમ્પ્ટમૅટિક તથા હળવાં લક્ષણો ધરાવતા દરદીઓ માટે CCC2ની વ્યવસ્થા કરી હતી. મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાએ ગયા એપ્રિલ મહિનામાં CCC2 માટે કુલ ૨૩,૦૦૦ બેડની ક્ષમતા ધરાવતાં ૧૮૦ સ્થળો પસંદ કર્યાં હતાં. પરંતુ જુલાઈ મહિનાના મધ્ય ભાગમાં CCC2માં દરદીઓની સંખ્યા ઘટી જતાં ખાલી પડેલી ભાડા પરની અનેક જગ્યાઓ એના માલિકોને પાછી આપી દીધી હતી. પાલિકાએ નાણાં અને માનવબળની બચત માટે એ નિર્ણય લીધો હતો. હાલ શહેરમાં ૩૧,૦૦૦ ઍક્ટિવ દરદીઓ છે. એમાંથી ૨૧,૭૦૫ ઍસિમ્પ્ટમૅટિક છે. બિલ્ડિંગ્સમાં રહેતા ઍસિમ્પ્ટમૅટિક દરદીઓ ઘરમાં બેઠાં સારવાર લે છે. પરંતુ ઝૂંપડપટ્ટી તથા નાની ઓરડીઓમાં રહેતા દરદીઓને આઇસોલેશન સેન્ટર્સમાં રાખવા જરૂરી બને છે. અત્યારે બોરીવલી, મલાડ, ગોરેગામ, દાદર, ધારાવી, પરેલ, ઘાટકોપર, ગોવંડી, માનખુર્દ, ખાર અને બાંદરામાં ૨૪ ઍક્ટિવ CCC2 છે. એ બધામાં કુલ ૨૯૨૧ બેડ છે. એમાંથી ૧૭૪૦ બેડ ઑક્યુપાઇડ છે. બોરીવલી (વેસ્ટ)ની પંજાબી લેનમાં ૧૫૦ બેડનું CCC2 છે. એમાં ૫૦ બેડ ઉમેરવામાં આવશે. દરદીઓનું પ્રમાણ વધે તો દહિસરની જમ્બો ફૅસિલિટીમાં ખસેડવાની પણ તૈયારી છે.

mumbai mumbai news prajakta kasale