મિનિમમ બૅલૅન્સ ન હોય તો પણ બૅન્કો ગ્રાહકોને જાણ કર્યા વિના ચાર્જ ન લગાવી શકે : RBI

23 November, 2014 05:43 AM IST  | 

મિનિમમ બૅલૅન્સ ન હોય તો પણ બૅન્કો ગ્રાહકોને જાણ કર્યા વિના ચાર્જ ન લગાવી શકે : RBI




બૅન્ક-અકાઉન્ટમાં મિનિમમ બૅલૅન્સ જાળવી શકાય નહીં તો પણ બૅન્કો એના પર પેનલ્ટી ચાર્જ કરી શકશે નહીં એવો આદેશ રિઝર્વ બૅન્કે તમામ બૅન્કોને આપ્યો છે. બૅન્કોએ આ ચાર્જ કરતાં પહેલાં ગ્રાહકને SMSથી જાણ કરવાની રહેશે. બૅન્કોએ એના ગ્રાહકને મિનિમમ બૅલૅન્સ જાળવવામાં નિષ્ફળ જવા સામે SMS, ઈ-મેઇલ અથવા પત્રથી જાણ કરવાની રહેશે અને એ માટે ગ્રાહકને એક મહિનાનો સમય પણ આપવો જોઈશે. રિઝર્વ બૅન્કે નવાં ધોરણો મારફત બૅન્કોને નેગેટિવ બૅલૅન્સ રાખવાની પ્રવૃત્તિ પણ બંધ કરવા જણાવ્યું છે જે પેનલ્ટી મારફત ઊભી થતી હોય છે.

રિઝર્વ બૅન્કનાં નવાં ધોરણો અનુસાર બૅન્કોના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા મિનિમમ બૅલૅન્સ નહીં જાળવવા પર શું ચાર્જ કરવો એ મંજૂર કરવાનો રહેશે અને એ ચાર્જની રકમ પણ પ્રમાણસર હોવી જોઈએ. આ ચાર્જ ચોક્કસ ટકાવારીમાં હોવો જોઈએ અને એ ખરેખરી બૅલૅન્સ તેમ જ મિનિમમ બૅલૅન્સ વચ્ચેના ફરકને આધારે પ્રમાણસર હોવો જોઈએ. આ ચાર્જ આડેધડ કોઈ પણ મોટી રકમનો હોવો જોઈએ નહીં. આ ચાર્જની રિકવરી માટે યોગ્ય સ્લૅબ તૈયાર કરવા જોઈશે.

મિનિમમ બૅલૅન્સ સંબંધિત નવા ચાર્જ એપ્રિલ ૨૦૧૫થી અમલી બનશે. દરમ્યાન બૅન્કોને એના ગ્રાહકોના મોબાઇલ અને ઈ-મેઇલ અપડેટ કરવાની સૂચના આપવામાં આવી છે.

રિઝર્વ બૅન્ક ને IMFના નામે બનાવટી કાર્ડ આપતા ગઠિયાઓથી સાવધાન

ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનો નવો રસ્તો શોધી કઢાયો છે. ઠગો હવે રિઝર્વ બૅન્ક અને ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF)ના નામે બનાવટી કાર્ડ ઇશ્યુ કરવા લાગ્યા છે. 

રિઝર્વ બૅન્કે આ બાબતે શુક્રવારે જાહેર નોટિસ બહાર પાડીને લોકોને આ ચાલબાજીથી સાવધ રહેવા કહ્યું છે. એમાં કહેવામાં આવ્યું છે કે છેતરપિંડી કરતા લોકો અમુક મર્યાદા સુધી બૅન્ક-અકાઉન્ટમાંથી નાણાં ઉપાડવાની સુવિધા ધરાવતાં ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરે છે. એક વખત માણસનો વિશ્વાસ જીતી લીધા બાદ તેઓ એ જ બૅન્કમાં નાણાં જમા કરાવવાનું કહે છે. એક વખત પૈસા જમા થઈ ગયા બાદ કાર્ડ કામ કરતું બંધ થઈ જાય અને પછી તેમનો કોઈ સંપર્ક જ થઈ શકતો નથી.

રિઝર્વ બૅન્કે કહ્યું છે કે એને જાહેર જનતા સાથે કોઈ પણ વ્યવહાર કરવાનો આવતો નથી. સેવિંગ્સ બૅન્ક હોય કે કરન્ટ અકાઉન્ટ કે પછી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ હોય અથવા ઑનલાઇન બૅન્કિંગ વ્યવહારો હોય કે કોઈ પણ અન્ય સ્વરૂપનાં બૅન્કિંગનાં કામકાજ હોય, કેન્દ્રીય બૅન્ક ક્યાંય લોકો સાથે કામ કરતી નથી.

છેલ્લા થોડા વખતથી ગઠિયાઓ ઑનલાઇન વ્યવહારો માટે રિઝર્વ બૅન્કની બનાવટી વેબસાઇટ ઊભી કરીને તથા એ બૅન્કમાં નોકરીની ઑફર કરીને લોકોને છેતરવા લાગ્યા છે. લોકો પાસેથી મેળવાયેલું યુઝર આઇડેન્ટિફિકેશન અને પાસવર્ડ જેવી માહિતી મેળવીને તેઓ લોકોનાં ખાતાંમાંથી નાણાં ઉપાડી લેતા હોય છે.

રિઝર્વ બૅન્કે જનતાને કહ્યું છે કે IMF, ઇન્કમ-ટૅક્સના સત્તાવાળાઓ, કસ્ટમ્સના સત્તાવાળાઓ કે રિઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજન જેવી હસ્તીઓના નામે કરવામાં આવતી ઑફરથી સાવધ રહેવું.