26 July, 2025 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુલુંડની સોસાયટીના મીટરરૂમમાંથી ૮ ફુટ લાંબો ઇન્ડિયન રૅટ સ્નેક પકડાયો
મુલુંડ-વેસ્ટના વીણાનગરમાં એક હાઉસિંગ સોસાયટીના મીટરરૂમમાંથી ૮ ફુટ લાંબા સાપને પકડવામાં આવ્યો હતો. વરસાદને કારણે સાપ જેવાં અનેક સરીસૃપ રહેણાક વિસ્તારમાં ઘૂસી જવાના બનાવો બને છે. રેસ્ક્યુઇંક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેર (RAWW) નામની સંસ્થાએ સાપને સુરક્ષિત રીતે બહાર કાઢીને જંગલમાં છોડ્યો હતો. આ સાપને સોસાયટીના મીટરરૂમમાં જતાં સોસાયટીના રહેવાસીઓએ જોયો હતો. ત્યાર બાદ RAWWને ખબર કરતાં સંસ્થાના કાર્યકર કુણાલ ઠક્કરે સોસાયટીમાં પહોંચીને સાપને સહીસલામત બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ ડૉ. કીર્તિ સાઠેએ સાપની તપાસ કરી હતી. સાપ બિનઝેરી જણાયો હતો અને એને ફૉરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરાયા બાદ જંગલમાં છોડવામાં આવ્યો હતો.