મોરાની બ્રધર્સના ઘર સામે ફાયરિંગનો કેસ ઉકેલાયો

18 November, 2014 05:18 AM IST  | 

મોરાની બ્રધર્સના ઘર સામે ફાયરિંગનો કેસ ઉકેલાયો



બૉલીવુડમાં ધાક જમાવવા પ્રયાસરત ગૅન્ગસ્ટર રવિ પૂજારીની ગૅન્ગના ૧૩ સાગરીતોની ધરપકડ બે દિવસના ઑપરેશનમાં કર્યાનો દાવો મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ગઈ કાલે કર્યો હતો. આ ગૅન્ગને ઝબ્બે કરીને બૉલીવુડના જાણીતા બે ડિરેક્ટર ભાઈઓને ઉડાવી દેવાના કાવતરાનો પર્દાફાશ કર્યાનો દાવો કરીને પોલીસે કહ્યું હતું કે રવિ પૂજારી માટે કામ કરતી ગૅન્ગના આ ૧૩માંથી જ કેટલાક અન્ય બે ફિલ્મ-પ્રોડ્યુસર બ્રધર્સના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં વૉન્ટેડ હતા.

પોલીસે કહ્યું હતું કે ‘અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર સુનીલ દેશમુખ અને મોટર વેહિકલ થેફ્ટ ડિપાર્ટમેન્ટના પોલીસ-ઇન્સ્પેક્ટર જગદીશ સાહિલે બાતમીના આધારે શનિવારે રાત્રે ખારના રોડ-નંબર ૧૧ પરના મધુ પાર્કમાંથી સાત શંકાસ્પદોને ઉઠાવ્યા હતા. આ ગૅન્ગ ફિલ્મ પ્રોડ્યુસર્સ-ડિરેક્ટર્સ બ્રધર્સ મહેશ ભટ્ટ કે મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટના પુત્ર રાહુલને મારવાની ફિરાકમાં હતા.’ 

 મુંબઈના જૉઇન્ટ પોલીસ-કમિશનર સદાનંદ દાતેએ કહ્યું હતું કે ‘શનિવારે પોલીસે બે ફેમસ ફિલ્મ પર્સનાલિટી પર ફાયરિંગના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. વિદેશમાં ભાગતા ફરતા રવિ પૂજારીની સૂચનાના આધારે તેમાંના સાત આરોપી શનિવારે રાત્રે નવ વાગ્યે મળ્યા હતા અને તેમણે બે ફિલ્મમેકર્સ કે તેમાંથી એક પર ફાયરિંગની યોજના કરી હતી, પરંતુ બાતમીના આધારે પોલીસે જાળ બિછાવીને તેમને પકડી લીધા હતા.