બળાત્કારીઓને આજીવન કારાવાસ તેમને પોતાના કૃત્ય પર પસ્તાવો કરાવવા જરૂરી

26 November, 2021 08:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બળાત્કારીઓને તો ફાંસીથી મુક્તિ મળી જશે, જ્યારે આજીવન કારાવાસ તેમને પોતાના કૃત્ય પર પસ્તાવો કરાવવા જરૂરી

બળાત્કારીઓને તો ફાંસીથી મુક્તિ મળી જશે, જ્યારે આજીવન કારાવાસ તેમને પોતાના કૃત્ય પર પસ્તાવો કરાવવા જરૂરી

આવું કહીને બૉમ્બે હાઈ કોર્ટે શક્તિ મિલ્સ રેપ કેસના આરોપીઓની ફાંસીની સજા રદ કરીને મૃત્યુ સુધી કારાવાસની સજા સંભળાવી : જોકે તેઓ સમાજ માટે ખતરો હોવાથી તેમના પરોલ પણ મંજૂર નહીં કરાય

દેશભરમાં અરેરાટી ફેલાવનારા ૨૦૧૩માં બનેલા શક્તિ મિલ ગૅન્ગરેપ કેસના ૩ આરોપીઓની ફાંસીની સજા બૉમ્બે હાઈ કોર્ટે રદ કરીને આજીવન કારાવાસમાં ફેરવી હતી. ચુકાદો આપતાં કોર્ટે કહ્યું હતું કે ‘માન્યું કે શક્તિ મિલ્સ ગૅન્ગરેપ કેસે સમાજને હચમચાવી મૂક્યો હતો. વળી પીડિતાએ શારીરિક યાતનાઓ સાથે માનસિક યાતનાઓ પણ ભોગવી હતી જે હ્યુમન રાઇટ્સનો પણ ભંગ હતો. એના કારણે સમાજમાં આરોપીઓ સામે જે રોષ ભભૂકી ઊઠ્યો એ ખરું, પણ એને જ નજરમાં રાખી સજા ન સંભળાવી શકાય. તેમણે જે કૃત્ય કર્યું છે એનો પસ્તાવો કરવા તેમને આજીવન કારાવાસની સજા જ થવી જોઈએ. જો ફાંસીની સજા આપવામાં આવશે તેમને આ પસ્તાવામાંથી મુક્તિ મળી જશે.’ 
કોર્ટે વધુમાં કહ્યું છે કે ‘આરોપીઓ સમાજ માટે ખતરારૂપ હોવાના કારણે તેમને પરોલ કે ફર્લો પણ ગ્રાન્ટ નહીં થાય. જ્યાં સુધી તેઓ જીવે ત્યાં સુધી તેમણે કેદમાં જ રહેવાનું છે. તેમને બહાર સમાજમાં ન લાવી શકાય.’   
શું હતો શક્તિ મિલ્સ કેસ?
એક અંગ્રેજી મૅગેઝિન માટે કામ કરતી બાવીસ વર્ષની ફોટો-જર્નલિસ્ટ તેના પુરુષ કલીગ સાથે મહાલક્ષ્મીની બંધ પડી ગયેલી અને અવાવરું એવી શક્તિ મિલ્સના કમ્પાઉન્ડમાં ૨૦૧૩ની ૨૨ ઑગસ્ટે ફોટો પાડવા ગઈ હતી. એ શક્તિ મિલ્સની દીવાલ પરની કમાનાકાર બારીઓ અને એની રચના અનેક ફોટોગ્રાફરને ફોટો પાડવા કુતૂહલ પ્રેરે છે. એ વખતે આરોપીઓએ તેમને આંતર્યા હતા અને તેના પુરુષ કલીગની મારઝૂડ કરીને તેને બાંધી દીધો હતો અને યુવતી પર એ જ કમ્પાઉન્ડમાં થોડે દૂર વારાફરથી બળાત્કાર ગુજાર્યો હતો. એ કૃત્ય કરતી વખતે યુવતી બૂમો ન પાડે એટલા માટે તેના ગળા પર બિયરની તૂટેલી બૉટલ મૂકી રાખી હતી. એટલું જ નહીં, યુવતી કોઈને એ વિશે જાણ ન કરે એ માટે તેને બ્લૅકમેઇલ કરવા તેના કેટલાક વાંધાજનક ફોટો પણ તેમણે પાડી લીધા હતા અને તેને એ વિશે કોઈને જાણ ન કરવા કહ્યું હતું અને જો કરી તો એ ફોટો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી. જોકે યુવતીની હાલત એટલી ખરાબ હતી અને તે એટલી લોહીલુહાણ હતી કે તેને ત્યાર બાદ હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.  
એ પછી ૩ સપ્ટેમ્બરે એક ખાનગી કંપની માટે કામ કરતી ૧૯ વર્ષની  ટેલિફોન ઑપરેટરે પોલીસનો સંપર્ક કરીને કહ્યું હતું કે તે ૩૧ જુલાઈએ તેના બૉયફ્રેન્ડ સાથે શક્તિ મિલ્સ કમ્પાઉન્ડ ગઈ હતી ત્યારે તેના પર પાંચ જણે એ જ રીતે તેના બૉયફ્રેન્ડને બાંધીને બળાત્કાર કર્યો હતો. તે લોકોએ તેને મારી નાખવાની ધમકી આપી હોવાથી તે ડરી ગઈ હતી અને એ વિશે કોઈને કહ્યું નહોતું અને ફરિયાદ કરી નહોતી.  
ત્યાર બાદ પોલીસે તપાસ કરી કુલ ૬ આરોપીઓને ઝડપી લીધા હતા. બન્ને રેપ કેસમાં ૩ આરોપીઓ કૉમન હતા. બન્ને કેસને ગણતરીમાં લેવાયા હતા. કુલ ૬ આરોપીઓમાંથી બે આરોપી એ વખતે સગીર હોવાના કારણે તેમને ૩ વર્ષ માટે બાળસુધાર ગૃહમાં મોકલી અપાયા હતા, જ્યારે એક આરોપીને આજીવન કારાવાસની સજા કરાઈ હતી અને ૩ આરોપીઓને ફાંસીની સજા અપાઈ હતી જે સામે તે લોકો અપીલમાં ગયા હતા. 

Mumbai mumbai news Crime News