રેપના મોટા ભાગના કેસમાં આરોપીઓ પકડાતા નથી

20 December, 2012 04:29 AM IST  | 

રેપના મોટા ભાગના કેસમાં આરોપીઓ પકડાતા નથી



નવી દિલ્હીમાં પૅરામેડિકલ યુવતી પર થયેલા ગૅન્ગરેપની ઘટનાની દેશભરમાં ચર્ચા છે ત્યારે બીજી તરફ આખા દેશમાં એવા કેટલાય કેસ છે જ્યાં આરોપીઓ પકડાયા જ નથી. આવા મોટા ભાગના કેસોમાં પોલીસ મૅજિસ્ટ્રેટને સ્ટેટમેન્ટ ‘એ’ રિપોર્ટ આપી દે છે જેમાં જણાવવામાં આવે છે કે કેસ સાચો છે, પણ આરોપીઓ પકડી શકાયા નથી.

રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ) ઍક્ટ હેઠળ અરજી કરીને માહિતી મેળવતા ઍક્ટિવિસ્ટ જિતેન્દ્ર ઘાડગે પાસે માહિતી છે કે ૨૦૦૦થી ૨૦૧૦ સુધીના સમયગાળામાં મુંબઈમાં જ આવા ૧૧૬ કેસમાં આરોપીઓ પકડાયા નથી. આમાંથી ૨૮ કેસ અંધેરી (વેસ્ટ)ના ડી. એન. નગર પોલીસ-સ્ટેશનના, ૨૦ કેસ કાંદિવલી (ઈસ્ટ)ના સમતાનગર પોલીસ-સ્ટેશનના અને ૨૦ કેસ દાદર પોલીસ-સ્ટેશનના છે. જિતેન્દ્ર ઘાડગેએ જણાવ્યું હતું કે ‘નેતાઓ તેમનાં ભાષણોમાં અપરાધીને મોત જેવી સખત સજા આપવાની વાતો કરે છે, પણ ફરિયાદીએ કેટલી હાલાકી ભોગવવી પડે છે એની તેમને જાણ થતી નથી. આપણે પીડિત મહિલા કે તેના પરિવારને લાંબા ગાળા સુધી મદદ મળે કે સપોર્ટ થાય એવી ગોઠવણ કરતા નથી. જે કેસમાં આરોપી પકડાય નહીં એ કેસમાં ફરિયાદ કરનારી મહિલાની હાલત શું થતી હશે? તેની પીડા કેટલી હશે? આવા કેસને સ્ટેટમેન્ટ ‘એ’ રિપોર્ટ કરીને મૂકી દેવામાં આવે ત્યારે તેની વલે શું થતી હશે? આવા કેસની તપાસ માટે સ્પેશ્યલ સેલ ઊભો કરવો જોઈએ. એના હેડ તરીકે મહિલા આઇપીએસ અધિકારીની નિમણૂક કરવી જોઈએ.’

પ્રજા ફાઉન્ડેશન નામની સામાજિક સંસ્થાના આંકડા કહે છે કે ૨૦૧૧માં બળાત્કારના ૩૨૮ કેસમાં પોલીસ તપાસ કરી રહી હતી જેમાંથી ૧૮૯ કેસ ૨૦૧૧ના હતા અને ૧૩૯ કેસ ૨૦૧૦ના પેન્ડિંગ હતા. પોલીસે ૧૬૯ કેસમાં સ્ટેટમેન્ટ ‘એ’ રિપોર્ટ આપી દીધો હતો. વિનયભંગના ૮૯૦ કેસ નોંધાયા હતા, પણ એમાં અડધા કેસમાં તપાસ બાકી છે. ૨૦૧૨ના પહેલા ૧૦ મહિનામાં બળાત્કારના ૧૭૮ કેસ (૧૧૪ સગીર વયની બાળા પર અને ૬૪ મહિલા પર) નોંધાયા હતા જેમાંથી ૧૬૨ કેસ ઉકેલાયા છે. વિનયભંગના ૪૬૨ કેસમાંથી ૪૦૧ કેસ ઉકેલાયા છે.

સિસ્ટમિક ફેલ્યર?

પ્રજા ફાઉન્ડેશનના મૅનેજિંગ ટ્રસ્ટી નિતાઈ મહેતાએ કહ્યું હતું કે ‘આ આંકડાઓ જણાવે છે કે આ એક સિસ્ટમિક ફેલ્યર છે. કેસની તપાસ કરતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રેણીના અધિકારીઓની ૬૦ ટકા પોસ્ટ ખાલી છે. જે થોડા અધિકારીઓ છે તેમને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી માટે બંદોબસ્તની ડ્યુટીમાં લગાવી દેવામાં આવે છે એટલે ક્રાઇમ ડિટેક્ટ કરવા માટે તેમને ઘણો ઓછો સમય મળે છે.’

ડી.એન. = દાદાભાઈ નવરોજી, આઇપીએસ = ઇન્ડિયન પોલીસ સર્વિસ