શહેરના તમામ ૯૪ પોલીસ સ્ટેશનોના જવાનોના થશે રેપિડ ઍન્ટિજન ટેસ્ટ

26 July, 2020 11:35 AM IST  |  Mumbai Desk | Vishal Singh

શહેરના તમામ ૯૪ પોલીસ સ્ટેશનોના જવાનોના થશે રેપિડ ઍન્ટિજન ટેસ્ટ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના ૯૪ પોલીસ સ્ટેશનોમાં કાર્યરત ૪૫થી ૫૫ વર્ષની ઉંમરના જવાનોના રેપિડ એન્ટીજન ટેસ્ટની તૈયારી કરવામાં આવી છે. હાલ મહારાષ્ટ્રમાં ૧૭૭૩ પોલીસ જવાનો કોરોના ઇન્ફેક્શનની સારવાર લઈ રહ્યા છે. એમાં ૨૦૪ અધિકારી સ્તરના અને ૧૫૬૯ કોન્સ્ટેબલ અને અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જેવા સ્તરના જવાનોનો સમાવેશ છે. કોરોના ઇન્ફેક્શનને કારણે રાજ્યમાં ૯૦ પોલીસ જવાનોના મૃત્યુ નોંધાયા છે. પોલીસ તંત્રમાં કોરોના ઇન્ફેક્શન વધારે ન ફેલાય એ માટે ૩૦ મિનિટોમાં પરિણામ આપતા રેપિડ ઍન્ટિજન ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
૨૪ જુલાઈથી શરૂ કરવામાં આવેલો રેપિડ ઍન્ટિજન ટેસ્ટનો સિલસિલો ૨૯ જુલાઈ સુધી ચાલશે. આ પ્રોસીજરના કો-ઓર્ડિનેશનની જવાબદારી ડિવિઝનલ અસિસ્ટન્ટ કમિશનરને સોંપવામાં આવી છે. દરેક પોલીસ સ્ટેશનમાં તમામ સ્ટાફર્સના એન્ટીજન ટેસ્ટ કરાવવાની જવાબદારી સીનિયર ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે. તેઓ કોઈપણ પોલીસ જવાન ઍન્ટિજન ટેસ્ટમાંથી બાકાત ન રહે એની તકેદારી રાખશે. જે જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવશે, એને તાત્કાલિક સ્વેબ ટેસ્ટ માટે ક્વૉરન્ટીન સેન્ટરમાં અથવા સારવાર માટે મુંબઈ મહાનગર પાલિકાની કે સરકારી હોસ્પિટલનમાં પહોંચાડવામાં આવશે.
મુંબઈ પોલીસના કોરોના ઇન્ફેક્ટેડ કર્મચારીઓમાં ૨૨ ટકા ૪૦ વર્ષથી ૫૦ વર્ષ વચ્ચેની ઉંમરના છે. ૧૭ ટકા ૫૦ વર્ષથી વધારે ઉંમરના છે. કોરોના ઇન્ફેક્શનને કારણે મૃત્યુ પામેલા પોલીસ જવાનોમાંથી ૮૨ ટકા ૫૦ વર્ષથી વધારે ઉંમરના છે. એથી રેપિડ ઍન્ટિજન ટેસ્ટમાં ૪૫થી ૫૫ વર્ષ વચ્ચેની ઉંમરના જવાનોના રેપિડ ઍન્ટિજન ટેસ્ટ કેમ્પ્સ યોજાઈ રહ્યા છે.

vishal singh mumbai mumbai news mumbai police