13 July, 2026 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પાયધુની પોલીસ-સ્ટેશનની સામે ભેગા થયેલા લોકો. વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર.
વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર, સ્થાનિક વિધાનસભ્ય અમીન પટેલ, સિનિયર પોલીસ-ઑફિસરો પહોંચ્યા ત્યારે તેમને પણ ઘેરી લીધા ક્રોધિત જનતાએ
પાયધુની પોલીસ-સ્ટેશનની હદમાં ગઈ કાલે ૧૦ વર્ષની એક બાળકી પર બળાત્કાર કરવાની ઘટના બની હતી. એમાં એક ગોડાઉનના આરોપી વૉચમૅનને ઝડપી લેવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને લોકોમાં બહુ જ રોષ વ્યાપી ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો પાયધુની પોલીસ-સ્ટેશનની બહાર પહોંચીને આરોપીને કડકમાં કડક સજા કરવાની માગણી કરી રહ્યા હતા.
ઘટનાની પ્રાથમિક માહિતી આપતાં પાયધુની પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી અંદાજે ૩૨ વર્ષનો છે અને મસ્જિદના દાણાબંદરના એક ગોડાઉનમાં વૉચમૅન તરીકે નોકરી કરે છે. બાળકી એ ગોડાઉનની આસપાસ આવેલી ઝૂંપડપટ્ટીમાં રહે છે. ગઈ કાલે બપોરે ૩ વાગ્યાની આસપાસ આરોપી બાળકીને ગોડાઉનમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો.’
આ ઘટનાની જાણ કઈ રીતે થઈ અને આરોપી કઈ રીતે પકડાયો એ વિશે માહિતી આપતાં એક સ્થાનિક મહિલાએ કહ્યું હતું કે ‘તે બાળકીનાં માતા-પિતા ઘરે નહોતાં. બાળકી સુલભ શૌચાલયમાં ગઈ હતી. ત્યાંથી પાછી ફરી રહી હતી ત્યારે આરોપી તેને ઉપાડીને ગોડાઉનમાં લઈ ગયો હતો અને શટર બંધ કરીને તેના પર રેપ કર્યો હતો.
એ વખતે બાળકીએ તેને બહુ આજીજી કરી કે મને છોડી દે, મને સખત દુખાવો થાય છે. એમ છતાં તે હેવાને તેને પીંખ્યે રાખી હતી અને લોહીલુહાણ કરી નાખી હતી. બાળકીએ તેને આજીજી કરતાં કહ્યું કે અંકલ મને છોડી દો, પણ તેણે તેની એક ન માની. બાળકીનો અવાજ સંભળીને બહારથી જતી તેની બાજુમાં રહેતી અન્ય એક મહિલાને શંકા ગઈ એટલે તેણે ગોડાઉનની ઉપરની સાઇડ આવેલી બારીમાંથી ગોડાઉનમાં જઈને તે બાળકીને છોડાવી હતી અને આરોપીને ગોડાઉનમાં જ બંધ કરી દીધો હતો. જોકે વાત પોલીસ પાસે પહોંચતાં એ આવી પહોંચી હતી. અમે કેટલીક મહિલાઓ આરોપીને અંદર જઈને મારવા માગતી હતી, પણ પોલીસે અમને રોકી હતી.’
બાળકી પર બળાત્કાર થયો હોવાની વાત જોતજોતાંમાં ફેલાઈ ગઈ હતી અને લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો હતો. લોકો મોટી સંખ્યામા પાયધુની પોલીસ-સ્ટેશન પર એકઠા થઈ ગયા હતા અને આરોપીને કડકમાં કડક સજા આપો, ફાંસી આપો એવી માગણી કરી રહ્યા હતા. મામલો ગરમાઈ ગયો હતો અને બૅરિકેડ્સ ખડકીને પોલીસે લોકોને પોલીસ-સ્ટેશનથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. એક તબક્કે એવું લાગતું હતું કે લોકો પોલીસ-સ્ટેશનમાં ઘૂસીને તેને પતાવી દેશે, પણ પોલીસે તેમને રોકી દીધા હતા. મોટી સંખ્યામાં પહોંચી ગયેલા લોકોએ રસ્તારોકો આંદોલન કર્યું હતું.
ACP, DCP અને વિધાનસભ્યોને લોકોએ ઘેર્યા
મામલાની ગંભીરતા જોતાં અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) અને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) પાયધુની પોલીસ-સ્ટેશન પહોંચી ગયા હતા. વળી સ્થાનિક નગરસેવક, વિધાનસભ્ય અમીન પટેલ અને વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર પણ પહોંચી ગયા હતા. લોકોએ તેમને પણ ઘેરીને આરોપીને તત્કાળ ફાંસી આપો એવી માગણી કરી હતી. લોકોનો રોષ જોઈને પોલીસની વધારાની ટુકડીઓ તહેનાત કરવામાં આવી હતી. પાયધુની પોલીસ બાળકીને પહેલાં સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. એ પછી તેને જે. જે. હૉસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે મોકલી હતી અને આરોપી સામે બળાત્કાર સહિત બાળકી માઇનર હોવાથી પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ પણ કેસ નોંધવાની પ્રક્રિયા ચાલુ કરી હતી.