ગર્વ કરો ઘાટકોપરની આ ગુજરાતી સ્કૂલ પર

23 August, 2012 02:36 AM IST  | 

ગર્વ કરો ઘાટકોપરની આ ગુજરાતી સ્કૂલ પર

ક્રાન્તિ વિભૂતે

મુંબઈ, તા. ૨૩

ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં સ્ટુડન્ટ્સની સંખ્યા ટકાવી રાખવા અને તેમને સારું શિક્ષણ મળે એ માટે તમામ પ્રકારની મદદ કરવા માટે અનેક પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે ઘાટકોપર (ઈસ્ટ)માં આવેલી રામજી આસર ગુજરાતી માધ્યમની સ્કૂલમાં સ્ટુડન્ટ્સને ગોવંડીથી ઘાટકોપર સુધી લાવવા-લઈ જવા માટે બેસ્ટની બસની વ્યવસ્થા મુલુંડની હરિહર પ્રતિષ્ઠાન નામની બિનસરકારી સંસ્થાએ કરી આપી છે. ૫૧ સ્ટુડન્ટ્સ માટે આ ટ્રસ્ટે આશરે ૪૪,૦૦૦ રૂપિયા ભરીને છ મહિના માટે આ વ્યવસ્થા કરી આપતાં આ સ્ટુડન્ટ્સ હવે રોજ સ્કૂલમાં આવી શકે છે. સ્કૂલમાં જવા માટે માત્ર ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ન હોવાને કારણે આ સ્ટુડન્ટ્સ સ્કૂલમાં નહોતા જતા. આ સિવાય અસલ્ફા અને દૂરના વિસ્તારમાં રહેતા સ્ટુડન્ટ્સ પણ સ્કૂલમાં આવી શકે એ માટે સ્કૂલના ટીચર્સ પણ દર મહિને સ્વેચ્છાએ ૧૦૦૦ રૂપિયા આપીને રોજનો ૭૦૦થી ૮૦૦ રૂપિયાનો રિક્ષાભાડાનો ખર્ચ ઉપાડી લે છે. જો ક્યારેક પૈસા ઘટે તો સ્કૂલ-મૅનેજમેન્ટ પણ મદદ કરવા તૈયાર રહે છે. આ સ્ટુડન્ટ્સ પોતાના ખર્ચે સ્કૂલમાં આવે છે, પણ પાછા જવાનો રિક્ષાનો ખર્ચ ટીચર્સ આપે છે.

સ્કૂલમાં સ્ટુડન્ટ્સ નહોતા આવતા એથી તપાસ કરતાં જાણવા મળ્યું કે ઘાટકોપર વિસ્તારમાં રહેતા આઠ સ્ટુડન્ટ્સના પરિવારોને મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કારણે ખસેડીને ગોવંડીમાં ઘર આપવામાં આવ્યાં હતાં, જ્યારે બાકીના ૪૩ સ્ટુડન્ટ્સ પહેલેથી ગોવંડીમાં રહેતા હતા. આ સ્ટુડન્ટ્સના પરિવારો સ્કૂલમાં આવવા માટેનો બસભાડાનો ખર્ચ ઉપાડી શકે એવી સ્થિતિમાં ન હોવાને કારણે તેઓ નિયમિત નહોતા. સ્કૂલટીચર ઇલા સોમપુરાએ કહ્યું હતું કે આ સ્ટુડન્ટ્સનાં માતા-પિતા કમાણી કરવા માટે રોજ હાડમારી કરતાં હતાં અને એથી તેઓ તેમનાં સંતાનોને સ્કૂલમાં મોકલવાનો પણ ખર્ચ કરી શકે એમ નહોતાં.

સ્કૂલનાં પ્રિન્સિપાલ કલ્પના મહેતાએ આ વાત જ્યારે મુલુંડના હરિહર પ્રતિષ્ઠાનને જણાવી ત્યારે એણે આ સ્ટુડન્ટ્સની સ્કૂલમાં લાવવા-લઈ જવાની જવાબદારી ઉપાડી લેવાની તૈયારી બતાવી અને એ માટે શિવાજીનગર બસડેપોનો સંપર્ક કરવામાં આવતાં એણે પણ સાથ આપ્યો. પરિણામે આજે ૫૧ સ્ટુડન્ટ્સ નિયમિત રીતે સ્કૂલમાં આવી શકે છે. હરિહર પ્રતિષ્ઠાનના પ્રેસિડન્ટ દિલીપ ભાનુશાલીએ કહ્યું હતું કે ‘માત્ર ટ્રાન્સપોર્ટની સગવડ ન હોવાથી જો કોઈ સ્ટુડન્ટ્સ સ્કૂલમાં આવી શકતા ન હોય તો એ દુ:ખની વાત છે. આ સ્ટુડન્ટ્સને મદદ કરવા અમે શિવાજીનગર ડેપોનો સંપર્ક કર્યો ત્યારે એણે પણ અમને સાથ આપ્યો. આ માટે અમે એના આભારી છીએ.’

હરિહર પ્રતિષ્ઠાનના ચૅરમૅન રમેશ દામા ઉપરાંત ટ્રસ્ટીઓ રાધા ગોરી, સુનીલ ભાનુશાલી અને કાન્તિ મંગે તથા વૉલન્ટિયર હંસા ભાનુશાલીએ પણ આ માટે સારી મહેનત કરી હતી. કલ્પના મહેતાએ કહ્યું હતું કે ‘આ સ્ટુડન્ટ્સ તેમના બેસ્ટના પાસ ખોઈ નાખે નહીં એ માટે અમે આ પાસ અમારી પાસે રાખીએ છીએ. રોજ અમારો પ્યુન બસ આવે ત્યારે બધા પાસ લઈને કન્ડક્ટર પાસે જાય છે અને નામ પ્રમાણે બધા સ્ટુડન્ટ્સને ઉતારે છે. જતી વખતે પણ પાસ જોઈને તેમને સ્કૂલબસમાં બેસાડવામાં આવે છે.’

બેસ્ટનું ભાડું

પ્રતિ સ્ટુડન્ટ દરમહિને ૧૫૦ રૂપિયા

છ મહિનાના પાસના પ્રતિ સ્ટુડન્ટ ૭૫૦ રૂપિયા

પાસ માટેના કાર્ડનો ખર્ચ (એક વાર) પ્રતિ સ્ટુડન્ટ આશરે ૧૦૦ રૂપિયા