07 February, 2026 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવારના નિધન બાદ તેમનાં પત્ની સુનેત્રા પવારે માત્ર ૪ દિવસમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે શપથ લીધા હતા
અજિત પવારના અકસ્માતમાં થયેલા નિધન બાદ તેમનાં પત્ની સુનેત્રા પવારે માત્ર ૪ દિવસમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે શપથ લેતાં અનેક નેતાઓએ આ શપથવિધિ બહુ ઉતાવળમાં કેમ કરવામાં આવી એમ કહ્યું હતું. હવે શિવસેનાના નેતા રામદાસ કદમે સુનેત્રા પવારની આ શપથવિધિને લઈને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના નેતા સુનીલ તટકરે પર ટીકા કરી છે.
શિવસેનાના રામદાસ કદમે કહ્યું હતું કે ‘સુનીલ તટકરે વિશ્વાસઘાતી છે. જેમણે-જેમણે તેમને મોટા કર્યા એ બધાને તેમણે ખતમ કરવાનું કામ કર્યું છે. દાદા (અજિત પવાર) ગયા પછી સુનીલ તટકરેએ ગંદું રાજકારણ ચાલુ કર્યું. શરદ પવારને માત આપવા માટે દાદાની ચિતાની રાખ પણ હજી ઠંડી પડી નહોતી ત્યાં સુનેત્રાભાભીને સોગન લેવડાવ્યા. ૧૦ દિવસ જવા દીધા હોત તો શું થાત? તટકરે કેટલા ચાલાક છે એ જુઓ. શરદ પવાર પક્ષનો તાબો ન લઈ લે એ માટે સુનેત્રા પવારને સોગન માટે મુંબઈ લઈ આવ્યા. આપણા હિન્દુ લોકોમાં સૂતક પાળવામાં આવે છે, પણ અહીં એવું કંઈ જ પાળવામાં ન આવ્યું. આ બધું બહુ ક્લેશદાયક છે, આ આપણી સંસ્કૃતિ નથી. સુનીલ તટકરેને મહારાષ્ટ્ર ક્યારેય માફ નહીં કરે.’
શિવસેનાના જ અન્ય પ્રધાન ઉદય સામંતે પણ કહ્યું હતું કે શપથવિધિ આટલી જલદી કોણે કરવા કહ્યું?
આમ શપથવિધિને લઈને થઈ રહેલા સવાલો બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘શપથવિધિને લઈને જે વિવાદ થઈ રહ્યો છે એ નિરર્થક અને ખોટો છે. દરેક વ્યક્તિ ફક્ત પોતાનું રાજકારણ કઈ રીતે પાર પડે એનો પ્રયાસ કરી રહી છે જે બહુ જ ખોટું છે. આ પ્રકારનું હલકું રાજકારણ બંધ થવું જોઈએ.’
પ્લેન-ક્રૅશમાં અજિત પવારના અકાળ મોત બાદ અનેક શંકાકુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એમાં હવે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)ના સંસદસભ્ય બજરંગ સોનાવણેએ પત્રકાર-પરિષદમાં શંકા વ્યક્ત કરતાં કહ્યું છે કે અજિત પવારના વિમાનમાં બૉમ્બ હતો કે કેમ એની તપાસ થવી જોઈએ.
બજરંગ સોનાવણેએ કહ્યું હતું કે ‘વિમાનનો વિડિયો મેં જોયો છે. વિમાન જમીન પર ટચ થાય એ પહેલાં જ એમાં પહેલો વિસ્ફોટ થયો હતો. એ વિસ્ફોટ થયા પછી વિમાનના એન્જિન તરફના લોકો બહાર ફેંકાયા હતા. એ પછી વિમાન જમીન પર પટકાયું અને બીજો વિસ્ફોટ થયો. બે વિસ્ફોટ થયા હોવાથી શંકા ન જાય? એથી બધી જ માહિતી સામે આવવી જોઈએ.’