રોગચાળા વચ્ચે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન યોજવું અયોગ્ય: રાજ ઠાકરે

01 August, 2020 10:35 AM IST  |  Mumbai | Agencies

રોગચાળા વચ્ચે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન યોજવું અયોગ્ય: રાજ ઠાકરે

રાજ ઠાકરે

રોગચાળાના માહોલમાં અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે મંદિરનું ભૂમિપૂજન યોજવું અયોગ્ય હોવાનો મત મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ વ્યક્ત કર્યો હતો. રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે કોરોના રોગચાળાના પ્રસાર અને તીવ્રતામાં ઘટાડો થાય ત્યાર પછી રામજન્મભૂમિ ખાતે રામમંદિર બાંધવા માટે ભૂમિપૂજનનું આયોજન કરી શકાયું હોત.

એક મરાઠી ટીવી ન્યુઝ ચૅનલના પ્રતિનિધિ સાથે વાતચીતમાં રાજ ઠાકરેએ અયોધ્યામાં રામમંદિરનું ઈ-ભૂમિપૂજન યોજવાની શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હિમાયતને પણ સમર્થન આપ્યું નહોતું. મનસે પ્રમુખે જણાવ્યું હતું કે ‘રામજન્મભૂમિ ખાતે મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ ખૂબ જોશ, ઉત્સાહ અને ધામધૂમથી યોજાવો જોઈએ, પરંતુ હાલમાં રોગચાળાના માહોલમાં લોકોની માનસિક સ્થિતિ જુદી છે. બે મહિના પછી પરિસ્થિતિ શાંત પડ્યા પછી ભૂમિપૂજન યોજાય તો લોકો એ કાર્યક્રમને માણી પણ શકે.’

રાજ ઠાકરેએ કોરોના રોગચાળાને ડામવા માટેના રાજ્ય સરકારનાં પગલાં અને પદ્ધતિને વખોડતાં જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રનું સરકારી તંત્ર લોકોના મનમાંથી બીમારીનો ડર દૂર કરી શકતું નથી. રાજ્ય સરકારે લાગુ કરેલાં નિયંત્રણો વિશે ટીવી ન્યુઝ ચૅનલ્સ અને વૉટ્સઅૅપ પર જે રીતે સમાચાર ફરી રહ્યા છે એનાથી લોકોના મનમાં અસુરક્ષા અને ભય પેદા થઈ રહ્યા છે.’

ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાન તરીકે પર્ફોર્મન્સ વિશેના સવાલના જવાબમાં રાજ ઠાકરેએ કહ્યું કે ‘મેં ટીવી પર એમનું પર્ફોર્મન્સ જોયું છે, પરંતુ સાડાચાર-પાંચ મહિનામાં એમણે કોઈ નોંધપાત્ર કામ કર્યું હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી.’

mumbai mumbai news raj thackeray maharashtra navnirman sena