રામ ભુવનના રહેવાસીઓએ કર્યું સુધરાઈના અધિકારીઓનું બહુમાન

28 December, 2011 08:40 AM IST  | 

રામ ભુવનના રહેવાસીઓએ કર્યું સુધરાઈના અધિકારીઓનું બહુમાન

 

જો તેમની પાણીની આ સમસ્યાનો બુધવાર સવાર સુધીમાં અંત ન આવે તો તેઓ ઘાટકોપરના સુધરાઈના ‘એન’ વૉર્ડના બિલ્ડિંગના ચોથા માળે આવેલા પાણી વિભાગ પર મોરચો લઈ જવાના હતા, પણ તેમની પાણીની સમસ્યાનો બુધવારે સવારે જ અંત આવી જતાં રામ ભુવન બિલ્ડિંગના રહેવાસીઓ ‘એન’ વૉર્ડ પર મોરચો લઈ જવાને બદલે ગુરુવારે સવારે ૧૨ વાગ્યે પાણી વિભાગના અસિસ્ટન્ટ એન્જિનિયર આર. સી. પ્રભુ અને જુનિયર એન્જિનિયર કુંદન સોનવણેનું ફૂલોનો ગુચ્છો લઈ બહુમાન કરવા પહોંચી જતાં આ વિભાગના કર્મચારીઓ ગદ્ગદ થઈ ગયા હતા.

જોકે રામ ભુવનની મહિલાઓએ તેમની પાણીની સમસ્યાનો અંત લાવવા માટેનું મુખ્ય શ્રેય મિડ-ડે LOCALને આપ્યું હતું. બુધવારે સવારે ૨૩ દિવસ જૂની પાણીની સમસ્યાનો જેવો અંત આવ્યો કે તરત જ રામ ભુવનના રહેવાસીઓએ મિડ-ડે LOCALનો ફોન સવારથી સાંજ સુધી આભાર માનવા માટે રણકતો રાખ્યો હતો. આ બિલ્ડિંગના ભોંયતળિયે રહેતાં દીપિકાબહેન ત્રિવેદીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારા બિલ્ડિંગની વયસ્ક મહિલાઓએ તમને આર્શીવાદ આપ્યા હતા. જે રીતે તમે ૧૫ ડિસેમ્બરે ગુરુવારે અમારા બિલ્ડિંગમાં આવીને અમારી પાણીની ફરિયાદ સાંભળીને તરત જ પાણી વિભાગના એન્જિનિયરને ફોન કરીને અમારી સમસ્યા હલ કરવા પ્રયતનશીલ બન્યા એ આવકારદાયક હતું. એ દિવસે તમારો પાણી વિભાગમાં ફોન ગયા પછી અમારા બિલ્ડિંગવાળા તો દોડતા થયા, પણ તમારા ફોને પાણી વિભાગના અધિકારીઓને દોડતા કરી દીધા હતા. તમે બિલ્ડિંગમાં આવ્યા પછી અમારા નગરસેવક ભાલચંદ્ર શિરસાટ પણ અમને કેમ જલ્ાદી પાણી મળે એ માટે

રાત-દિવસ અમારી સાથે રહ્યા હતા, જેનાથી ૮ દિવસમાં જ અમારી ૨૩ દિવસ જૂની સમસ્યાનો અંત આવી ગયો હતો. જોકે એ માટે અમે મિડ-ડે LOCALના ખૂબ-ખૂબ આભારી છીએ.’

અન્ય એક રહેવાસી સુરેશ ચંદેએ કહ્યું હતું કે ‘પાણીની સમસ્યા વધતાં આક્રોશ વધ્યો. સુધરાઈ તરફથી કોઈ જ હકારાત્મક વલણ નહોતું દેખાતું. આખરે અમે મિડ-ડે LOCALનો સંપર્ક કર્યો હતો. તેમણે અમારી ફરિયાદ જેવી સાંભળી કે તરત જ સુધરાઈના ‘એન’ વૉર્ડના પાણી વિભાગના અસિસ્ટન્ટ એન્જિનિયર આર. સી. પ્રભુને ફોન કરીને અમારી સમસ્યાનો જલ્ાદીથી અંત લાવવા જણાવ્યું હતું. પછી તરત જ પાણી વિભાગના જુનિયર એન્જિનિયર અને તેમના કર્મચારીઓ અમારા બિલ્ડિંગમાં હાજર થઈ ગયા હતા, પરંતુ તેઓ અમારી પાણીની સમસ્યાનું કારણ શોધવામાં નિષ્ફળ ગયા હતા. તેમણે હજી અમને ક્ષતિ મળતી નથી એમ કહીને હાથ ખંખરી નાખ્યા હતા. તરત જ મિડ-ડે LOCAL તરફથી અમને ટૅન્કરથી પાણી પૂરું પાડવાનું આર. સી. પ્રભુને કહેવામાં આવ્યું હતું, પરંતુ અમારા બિલ્ડિંગમાં પાણીનું ટૅન્કર આવી શકે એમ નહોતું. ત્યાર પછી તો સફાળા જાગેલા અમારા નગરસેવક, પાણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ બધા જ અમને કેમ જલ્ાદી પાણી મળે એ માટે મહેનત કરવા માંડ્યા હતા. સોમવાર અને મંગળવારની રાતથી લઈને બુધવારે પરોઢિયે ૪ વાગ્યા સુધી તો ભાલચંદ્ર શિરસાટ પણ અમારી સાથે મહાત્મા ગાંધી રોડના સવાણી અપાર્ટમેન્ટ પાસે રહ્યા હતા. તેમની સાથે આર. સી. પ્રભુ અને કુંદન સોનવણે બધા જ રાતભર જાગ્યા હતા. એને પરિણામે અમે બુધવારે સવારથી પાણી મેળવવામાં સફળ થયા હતા.’

અમને બુધવારે સવારે જેવું પાણી મળવા માંડ્યું કે તરત જ અમે બધાનું બહુમાન કરવાનું નક્કી કર્યું હતું એમ જણાવતાં કીર્તિ પંડ્યાએ કહ્યું હતું કે ‘પહેલાં તો બિલ્ડિંગવાસીઓએ મિડ-ડે LOCALનો આભાર માનવા માટે ફોન કર્યા હતા. ત્યાર બાદ અમે પાણી વિભાગના આર. સી. પ્રભુ, કુંદન સોનવણે અને નગરસેવક ભાલચંદ્ર શિરસાટનું બહુમાન કરવા જવાના હતા, પરંતુ તેમના બે રાતથી ઉજાગરા થયા હોવાથી અમે ગુરુવારે તેમનું બહુમાન કર્યું હતું. અમે આર. સી. પ્રભુ અને કુંદન સોનવણેનું બહુમાન કરવા ગયા તો તેઓ પહેલાં તો એમ સમજ્યા કે અમે ફરિયાદ કરવા આવ્યા છીએ, પરંતુ જેવું અમે તેમનું ફૂલના ગુચ્છા આપીને બહુમાન કર્યું ત્યારે તેઓ ગદ્ગદ થઈ ગયા હતા.’