ચાર પેઢીના ૧૦૫ જણે સાથે મળીને અનોખી ઉજવણી કરી રક્ષાબંધનની

01 August, 2012 05:13 AM IST  | 

ચાર પેઢીના ૧૦૫ જણે સાથે મળીને અનોખી ઉજવણી કરી રક્ષાબંધનની

આજે તેમની ચાર પેઢીમાં ૧૦૫ સભ્યો છે જેમણે તેમની પરંપરાને હજી ટકાવી રાખી છે. શનિવારે સાંજે આ પરિવારે ગાંધીનગરમાં આવેલા પોકાર નિકેતનમાં છ દાયકા પહેલાં વડીલોએ શરૂ કરેલી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ ઉજવણી માટે મહેતાપરિવારની કુવૈત પરણાવેલી દીકરી પણ દર વર્ષની જેમ તેના પરિવાર સાથે હાજર થઈ હતી. આ પ્રસંગે સૌથી મોટી ઉંમરની વ્યક્તિ હતી ૮૬ વર્ષના જયંતીલાલ સુખલાલ મહેતા અને સૌથી નાની ઉંમરની હતી સાડાત્રણ વર્ષની પરિધિ.

 

મૂળ મોરબીનાં કવિતા નીલેશ મહેતા તેમના ઘરમાં થતી આ ઉજવણીની વાતો કરતાં કહે છે, ‘શનિવારની સવારથી મારા ઘરમાં ઉત્સવનો માહોલ હતો. દીકરીઓના કલશોરથી પોકાર નિકેતન ગૂંજી ઊઠ્યું હતું. સૌએ સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી એક જ ઘરમાં કરી હતી. બધા વીરપસલીનું જમણ એક જ રસોડે જમે, ક્યારેય હોટેલમાં નહીં. એ પણ નીચે બેસીને પગંત પાડીને જમે. દર વર્ષે ભાતભાતનાં અને જાતજાતનાં ભોજનિયાં બને. શનિવારે રાજસ્થાની ભોજન સૌએ આજના પીત્ઝા અને ફાસ્ટ ફૂડના સમયમાં પણ સાથે મળીને માણ્યું હતું. નાની બહેનો તો ભાઈઓએ આપેલી વીરપસલી ભેગી કરવા મોટા થેલાઓ લઈને અહીં-તહીં દોડતી હતી. પરિવારનો એક જ નિયમ છે કે બધી જ બહેનોને ભાઈઓ તરફથી એકસરખી વીરપસલી મળે અને બાળકોને પણ આ પ્રસંગે ગિફટ મળે.’

આ પરિવાર આખા વર્ષ દરમ્યાન આવતાં બધાં પર્વ આ જ રીતે સાગમટે ઊજવે છે, પછી એ રક્ષાબંધન હોય કે દિવાળી અથવા ક્રિસમસ. આ બધા તહેવારો આ પરિવાર એક જ રસોડે બાવન વ્યજંનોના રસથી ઊજવે છે. એ પણ દેશી જમણ.

- રોહિત પરીખ