રાકેશ મારિયાના માથે આવતાં વેંત મુસીબત, પોલીસે કર્યો પોલીસનો જ વિનયભંગ

17 February, 2014 03:26 AM IST  | 

રાકેશ મારિયાના માથે આવતાં વેંત મુસીબત, પોલીસે કર્યો પોલીસનો જ વિનયભંગ



વિનય દળવી

મહિલાઓની સુરક્ષા સંબંધી મોટા-મોટા દાવા કરતી મુંબઈ પોલીસના નવા કમિશનર રાકેશ મારિયાએ પણ મહિલા સુરક્ષાને પ્રાધાન્ય આપવાનું કહ્યું હતું, પરંતુ નાગપાડાની પોલીસ હૉસ્પિટલમાં જ આ મામલે મુંબઈ પોલીસ માટે શરમજનક કહેવાય એવો એક કેસ નોંધાયો છે. આ હૉસ્પિટલમાં એક મહિલા કૉન્સ્ટેબલને લૉક કરીને એક પુરુષ કૉન્સ્ટેબલે તેનું મોલેસ્ટેશન કર્યું હોવાનો ચોંકાવનારો મામલો બહાર આવ્યો છે.

આ કેસમાં નાગપાડા પોલીસ હૉસ્પિટલના ડૉ. પાટીલની ડ્યુટી કરતા પોલીસના મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટના ૩૦ વર્ષના કૉન્સ્ટેબલ પ્રફુલ ખેડકે, હૉસ્પિટલના ૩૧ વર્ષના ક્લીનર મહેશ બારિયા અને ૪૨ વર્ષના વૉર્ડબૉય શંકર અંબાવલે મળીને ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

નાગપાડા પોલીસના જણાવ્યા પ્રમાણે આ કેસની પીડિતા સાતારાની છે અને તાજેતરમાં ૨૫ નવેમ્બર ૨૦૧૩માં પોલીસમાં જોડાઈ હતી. અંધેરીના મરોલમાં પોલીસ-કૅમ્પમાં ટ્રેઇનિંગ દરમ્યાન તેને ડાબા પગમાં ફ્રૅક્ચર થતાં પહેલાં કૂપર હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી અને ત્યાં પ્લાસ્ટર સહિતની સારવાર બાદ તેને રેસ્ટ માટે નાગપાડા વુમન્સ હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

નાગપાડા પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘૨૭ જાન્યુઆરીએ આ મહિલા ડૉ. શિંદેની કૅબિનમાં જઈને પોતાને હૉસ્પિટલમાંથી ક્યારે છુટ્ટી મળશે એ અને બાકીની માહિતી માટે ગઇ હતી ત્યાં ક્લીનર મહેશ સાથે તેનો પરિચય થયો હતો. મહેશે તેનું વતન કયું છે અને ક્યાં જમે છે જેવા પ્રશ્નો પૂછીને કહ્યું હતું કે તે નજીકમાં રહેતા એક રસોઇયાને ત્યાંથી તેના માટે ઘરના ભોજનની વ્યવસ્થા ગોઠવી આપશે. આવી મદદ માટે તેણે આ કૉન્સ્ટેબલ પાસેથી મોબાઇલ નંબર લીધા હતા.’

બાદમાં મહેશ તેને ફોન કરીને નીચે મળવા માટે બોલાવતો હતો અને મુંબઈમાં તો છોકરીઓ સાથે ફ્રેન્ડશિપ એક કૉમન વાત હોવાનું કહેતો હતો. બાદમાં આ કૉન્સ્ટેબલ ડૉ. ચવાણની કૅબિનમાં ગઇ ત્યારે પોલીસ-કોન્સ્ટેબલ નવનાથના પરિચયમાં આવી હતી. નવનાથે કહ્યું હતું કે તે પણ સાતારાનો જ છે અને પરાણે તેને પોતાનું ATM કાર્ડ આપીને જરૂર પડ્યે પૈસા કઢાવી લેવાનું કહ્યું હતું.

નાગપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નંદકુમાર મેહતારે કહ્યું હતું કે ‘આ ઘટનાક્રમથી ગભરાયેલી આ કૉન્સ્ટેબલે ૬ ફેબ્રુઆરીએ નવનાથને ફોન કરીને પોતાનું ATM કાર્ડ પરત લઈ જવાનું કહ્યું હતું. બાદમાં નવનાથે ફરીથી તેને ફોન કરીને નીચે OPDની પાછળ બોલાવી હતી, જ્યાં નવનાથ અને વૉર્ડબૉય શંકરે તેની તબિયત બાબતે પૃચ્છા કરી હતી. સામાન્ય વાતચીત બાદ શંકર ત્યાંથી નીકળીને દરવાજો બહારથી લૉક કરીને ચાલ્યો ગયો હતો અને નવનાથે આ મહિલા કૉન્સ્ટેબલને બાથમાં લઈને તે પોતાને પસંદ હોવાનું કહી તેને પોતે પસંદ છે કે કેમ એવું બધું પૂછ્યું હતું.’

આ મહિલાએ બૂમબરાડા પાડતાં નવનાથે શંકરને બોલાવી બહારથી દરવાજો ખોલાવ્યો હતો અને બન્નેએ આ વિશે અન્ય કોઈને જાણ ન કરવાનું કહીને ધાકધમકીઓ આપી હતી.

આવી ઘટનાઓથી આ કૉન્સ્ટેબલ માનસિક તનાવમાં આવી ગઈ હતી અને બાદમાં તેણે ડૉ. ફાદ અને ડૉ. પાટીલને આ ઘટનાક્રમ કહ્યો હતો. ડૉક્ટરોએ મહિલા ઇન્સ્પેક્ટર ફડકેને બોલાવી હતી અને ત્રણે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

સિનિયર ઇન્સ્પેક્ટર નંદકુમાર મેહતારે કહ્યું હતું કે ‘પોલીસમાં નવી જોડાયેલી કૉન્સ્ટેબલ સાતારાની છે અને મુંબઈમાં એકલી છે એથી આ ત્રિપુટીએ તેને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણે આરોપીની ધરપકડ પછી તેમને જામીન મળી ગયા હતા, પરંતુ હવે તેમની કસ્ટડી મેળવવા માટે અમે સેશન્સ કોર્ટમાં અરજી કરીશું.’