રૅલીમાં ધારણા પ્રમાણે લાખેક લોકો જોડાયા

22 August, 2012 05:26 AM IST  | 

રૅલીમાં ધારણા પ્રમાણે લાખેક લોકો જોડાયા

બકુલેશ ત્રિવેદી

મુંબઈ, તા. ૨૨

આઝાદ મેદાનમાં ૧૧ ઑગસ્ટે થયેલા તોફાન વખતે મહિલા પોલીસ-કૉન્સ્ટેબલની સાથે કરવામાં આવેલી છેડતી, પોલીસ-કર્મચારીઓ પર કરવામાં આવેલા હુમલા અને મિડિયાની ગાડીઓને પહોંચાડવામાં આવેલા નુકસાનને લઈને વિરોધ-પ્રદર્શન કરવા ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરેએ રૅલી માટે કરેલા આહ્વાનને લોકોનો પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો અને તેમની ધારણા હતી કે રૅલીમાં એક લાખ લોકો જોડાશે એ ખરી ઊતરી હતી અને એક લાખ કરતાં વધુ લોકો રૅલીમાં જોડાયા હતા.  

સમર્થકો બહારગામથી આવી પહોંચ્યા

મુંબઈ અને એની આજુબાજુના લોકો તો રૅલીમાં ભાગ લેવા આવ્યા જ હતા, પણ સાથે-સાથે બહારગામથી નાશિક, પુણે એમ વિવિધ શહેરોમાંથી લોકો ગઈ કાલે સવારથી જ ચોપાટી પર પહોંચવા માંડ્યા હતા, જેમાં પુરુષો સહિત મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવી હતી. તેઓ  તેમનાં પ્રાઇવેટ વાહનો સુમો, ઇનોવા કરીને આવ્યા હતા અને ત્યાં જ બપોર સુધી રહ્યા હતા. ઘણા તો પહેલી વાર મુંબઈ આવ્યા હોવાથી રૅલી નીકળવા પહેલાં દરિયાકિનારે લટાર મારવા નીકળી પડ્યા હતા. તેમણે ચા-નાસ્તો અને બપોરનું ભોજન પણ બીચ પર જ લીધાં હોવાથી બીચ પરના સ્ટૉલમાલિકોને તડાકો પડી ગયો હતો અને તેમણે જંગી કમાણી કરી લીધી હતી. જોકે એ લોકોને કારણે બીચ પર ગંદકી પણ બહુ જ થઈ હતી.

એક કલાકમાં પ્રચંડ ભીડ

એમએનએસે એના સમર્થકોને અને રૅલીમાં ભાગ લેવા માગતા લોકોને બપોરે ૧૨ વાગ્યાથી ચોપાટી પર ભેગા થવાનું કહ્યું હતું, જેને કારણે બારથી એક વાગ્યા દરમ્યાન હજારો લોકો આવ્યા હતા અને ચોપાટી પર લોકોનો મહાસાગર દેખાતો હતો. લોકોએ રોડ પર ઊભા રહેવું પડ્યું હતું.

ટ્રાફિક જૅમ  

રાજ ઠાકરે આવ્યા નહોતા, પણ અતિશય ભીડને કારણે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. જોકે તેમના જ સમર્થકો અને પોલીસો દ્વારા પણ ટ્રાફિક ક્લિયર કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. એમ છતાં મરીન ડ્રાઇવના એ રોડ પર બે કિલોમીટર લાંબા સ્ટ્રેચ પર ટ્રાફિક જૅમને કારણે મુંબઈગરાએ હેરાનગતિ ભોગવવી પડી હતી. કેટલીક સ્કૂલ-બસોમાં સ્ટુડન્ટ્સ પણ અટવાયા હતા.

નેતાઓ ગાડી પર ચડી ગયા

રાજ ઠાકરે તો બપોરે આવ્યા હતા, પણ એમએનએસના નેતાઓ ૧૨ વાગ્યાથી જ એક પછી એક ચોપાટી પહોંચી રહ્યા હતા. સૌથી પહેલાં બાળા નાંદગાંવકર પહોંચી ગયા હતા. ત્યાર બાદ પ્રવીણ દરેકર અને રામ કદમ પહોંચ્યા હતા. તેઓ પરિસ્થિતિનો ક્યાસ કાઢવા ટવેરા જીપની છત પર ચડી ગયા હતા અને છેલ્લે તેમની સાથે નીતિન સરદેસાઈ જોડાયા હતા.

રાજ ઠાકરેની એન્ટ્રીથી લોકો બેકાબૂ

રાજ ઠાકરે આવ્યા ત્યારે તેમની એક ઝલક પામવા તેમના સમર્થકોએ અભૂતપૂર્વ ધસારો કર્યો હતો. ૧૫થી ૨૦ મિનિટ તો તેમણે ત્યાં જ ઊભા રહી જવું પડ્યું હતું. લોકો તેમને જોવા વાહન પર ચડી ગયા હતા તો કેટલાક લોકો ઝાડ પર પણ ચડીને તેમને જોવાનો પ્રયત્ન કરતા હતા. કેટલાય લોકોનાં શૂઝ અને ચંપલ એ ધમાલમાં નીકળી ગયા હતાં.

એક કિલોમીટર કારમાં  

રાજ ઠાકરે ચોપાટીથી ચર્ની રોડ સ્ટેશન સુધી ચાલ્યા હતા અને પછી તે તેમના કાફલાની કારમાં બેસી ગયા હતા. અંદાજે એક કિલોમીટર બાદ આવતા પોલીસ-જિમખાના પાસે તેઓ ફરી કારમાંથી ઊતરી ગયા હતા અને રૅલીનું નેતૃત્વ લઈ છેક આઝાદ મેદાન સુધી ચાલતા ગયા હતા.

પોલીસ તહેનાત આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે માત્ર ચોપાટી કે આઝાદ મેદાનમાં જ પોલીસ તહેનાત કરવામાં આવી હતી એવું નહોતું, રેલીના આખા રૂટ દરમ્યાન સતત પોલીસ-બંદોબસ્ત જોવા મળતો હતો.

એક બાજુ સાગર, બીજી બાજુ સમર્થકોનો મહાસાગર

૧૧ ઑગસ્ટે આઝાદ મેદાનની બહાર થયેલાં તોફાનોમાં પોલીસ અને મિડિયા પર કરવામાં આવેલા હુમલાનો વિરોધ કરવા રાજ ઠાકરેએ આયોજેલી ગઈ કાલની રૅલીને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો અને બપોરે ૧૨ વાગ્યે ધોમધખતા તાપમાં જ્યાંથી રૅલીનો સ્ટાર્ટિંગ પૉઇન્ટ હતો એ ચોપાટી પર હજારોની સંખ્યામાં તેમના સમર્થકો એકઠા થઈ ગયા હતા (ઉપર). રાજ ઠાકરેની આગેવાની હેઠળ ચોપાટીથી નીકળેલી રૅલી આઝાદ મેદાન જવા મરીન ડ્રાઇવથી નીકળી ત્યારે રોડની બન્ને તરફ તેમના સમર્થકો ચાલી રહ્યા હતા. એક લાખ કરતાં વધુ લોકોની આ રૅલીને કારણે અભૂતપૂર્વ નજારો જોવા મળ્યો હતો (ઇન્સેટ). માત્ર ઍરકન્ડિશન્ડ ગાડીઓમાં ફરતા અન્ય પાર્ટીઓના નેતાઓને લોકોનો સપોર્ટ શું હોય એ સાનમાં સમજાવી દેતાં રાજ ઠાકરે જ્યારે પદયાત્રા કરીને આઝાદ મેદાન તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને સામાન્ય લોકો અહોભાવથી જોઈ રહેતા હતા અને તેમની સાથે કદમ મિલાવવામાં આનંદ અનુભવતા હતા. તસવીરો : પ્રદીપ ધિવાર અને સુરેશ કે. કે.

દેરાસર બનાવવાની અનોખી કૉમ્પિટિશન

મુલુંડના વીણાનગર જૈન સંઘમાં એક અનોખી કૉમ્પિટિશન યોજાઈ છે - દેરાસર બનાવવાની. ધૂપસળી, સ્ટિક, કાચ, જરી, લાકડું, મીણ, કપૂર, થર્મોકોલ, કાર્ડર્બોડ, કાગળ વગેરે જેવી વસ્તુઓમાંથી શ્રાવકોએ ભવ્ય મંદિર બનાવ્યાં છે. અત્યાર સુધી ૩૦ એન્ટ્રી આવી છે અને તમામ દેરાસરનું વીણાનગર-ગોવર્ધનનગર જૈન ઉપાશ્રયમાં પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. શુક્રવાર સુધી ચાલનારા આ પ્રદર્શનનો સમય સવારના ૧૦થી ૧ અને બપોરે ૩થી ૬નો છે. શનિવારે આ સ્પર્ધાનું રિઝલ્ટ જાહેર થવાનું છે. હજી પણ કોઈને આ હરીફાઈમાં ભાગ લેવો હોય તો ૯૮૧૯૧ ૭૦૪૪૦ નંબર પર ફોન કરીને વધુ વિગતો મેળવી શકે છે. પણ હા, આ સ્પર્ધામાં મુલુંડના પાંચ જૈન સંઘોના લોકો જ ભાગ લઈ શકે છે.