એક વાહને ઉડાડ્યો ને બીજાએ કચડી નાખ્યો

31 December, 2012 05:38 AM IST  | 

એક વાહને ઉડાડ્યો ને બીજાએ કચડી નાખ્યો



વાશીના ૩૬ વર્ષના ટ્રાવેલ-એજન્ટ પરાગ રજનીકાંત શેઠના ગુરુવારે મોડી રાતે રોડ-અકસ્માતમાં થયેલા મોત માટે જવાબદાર ટેમ્પો-ડ્રાઇવર ૩૪ વર્ષનો સુખદેવ પાસવાન ઍક્સિડન્ટ પછી ભાગી ગયો હતો, પરંતુ વાશી પોલીસે નાકાબંધી કરીને ટેમ્પોના બોનેટ પર લાગેલા લોહીના ડાઘથી સુખદેવની ધરપકડ કરી હતી. સુખદેવ અત્યારે નવી મુંબઈની તળોજા જેલમાં છે.

ગુરુવારે રાતે નવી મુંબઈના ખાડી પુલ પર ખૂબ અંધારું હતું. એ વખતે ઘાટકોપરથી ઉઘરાણી કરીને રાતે દોઢ વાગ્યે મોટરબાઇક પર હેલ્મેટ પર્હેયા વગર વાશીના સેક્ટર નંબર-૨૯માં આવેલા તેના ઘરે જઈ રહેલા પરાગને પાછળથી આવી રહેલા ટેમ્પોએ ઉડાડતાં તે હવામાં ઊછળીને મુંબઈ તરફ જતા રોડ પર પટકાયો હતો. એ વખતે ત્યાંથી પસાર થઈ રહેલું બીજું વાહન પરાગ પર ફરી વળતાં પરાગના શરીરનો ખુરદો બોલી ગયો હતો અને તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.

ટેમ્પો-ડ્રાઇવર સુખદેવ પરાગનો ઍક્સિડન્ટ કરીને ભાગી છૂટ્યો હતો, પરંતુ એ વખતે આ ઘટના જોનાર એક વ્યક્તિએ તાત્કાલિક આ બાબતની જાણ પોલીસને કરી હતી. પોલીસે એક પળનોય વિલંબ કર્યા વિના ટ્રાફિક-પોલીસની મદદથી ચારે બાજુ નાકાબંધી કરી હતી. જોકે પોલીસ પાસે ટેમ્પોનો નંબર ન હોવાથી ટેમ્પોને ઓળખવો મુશ્કેલ હતો, પરંતુ ટેમ્પોના બોનેટ પર લાગેલા લોહીના ડાઘથી પોલીસે ટેમ્પોને ઓળખી લીધો હતો અને સુખદેવ પર હિટ ઍન્ડ રનનો કેસ નોંધીને ટેમ્પો સાથે તેની ધરપકડ કરી હતી.

વાશી પોલીસ-સ્ટેશનના આ ઘટનાના તપાસ-અધિકારી અરુણ સુગાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પરાગ શેઠના અકસ્માતની ઇન્ફર્મેશન તાત્કાલિક મળી જતાં અમે તરત જ નાકાબંધી કરીને ટેમ્પોને પકડી શક્યા હતા. ટેમ્પોના નંબર વગર ટેમ્પોને પકડવામાં કદાચ અમને મુશ્કેલી પડી હોત, પરંતુ ટેમ્પો પર લાગેલા લોહીના ડાઘે અમને ટેમ્પોને પકડવામાં મદદ કરી હતી.’

નવી મુંબઈના વાશીમાં પત્ની અને છ વર્ષના પુત્ર સાથે રહેતા દશા સોરઠિયા વણિક જ્ઞાતિના સૉફ્ટવેર એન્જિનિયર પરાગ શેઠનાં માતા-પિતા વિદ્યાવિહાર રહે છે. વાશીમાં પરાગ ટ્રાવેલ-એજન્સી ચલાવે છે. ગુરુવારે રાતે દોઢ વાગ્યે તે મોટરબાઇક પર ઘાટકોપરથી વાશી તરફ  જઈ રહ્યો હતો ત્યારે ટેમ્પોએ તેને ઉડાડી મૂક્યો હતો. ટેમ્પોએ ઉડાડ્યા બાદ વિરુદ્ધ દિશામાંથી ફુલસ્પીડમાં જઈ રહેલા વાહન નીચે પરાગ આવી જતાં તેના શરીરના ત્રણ ટુકડા થઈ ગયા હતા અને તેનો ચહેરો છૂંદાઈ ગયો હતો.