આપણે ડિફેન્સ એક્સપોર્ટને ૫૦,૦૦૦ કરોડ સુધી પહોંચાડવાનું રાખ્યું છે લક્ષ્ય

17 October, 2025 07:46 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

આપણે ડિફેન્સ એક્સપોર્ટને ૫૦,૦૦૦ કરોડ સુધી પહોંચાડવાનું રાખ્યું છે લક્ષ્ય

ગઈ કાલે પુણેની સિમ્બાયોસિસ સ્કિલ્સ ઍન્ડ પ્રોફેશનલ્સ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધી રહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ (ડાબે). તેમણે ગઈ કાલે પુણેમાં આવેલી DRDOની આર્મ લૅબોરેટરીની મુલાકાત પણ લીધી હતી.

પુણેની સિમ્બાયોસિસ સ્કિલ્સ ઍન્ડ પ્રોફેશનલ્સ યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારંભમાં ગઈ કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ઑપરેશન સિંદૂરથી ભારત સંરક્ષણની બાબતમાં કેટલું આત્મનિર્ભર છે એ પુરવાર થઈ ગયું. ઑપરેશન સિંદૂરમાં વપરાયેલાં મોટા ભાગનાં હથિયારો અને ઇક્વિપમેન્ટ્સ ભારતમાં જ નિર્મિત હતાં. 

સ્વતંત્રતા મળી ત્યારથી ભારતે આધુનિક શસ્ત્રો માટે બીજા પર ​નિર્ભર રહેવું પડતું હતું એ કમી આપણે હવે દૂર કરી છે. સરકાર દેશમાં જ આધુનિક શસ્ત્રોનું ઉત્પાદન કરવા પ્રોત્સાહન આપી રહી છે એમ કહેતાx રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું હતું કે ‘છેલ્લાં દસ વર્ષમાં શસ્ત્રોનું ઉત્પાદન ૪૬,૦૦૦ કરોડથી વધીને ૧.૫ લાખ કરોડ પર પહોંચી ગયું છે. એમાં પણ પ્રાઇવેટ સેક્ટર દ્વારા ૩૩,૦૦૦ કરોડનાં શસ્ત્રોનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. સરકારનું લક્ષ્ય છે કે એ ૨૦૨૯ સુધીમાં વધારીને ૩ લાખ કરોડ પર પહોંચાડી દેવું એટલું જ નહીં, ૫૦,૦૦૦ કરોડનાં શસ્ત્રો એક્સપોર્ટ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.’

રાજનાથ સિંહે પુણે શહેરના ઇતિહાસ અને વર્તમાનને બિરદાવતાં કહ્યું હતું કે ‘પુણે શહેર તો દેશ અને દુનિયામાં પણ ડિફેન્સ સેક્ટર માટે જાણીતું છે. આ શહેર પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ છે. ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડનું મુખ્ય મથક અહીં આવેલું છે. એ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રની ઘણી મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ પણ અહીં છે.’

mumbai news mumbai pune news pune maharashtra maharashtra news defence ministry operation sindoor