મુંબઈમાં ૧૫-૨૦ દિવસમાં કોરોનાના કેસો ઘટશે : રાજેશ ટોપે

09 May, 2020 05:34 PM IST  |  Mumbai Desk | Agencies

મુંબઈમાં ૧૫-૨૦ દિવસમાં કોરોનાના કેસો ઘટશે : રાજેશ ટોપે

રાજેશ ટોપે

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ગઈ કાલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ૧૫થી ૨૦ દિવસોમાં મુંબઈમાં કોવિડ-૧૯ના કેસોમાં તીવ્ર ઘટાડો જોવા મળશે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે અહીંની સ્થિતિ વિશે ચર્ચા કરવા માટે શહેરની મુલાકાત લીધી હતી.

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ઉમેર્યું હતું કે ‘મીટિંગમાં તમામ વૉર્ડના અધિકારીઓ તથા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ઉપસ્થિત રહ્યા હતા. અમે હાથ ધરાયેલાં સુધારાનાં પગલાં અંગે ચર્ચા કરી હતી. અગરવાલે કન્ટેનમેન્ટ ઝોનને યોગ્ય રીતે સીમાંકિત કરવાનું અને આ વિસ્તારોમાં કૉન્ટૅક્ટ ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પૉઝિટિવ દરદીઓની સારવાર પર ભાર મૂકવાનું સૂચન કર્યું હતું.

રાજેશ ટોપેના જણાવ્યા પ્રમાણે ‘કેન્દ્ર ગીચ વિસ્તારોમાં વાઇરસનો ફેલાવો અટકાવવા માટે બીમારી પર ચાંપતી નજર રાખવાની કામગીરી વધારવામાં આવે એના પર ભાર મૂકી રહી છે.’

સરકાર દ્વારા લેવાયેલાં પગલાંને કારણે મુંબઈમાં આગામી ૧૫થી ૨૦ દિવસમાં મહામારી નિયંત્રિત થઈ જશે. જો મુંબઈ મહાનગરપાલિકામાં માનવબળની અછત વર્તાય તો રાજ્ય સરકાર અન્ય વિભાગોમાંથી કાર્યબળને સાંકળવાની યોજના ધરાવે છે એમ જણાવતાં પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે બીએમસી પાસે ભંડોળની કોઈ અછત નથી.

mumbai mumbai news