રાજેશ ખન્નાના પરિવારને કોર્ટમાં હાજર થવા ફરમાન

28 November, 2012 03:35 AM IST  | 

રાજેશ ખન્નાના પરિવારને કોર્ટમાં હાજર થવા ફરમાન



દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્નાની મિલકતમાંથી પોતાને પણ હક મળે એ માટે રાજેશ ખન્નાની લિવ-ઇન પાર્ટનર હોવાનો દાવો કરતી અનીતા અડવાણીએ કરેલી ફરિયાદને આધારે ગઈ કાલે બાંદરા મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે અક્ષયકુમાર, ડિમ્પલ કાપડિયા અને તેની બન્ને દીકરીઓ ટ્વિન્કલ તેમ જ રિન્કી ખન્નાને ૪ ડિસેમ્બરે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. 

ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટ હેઠળ રાજેશ ખન્નાની પત્ની અને દીકરી સહિત બન્ને જમાઈઓ સામે અનીતા અડવાણીએ કરેલી ફરિયાદની ગઈ કાલે થયેલી સુનાવણી દરમ્યાન મૅજિસ્ટ્રેટ એસ. એસ. દેશપાંડેએ બન્ને પાર્ટીઓને સમાધાન કરવાની સલાહ આપી છે. જો તેઓ તૈયાર હોય તો તેઓ તરત મિડિયેટરને (તટસ્થ વ્યક્તિને) કેસ સોંપી દેવા તૈયાર છે. કોર્ટે ગઈ કાલે રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયા, તેમની બન્ને દીકરીઓ ટ્વિન્કલ ખન્ના ઉર્ફે ટ્વિન્કલ રાજીવ ભાટિયા, રિન્કી ખન્ના ઉર્ફે રિન્કી સરન સહિત જમાઈ રાજીવ ભાટિયા ઉર્ફે અક્ષયકુમારને ૪ ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવાનું ફરમાન બજાવ્યું હતું. 

કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે જો બન્ને પાર્ટીઓ સમાધાન માટે તૈયાર ન હોય તો એના પર સુનાવણી કરીને મહિનાની અંદર એનો નિકાલ લાવી દેવામાં આવશે. અનીતા અડવાણીએ ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટ હેઠળ કોર્ટને કરેલી ફરિયાદ મુજબ ખન્નાપરિવારે તેને ‘આર્શીવાદ’ બંગલોમાંથી કાઢી મૂકી હતી એટલું જ નહીં, અનીતાએ ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટ હેઠળ પોતાને માટે રક્ષણ માગવાની સાથે ૨૦૦૩થી રાજેશ ખન્ના સાથે જે રીતે બાંદરામાં કાર્ટર રોડ પર આવેલા બંગલામાં રહેતી હતી એ રીતે રહેવા મળે એવી માગણી કરી છે.

અનીતાની પિટિશન મુજબ જુલાઈ મહિનામાં રાજેશ ખન્નાના મૃત્યુ બાદ તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી એટલું જ નહીં, રાજેશ ખન્નાની વસિયત પણ ખોટી હોવાનો દાવો અનીતાએ કર્યો છે. અનીતાએ દાવો કયોર્ છે કે ‘રાજેશ ખન્નાએ કોઈ વસિયત બનાવી નહોતી. તેનો પરિવાર રાજેશ ખન્ના જ્યારે બીમાર હતા અને હોશમાં નહોતા ત્યારે તેમની જાણ બહાર તેમના થમ્બ-ઇમ્પ્રેશન લઈને ખોટું વસિયતનામું બનાવીને તેમની મિલકત હડપવા માગે છે.’