માહિમ-કિંગ્સ સર્કલ વચ્ચે ઉકરડાને કારણે લોકલનો ડબ્બો પાટા પરથી ખડી પડ્યો

03 October, 2019 09:33 AM IST  |  મુંબઈ | રાજેન્દ્ર બી. અકલેકર

માહિમ-કિંગ્સ સર્કલ વચ્ચે ઉકરડાને કારણે લોકલનો ડબ્બો પાટા પરથી ખડી પડ્યો

કચરાનું જંગી જોખમ : ઉકરડાનો ઘણો કચરો ટ્રેનના ડબાના વ્હીલ્સને ચોંટી જતાં એની સફાઈ કરતા રેલવે કર્મચારીઓ. તસવીર : આશિષ રાજે

બીજી ઑક્ટોબરના રોજ સ્વચ્છ ભારત અભિયાનનાં પાંચ વર્ષ પૂરાં થયાં અને રેલવે જોરશોરથી સ્વચ્છતા ઝુંબેશ ચલાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ મુંબઈની લોકલ ટ્રેનનો એક ડબ્બો કિંગ્સ સર્કલ અને માહિમ સ્ટેશન વચ્ચેના તીવ્ર વળાંક પર કચરાના ઢગલાને કારણે ખડી પડ્યો હતો. તેને કારણે મુંબઈની સબર્બન રેલવેની હાર્બર લાઇન ચાર કલાક સુધી બંધ રહી હતી.

રેલવેની બે સપ્તાહ લાંબી સ્વચ્છતા ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે, મુસાફરો પર સંદેશાઓનો મારો કરવામાં આવી રહ્યો છે તથા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે બુધવારે સ્ટેજ શો અને સ્કીટનું આયોજન પણ કરવામાં આવે છે. આ સ્થિતિમાં રેલવેના પાટાની આસપાસ રહેલા કચરાના ઢગલાને કારણે એક ટ્રેનનો ડબો ખડી પડવા ઉપરાંત કચરો ટ્રેનના વ્હીલ ઉપર પણ ચોંટી ગયો હતો. રેલવેના કર્મચારીઓએ-માણસોએ વ્હીલ પરનો કચરો સાફ કરવો પડ્યો હતો. માહિમ અને કિંગ્સ સર્કલ વચ્ચે પાટા લાઇનનો નાજુક વળાંક ઘણો જોખમી છે. રેલવે તંત્રે તાજેતરમાં જ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેના સીમાંકનોમાં કરેલા ફેરફારનાં સ્થળોમાં આ ભાગને પણ આવરી લેવાયો છે.

જોકે, રેલવેતંત્રે આ ઘટનાને ઘણી હળવાશથી લીધી હતી. મધ્ય રેલવેના પ્રવક્તાએ બહાર પાડેલા ટૂંકા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ‘સીએસએમટી-બાંદરા લોકલ ટ્રેનના એક કોચની આગળની ટ્રોલીનું વ્હીલ સવારે આશરે ૧૧.૨૮ વાગ્યે વેસ્ટર્ન રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ખડી પડ્યું હતું, જો કે કોઈ ઈજા થયાનું નોંધાયું નથી. બપોરે ૧.૦૮ વાગ્યે ટ્રેનને કાંદિવલી કાર શેડમાં લઈ જવાઈ હતી અને ૧.૧૯ વાગ્યે ઓવરહેડ વાયરનું સમારકામ કરવામાં આવ્યું હતું અને આ લાઇન પર બાંદરા માટેની પ્રથમ ટ્રેન મુંબઈ સીએસએમટીથી બપોરે ૩.૩૨ વાગ્યે રવાના થશે.’

પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘આ મામલે જનરલ મેનેજરે તપાસના આદેશ આપ્યા છે. અકસ્માતના સ્થળે ટ્રેકની અડોઅડ ઝૂંપડપટ્ટી છે અને ઝૂંપડાવાસીઓ એમની બધી રોજિંદી પ્રવૃત્તિઓ પાટાની આસપાસ જ કરે છે. તાજેતરમાં જ આ જગ્યાએ લોકલ ટ્રેનના એક ગાર્ડનો મોબાઇલ ફોન લૂંટી લેવામાં આવ્યો હતો.’

mumbai local train train accident mahim western railway mumbai news rajendra aklekar