રાજાવાડીના બિલ્ડિંગમાં બાપ્પાના અન્નકૂટમાં પાસ્તા, મન્ચુરિયન અને ફ્રાઇડ રાઇસ

26 September, 2012 08:28 AM IST  | 

રાજાવાડીના બિલ્ડિંગમાં બાપ્પાના અન્નકૂટમાં પાસ્તા, મન્ચુરિયન અને ફ્રાઇડ રાઇસ



હજી બે વર્ષથી જ કક્કડ એસ્ટેટના યુથ ગ્રુપે બિલ્ડિંગમાં ગણેશોત્સવની જવાબદારી માથે લીધી છે. એમાં ૧૬થી ૨૮ વર્ષનાં ૨૫ યુવકો-યુવતીઓ ઉત્સવનું સંપૂર્ણ આયોજન સંભાળે છે. તેમણે ૭ દિવસ માટે ગણપતિની સ્થાપના કરી હતી. લાલબાગના મૂર્તિકાર ઉદય ખાતુ પાસેથી લીધેલી સાડાઆઠ ફૂટની ગણેશની મૂર્તિની પૂજા-અર્ચનાની જવાબદારીથી લઈ ઉત્સવ દરમ્યાન અવનવાં આયોજનો આ યુવાનો કરે છે. ગેમ્સ, સ્પોર્ટ્સ-ડે, દાંડિયારાસ, બાળકો માટે ગણપતિની થીમ પર ડ્રૉઇંગ-કૉમ્પિટિશન, સત્યનારાયણની પૂજા જેવી અનેક પ્રવૃત્તિઓ સાથે આ વર્ષે આ યુવાનોએ ગણપતિને અન્નકૂટનો ભોગ ચડાવવાનો નર્ણિય લીધો હતો.

યુથ ગ્રુપના સંચાલકોએ કહ્યું હતું કે ‘શનિવારે રાતે અચાનક અમારા યુવાનોના મગજમાં કંઈક અનોખું કરવાનો વિચાર આવતાં અમે ગણેશજીને છપ્પનભોગ ચડાવવાનો નર્ણિય લીધો હતો. રાતે બિલ્ડિંગના બોર્ડ પર આ બાબતની જાણ કરતી નોટિસ લગાવી હતી. સવારે સાડાદસ વાગતાં અમે જોયું તો ગુજરાતીઓનાં ફેવરિટ ગાંઠિયા-જલેબી, હોમ-મેડ ચૉકલેટ અને કેક, આઠ ટાઇપનાં ભજિયાં, આઠ પ્રકારનાં બિકાનેરી નમકીન, વિવિધ પ્રકારનાં ઢોકળાંની સાથે આજના યુવાનોને જેનો સૌથી વધુ ચટાકો છે એ મન્ચુરિયન, ફ્રાઇડ રાઇસ, ચાઇનીઝ સમોસાં અને પાસ્તાના થાળ લઈને યુવાનો હાજર થઈ ગયા હતા. છપ્પનભોગને બદલે ગણપતિબાપ્પાનાં ચરણોમાં ૧૨૧ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.’

પાસ્તા, ફ્રાઇડ રાઇસ, મન્ચુરિયનનો ભોગ ધરાવનાર યુવાનોએ આ વાનગીઓ પસંદ કરવા બદલ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘સમયની સાથે આપણે બદલાઈ ગયા છીએ એટલે ગણપતિબાપ્પાનાં ચરણોમાં ભોગ ધરવાની વાનગીઓ જે આપણે ખાઈએ છીએ એ જ ધરવી જરૂરી છે. જો આપણે ચાઇનીઝ, મોન્ગોલિયન, ઇટાલિયન વાનગીઓનો સ્વાદ માણતા હોઈએ તો ગણપતિબાપ્પા કેમ નહીં?’