રાજા રવિ વર્માના ૧૨૫+ વર્ષ જૂના પેઇન્ટિંગ યશોદા અને કૃષ્ણએ રચ્યો ઇતિહાસ- ૧૬૭.૨ કરોડ રૂપિયામાં વેચાયું

03 April, 2026 07:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પેઇન્ટિંગની કિંમતે ગયા વર્ષે બનેલા રેકૉર્ડને પાછળ રાખી દીધો છે

રાજા રવિ વર્માનું પ્રતિષ્ઠિત ઑઇલ પેઇન્ટિંગે

પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્માના પ્રતિષ્ઠિત ઑઇલ પેઇન્ટિંગે તાજેતરમાં થયેલી એક લિલામીમાં અભૂતપૂર્વ કિંમત મેળવીને ભારતીય કલાજગતમાં નવો વિક્રમ સરજ્યો છે. રવિ વર્માનું ‘યશોદા અને કૃષ્ણ’ શીર્ષકવાળું ચિત્ર લગભગ ૧૮ મિલ્યન ડૉલર એટલે કે ૧૬૭.૨ કરોડ રૂપિયામાં વેચાયું હતું, જે અત્યાર સુધીની કોઈ પણ ભારતીય કલાકૃતિએ મેળવેલી સૌથી મોટી કિંમત છે. આ ઐતિહાસિક લિલામી મુંબઈની સૅફ્રન આર્ટની સ્પ્રિંગ લાઇવ ઑક્શનમાં થઈ હતી. ત્યાં જબરદસ્ત રસાકસીભરી બોલી બાદ ઉદ્યોગપતિ સાયરસ પૂનાવાલાએ આ પેઇન્ટિંગ ખરીદી લીધું હતું. તેઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સંસ્થાપક પણ છે.

૧૮૯૦ના દાયકામાં રાજા રવિ વર્માએ તેમની કરીઅરના શ્રેષ્ઠ સમયમાં આ પેઇન્ટિંગ બનાવ્યું હતું. એમાં યશોદા મા ગાય દોહી રહ્યાં છે, જ્યારે બાલકૃષ્ણ પાછળથી દૂધના પાત્રને લેવાની કોશિશ કરી રહ્યા છે. આ ચિત્ર ઉદ્યોગપતિ સાયરસ પૂનાવાલા સાર્વજનિકરૂપે પ્રદર્શિત કરવા માગે છે.

આ પેઇન્ટિંગની કિંમતે ગયા વર્ષે બનેલા રેકૉર્ડને પાછળ રાખી દીધો છે. ગયા વર્ષે એમ. એફ. હુસૈનનું એક ચિત્ર ૧૧૮ કરોડ રૂપિયામાં ઉદ્યોગપતિ કિરણ નાડરે ખરીદ્યું હતું. 

india culture news mumbai news mumbai