મોતની ધમકી મળ્યા બાદ રાજ ઠાકરેની સિક્યૉરિટી વધારાઈ

14 May, 2022 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે બાળા નાંદગાંવકરે કહ્યું કે અમે ઝેડ પ્લસ સિક્યૉરિટીની માગણી કરી હતી એની સામે વાય પ્લસ સિક્યૉરિટી આપવી એ મશ્કરી છે

રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેને થોડા દિવસ પહેલાં એક પત્ર દ્વારા અજાન બાબતે બોલવાનું બંધ નહીં કરો તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આથી તેમની સિક્યૉરિટી વધારવાની માગણી પક્ષ દ્વારા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે રાજ ઠાકરેને વાય પ્લસ સિક્યૉરિટી આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે એમએનએસના નેતા બાળા નાંદગાંવકરે કહ્યું હતું કે અમે ઝેડ પ્લસ સિક્યૉરિટીની માગણી કરી હતી એની સામે માત્ર એક કૉન્સ્ટેબલ અને એક ઇન્સ્પેક્ટર વધારીને રાજ્ય સરકારે સિક્યૉરિટીને નામે મશ્કરી કરી છે.
રાજ ઠાકરેને વાય પ્લસ સિક્યૉરિટી રાજ્ય સરકારે અગાઉ આપી હતી, જે બાદમાં કાઢી નાખવામાં આવી હતી. જોકે રાજ ઠાકરેએ મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદો પર ધ્વનિપ્રદૂષણ ફેલાવવામાં આવે છે એની સામે અવાજ ઉઠાવ્યો છે એને પગલે તેમને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આથી રાજ ઠાકરેની સિક્યૉરિટી વધારવાની માગણી રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હતી.
એમએનએસના નેતા બાળા નાંદગાંવકરે રાજ્ય સરકારને રાજ ઠાકરેને વાય પ્લસ સિક્યોરિટી આપવા વિશે કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે એક પોલીસ કૉન્સ્ટેબલ અને એક ઇન્સ્પેક્ટર વધારીને સિક્યૉરિટીની માગણી પૂરી કરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ એમએનએસની મશ્કરી છે. રાજ્ય સરકારની એક સમિતિ કોને કેવા પ્રકારની સિક્યૉરિટી આપવી જોઈએ એનો નિર્ણય લે છે. આ સમિતિમાં મુખ્ય પ્રધાન પણ છે. રાજ ઠાકરેને પહેલાં ઝેડ સિક્યૉરિટી હતી એ દૂર કરીને વાય કરવામાં આવી અને બાદમાં એ પણ કાઢી નાખવામાં આવી હતી. મેં રાજ્યના ગૃહપ્રધાનને મળીને ફરી ઝેડ સિક્યૉરિટી આપવાની માગણી કરી હતી. હું રાજસાહેબના ઘરે ગયો હતો ત્યારે એક પોલીસ કૉન્સ્ટેબલ અને એક ઇન્સપેક્ટર જ ત્યાં હતા. આના કરતાં સિક્યૉરિટી જ ન આપો.’
રાજ ઠાકરેએ દોઢ મહિનામાં મુંબઈ, થાણે અને ઔરંગાબાદમાં ત્રણ મોટી જાહેર સભા લીધી હતી, જેમાં મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળી હતી. એને લીધે રાજ્યનું રાજકારણ ગરમાઈ ગયું છે. આ સભાઓમાં તેણે મસ્જિદ પરનાં લાઉડસ્પીકરો સામે આક્રમક વલણ અપનાવતાં તેમને ધમકીના ફોન અને મેસેજ આવી રહ્યા છે. 

શરદ પવારને મોતની ધમકી અપાઈ

એનસીપીના ચીફ શરદ પવારને કેટલાક દિવસ પહેલાં સોશ્યલ મીડિયામાં મોતની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. એનસીપીના ચીફનો ઉલ્લેખ કરતી મરાઠીમાં લખાયેલી ટ્વીટ ૧૧ મેએ કરવામાં આવી હતી, જેમાં ‘બારામતીના ગાંધી અને બારામતી માટે નથુરામ ગોડસે તૈયાર કરવાનો સમય આવી ગયો છે’ લખવામાં આવ્યું હતું. આ ટ્વીટ કોઈક નિખિલ ભામરેએ કરી હતી. તેણે ટ્વીટમાં એવું પણ લખ્યું હતું કે ‘બારામતી અંકલ, ક્ષમા કરજો.’ જોકે શરદ પવારને કયા સંદર્ભમાં ધમકી આપવામાં આવી છે એ વિશે સ્પષ્ટતા નથી. આ ધમકીને પગલે એનસીપીએ મહાવિકાસ આઘાડી સરકારને સિક્યૉરિટી બાબતે ગંભીર થવાની અને ટ્વીટ કરનારા સામે આકરી કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

Mumbai mumbai news raj thackeray