ચોપાટી પર રાજ ઠાકરેના કાર્યકરો મફતની પાણીપૂરી અને પાંઉભાજી ખાઈ ગયા

22 August, 2012 05:12 AM IST  | 

ચોપાટી પર રાજ ઠાકરેના કાર્યકરો મફતની પાણીપૂરી અને પાંઉભાજી ખાઈ ગયા

ચેતના યેરુરકર

મુંબઈ, તા. ૨૨

ગઈ કાલે એમએનએસના વર્કરોએ ૧૧ ઑગસ્ટે આઝાદ મેદાન ખાતે થયેલાં તોફાનોના વિરોધમાં તેમના પક્ષ દ્વારા જે રૅલી કાઢવામાં આવી હતી એની ભરપૂર મજા માણી હતી, પણ આ રૅલીને કારણે ગિરગામ ચોપાટી ખાતે પાણીપૂરી અને પાંઉભાજીના સ્ટૉલના માલિકોની સમસ્યા વધી ગઈ હતી. પહેલાં તો તેમને એમ હતું કે આ રૅલીને કારણે તેમની કમાણીમાં સારોએવો વધારો થશે, પણ દરેક સ્ટૉલમાલિકને લગભગ અંદાજે દસ હજાર રૂપિયા કરતાં વધારે નુકસાન થયું હતું. ભીડને કારણે વધારે વકરો થવાની આ સ્ટૉલમાલિકોની આશા પર પાણી ફરી વળ્યું હતું, કારણ કે પક્ષના કાર્યકરોએ ફ્રી નાસ્તો કરાવવાની ડિમાન્ડ મૂકી હતી જેને સંતોષવાને કારણે સ્ટૉલમાલિકોને ભારે નુકસાન થયું હતું.

સામાન્ય રીતે ગિરગામ ચોપાટી પર સવારે દસ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી આ સ્ટૉલ ચાલુ રહેતા હોય છે; પણ ગઈ કાલે આ દુકાનદારોને આ દુકાન ખોલ્યા બાદ બે કલાકમાં જ એ બંધ કરવાની ફરજ પડી હતી, કારણ કે આ સ્ટૉલમાલિકો તેમને ફ્રી નાસ્તો આપવાની ડિમાન્ડ કરી રહેલા એમએનએસના કાર્યકરોની જીદ પૂરી કરી શકે એમ નહોતા. સામાન્ય દિવસોમાં અહીં પાણીપૂરી અને પાંઉભાજી અનુક્રમે ૩૦ રૂપિયા અને ૭૦ રૂપિયામાં વેચાતી હોય છે, પણ ગઈ કાલે તેમને જ્યારે અહેસાસ થયો કે બધાને ફ્રી નાસ્તો કરાવવામાં ભારે નુકસાન થઈ શકે એમ છે ત્યારે તેમણે પોતાની દુકાનો બંધ કરી દેવાનું જ મુનાસિબ માન્યું હતું. આ દુકાનદારોનું કહેવું છે કે તેમને એમએનએસના કાર્યકરો પાસેથી પૈસા માગવામાં બીક લાગતી હોવાને કારણે ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

ચોપાટી ખાતે નાનકડો સ્ટૉલ ધરાવતા બાંકેલાલ શર્માએ કહ્યું હતું કે, ‘એવું નથી કે અમે અહીં પહેલી વાર આટલું મોટું ટોળું જોયું હોય, પણ કમનસીબે ગઈ કાલે અહીં જે લોકો ખાવા આવ્યા હતા તેમણે પૈસા ન આપ્યા. એક વ્યક્તિ આવીને બીજા મિત્રો સાથે મળીને ચાર પ્લેટ પાણીપૂરી ખાઈ જાય તો પણ અમે લાચાર હતા અને તેમને પૈસા આપવાનું કહી શકીએ એમ નહોતા.’

બીજા સ્ટૉલમાલિક સૂરજ વાઘમારેએ કહ્યું હતું કે ‘જો મેં ગઈ કાલે મારી દુકાન બંધ જ રાખી હોત તો વધારે સારું થાત. આ રીતે હું મારો સ્ટૉલ તો બચાવી શક્યો હોત. હવે મને ભારે નુકસાન થયું છે અને મારો બધો માલસામાન પણ ખાલી થઈ ગયો છે.’

ગિરગામ ખાતે પાંઉભાજીનો સ્ટૉલ ચલાવતા રવિકુમાર સિંહે કહ્યું હતું કે ‘અમે ક્યારેય દુકાન બંધ નથી કરતા, પણ જ્યારે બહુ મોટું ટોળું જમા થઈ ગયું ત્યારે સલામતીની ચિંતા થવા લાગી. આ પરિસ્થિતિમાં સ્ટૉલ બંધ કરી દેવાનો વિકલ્પ જ શ્રેષ્ઠ લાગ્યો. અમને હતું કે આજે સારો બિઝનેસ થશે, પણ કમનસીબે અમને બધાને બહુ નુકસાન થયું હતું.’

આ મુદ્દે વાત કરવા માટે ‘મિડ-ડે’એ જ્યારે એમએનએસના સિનિયર નેતા શિરીષ પારકરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે મને નથી લાગતું કે આવું કંઈ બન્યું છે અને મને આમાં કંઈક ગેરસમજ થતી હોવાનું લાગે છે.