તોફાનો દરમિયાન મળેલો પાસપોર્ટ રાજ ઠાકરેએ પોલીસને આપી દેવો જોઈતો હતો : પોલીસ

22 August, 2012 05:22 AM IST  | 

તોફાનો દરમિયાન મળેલો પાસપોર્ટ રાજ ઠાકરેએ પોલીસને આપી દેવો જોઈતો હતો : પોલીસ

વરુણ સિંહ

મુંબઈ, તા. ૨૨

ગઈ કાલે એમએનએસના વડા રાજ ઠાકરેએ આઝાદ મેદાન ખાતે કાઢેલી રૅલીમાં એવો એક મહત્વનો પુરાવો ગુમાવી દીધો જે થોડા સમય પહેલાં ૧૧ ઑગસ્ટના દિવસે આઝાદ મેદાનમાં થયેલાં તોફાનોની તપાસમાં મહત્વની કડી સાબિત થઈ શકે એમ હતો. ગઈ કાલે રાજ ઠાકરેએ રૅલીમાં લીલા રંગનો એક પાસપોર્ટ દેખાડીને પોતાની સ્પીચમાં દાવો કર્યો હતો કે આ બંગ્લાદેશી પાસપોર્ટ ૧૧ ઑગસ્ટે આઝાદ મેદાનમાં થયેલાં તોફાનો પછી ત્યાંથી પોલીસને મળી આવ્યો હતો. રાજ ઠાકરેએ આઝાદ મેદાનમાં જમા થયેલી એક લાખ કરતાં વધુ લોકોની મેદની વચ્ચે દાવો કર્યો હતો કે તેમના હાથમાં બંગ્લાદેશી માણસનો પાસપોર્ટ છે અને પછી તેમણે આ પાસપોર્ટ ગ્રાઉન્ડમાં ફેંકી દીધો હતો. આ રૅલી બાદ આ પાસપોર્ટના કોઈ સગડ નથી. રાજ ઠાકરેએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે હું હિન્દુત્વની વાત નથી કરતો પણ એકમાત્ર મહારાષ્ટ્ર-ધર્મમાં વિશ્વાસ રાખું છું. તેમણે ૧૧ ઑગસ્ટનાં તોફાનોના દોષનો ટોપલો પાકિસ્તાન અને બંગલાદેશના મુસ્લિમો પર નાખીને આરોપ મૂક્યો હતો કે તેઓ ભારતનાં અલગ-અલગ રાજ્યોમાં ગેરકાયદે પ્રવેશ કરે છે અને પછી મુંબઈમાં આવીને અડ્ડો જમાવે છે.

પોતાની સ્પીચમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘આ પાસપોર્ટ ૧૧ ઑગસ્ટે થયેલાં તોફાનો પછી આઝાદ મેદાન પરથી મળી આવ્યો હતો અને એ બંગ્લાદેશીનો હતો. આ પાસપોર્ટ પર માત્ર અહીં આવવાનો એક સ્ટૅમ્પ છે, બાકી કંઈ જ નથી; કારણ કે તેઓ અહીંથી જવા માટે નહીં પણ અહીં રહી જવા માટે જ આવે છે.’

આ પાસપોર્ટ ૧૧ ઑગસ્ટના રમખાણ પછી પક્ષના એક કાર્યકરને મળ્યો હતો અને તેણે એને વિધાનસભ્ય મંગેશ સંગલેને સુપરત કર્યો હતો. આ પાસપોર્ટ વિશે માહિતી આપતાં મંગેશ સંગલેએ કહ્યું હતું કે ‘મને મારી પાર્ટીના એક વર્કરે આ પાસપોર્ટ આપ્યો હતો. મેં જ્યારે એ ચેક કર્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે એમાં માત્ર આવવાની એન્ટ્રી હતી અને આ પાસપોર્ટ અને વીઝા બન્ને ૨૦૧૧માં એક્સ્પાયર થઈ ગયા છે. અમે એ પણ તપાસ કરી કે કોઈએ પાસપોર્ટ ગુમ થવાની પોલીસફરિયાદ નોંધાવી છે કે કેમ, પણ કોઈએ આવી ફરિયાદ નહોતી નોંધાવી. જોકે હવે મને પણ આ પાસપોર્ટ ક્યાં છે એ ખબર નથી. રાજસાહેબે આ પાસપોર્ટ ફેંકી દીધો પછી એ કોની પાસે છે એનો મને ખ્યાલ નથી, પણ અમે એને શક્ય એટલો જલદી પોલીસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું.’

ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી અને ઍડ્વોકેટ વાય. પી. સિંહે આ મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે ‘રાજે ગ્રાઉન્ડ પર પાસપોર્ટ ફેંેકવાને બદલે એને પોલીસને સુપરત કરવો જોઈતો હતો. આ પાસપોર્ટ તપાસ માટે મહત્વની કડી સાબિત થઈ શકે એમ હતો, કારણ કે એના માધ્યમથી તોફાનમાં સંકળાયેલી વ્યક્તિઓ વિશે માહિતી મળી શકે એમ હતી. આ પાસપોર્ટ તપાસનો એક હિસ્સો હતો એટલે રાજે એને આગળ તપાસ ચાલે એ માટે પોલીસને સોંપવાની જરૂર હતી.’

મુંબઈપોલીસના પ્રવક્તા ડીસીપી નિસાર તંબોલીનો આ મુદ્દે વાત કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘જે દસ્તાવેજ મુંબઈપોલીસ સુધી પહોંચ્યો જ નથી એના વિશે કઈ રીતે કૉમેન્ટ કરી શકાય? જે વ્યક્તિએ આ દસ્તાવેજ દેખાડ્યો હોય તેને આ સવાલ પૂછવો જોઈએ. અમને આઝાદ મેદાનમાંથી આવો કોઈ પાસપોર્ટ નથી મળ્યો.’

એમએનએસના એક કાર્યકરે આપેલી માહિતી પ્રમાણે આ પાસપોર્ટ મન્સૂર ફાતિમા એસ.ના નામે ઇશ્યુ થયો હતો. આ પાસપોર્ટ માટે ૨૦૧૧ની ૨૧ સપ્ટેમ્બરે ૩૦ દિવસના વીઝા ઇશ્યુ થયા હતા જે લાંબા સમય પહેલાં જ એક્સ્પાયર થઈ ગયા છે.

આઇપીએસ = ઇન્ડિયન પોલીસ સર્વિસ