ફડણવીસ સારા નેતા છે, તેઓ સારું કામ કરશે એવી આશા છે : રાજ ઠાકરે

02 November, 2014 05:37 AM IST  | 

ફડણવીસ સારા નેતા છે, તેઓ સારું કામ કરશે એવી આશા છે : રાજ ઠાકરે




દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન બન્યા એ બાબતે પ્ફ્લ્ના પ્રમુખ રાજ ઠાકરેએ ગઈ કાલે પ્રતિક્રિયા આપી હતી. રાજ ઠાકરેએ આ બાબતે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘રાજ્યના નવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સારા નેતા છે અને તેઓ સારું કામ કરશે એવી આશા છે. આજ સુધી જેવું ચાલતું આવ્યું છે એવું તેઓ આગળ નહીં ચલાવે એટલી જ તેમની પાસે અપેક્ષા છે.’

મુખ્ય પ્રધાનની શપથવિધિમાં પોતાની ગેરહાજરી વિશે રાજ ઠાકરેએ ચોખવટ કરતાં કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસની શપથવિધિમાં ન ગયો એનો રાજકીય અર્થ ન કાઢો. મેં તેમને શુભેચ્છા આપી છે.’

અહમદનગર જિલ્લામાં પાથર્ડી તાલુકામાં જવખેડે હત્યાકાંડનો તીવ્ર પ્રતિસાદ રાજ્યમાં ઊમટી રહ્યો છે ત્યારે ગઈ કાલે રાજ ઠાકરેએ જવખેડે જઈને જાધવકુટુંબની મુલાકાત લઈને તેમને સાંત્વન આપ્યું હતું તેમ જ બંધ પૅકેટમાં તેમણે જાધવકુટુંબને આર્થિક મદદ પણ કરી હતી. ઉપરાંત આ બાબતે પોતે મુખ્ય પ્રધાન સાથે વાત કરશે એવું આશ્વાસન પણ આપ્યું હતું.

આ ઘટના ખૂબ જ ભીષણ હોવાથી આવા અત્યાચાર રોકવા માટે નવી સરકાર ચોક્કસ પગલાં લેવડાવશે એવી આશા પણ રાજ ઠાકરેએ વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં તેઓ દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લેશે અથવા ફોન પર આ બાબતે ચર્ચા કરશે એવું તેમનું કહેવું હતું.

દરમ્યાન રાજ ઠાકરેએ વિધાનસભાની ચૂંટણીમાં પ્ફ્લ્ના કારમા પરાજય બાબતે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. પક્ષના પરાજય માટે જવાબદાર અમુક કારણોની તેમને ખબર પડી છે, પણ હમણાં આ વિશે કહેવું યોગ્ય ન હોવાનું તેમનું કહેવું હતું; પરંતુ આ બાબતો પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને લગતી ન હોવાની તેમણે સ્પષ્ટતા કરી હતી.