રાજ ઠાકરેએ ડરીને અયોધ્યા જવાનું ટાળ્યું : અબુ આઝમી

24 May, 2022 08:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમાજવાદી પક્ષના વરિષ્ઠ નેતા અબુ આઝમીએ દાવો કર્યો હતો કે એમએનએસના વડા રાજ ઠાકરે ડરી ગયા હોવાથી તેમણે અયોધ્યાની મુલાકાત મોકૂફ રાખી હતી અને તેમનામાં હિંમત ન હોવાથી તેઓ ઉત્તર પ્રદેશ નહીં જાય.

રાજ ઠાકરે અને અબુ આઝમી

મુંબઈ (પી.ટી.આઇ.) : સમાજવાદી પક્ષના વરિષ્ઠ નેતા અબુ આઝમીએ દાવો કર્યો હતો કે એમએનએસના વડા રાજ ઠાકરે ડરી ગયા હોવાથી તેમણે અયોધ્યાની મુલાકાત મોકૂફ રાખી હતી અને તેમનામાં હિંમત ન હોવાથી તેઓ ઉત્તર પ્રદેશ નહીં જાય.
એટલું જ નહીં, ટૂંક સમયમાં જ સર્જરી કરવાની છે એવી રાજ ઠાકરેએ કરેલી ટિપ્પણી અયોધ્યા મુલાકાત ટાળવાનું કેવળ બહાનું છે એમ પણ અબુ આઝમીએ પુણેમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે રાજ ઠાકરેના પક્ષે ભૂતકાળમાં મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો સામે હિંસક વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે દર્શાવેલી નફરતનો જવાબ નફરતથી મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે પુણેમાં સભાને સંબોધતાં રાજ ઠાકરેએ દાવો કર્યો હતો કે તેમની પ્રસ્તાવિત અયોધ્યા મુલાકાતને લઈને ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ તેમના પક્ષના કાર્યકરોને કાનૂની દાવપેચમાં ફસાવવાની ચાલ છે અને આથી તેમણે પ્રવાસ પડતો મૂક્યો હતો.
રાજ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે તેમના પગ અને કમરમાં દુખાવો થઈ રહ્યો છે અને પહેલી જૂને તેમના પર હિપ બોન સર્જરી કરવામાં આવશે.

mumbai news raj thackeray