રાજ પુરોહિતની ભાડૂતી ઑફિસ સીલ

05 October, 2014 05:27 AM IST  | 

રાજ પુરોહિતની ભાડૂતી ઑફિસ સીલ



મુંબઈ BJPના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને કોલાબા સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહેલા BJPના ઉમેદવાર રાજ પુરોહિતની કફ પરેડની ઑફિસ પર ગઈ કાલે ચૂંટણીપંચની ફ્લાઇંગ સ્ક્વૉડે ટાંચ મારી હતી. ચૂંટણીપ્રચાર માટે કફ પરેડમાં રાજ પુરોહિતે ભાડેથી ઑફિસ લીધી છે જેને ગઈ કાલે બપોરે સાડાબારેક વાગ્યે ઇલેક્શન કમિશનના અધિકારીઓએ સીલ કરી હતી.

આ ઘટના વિશે ફ્લાઇંગ સ્ક્વૉડના સિનિયર એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ રાજેશ સરોદેએ કહ્યું હતું કે ‘અમે આ એરિયામાં ચેકિંગ માટે ફરી રહ્યા હતા ત્યારે BJPના ઝંડા અને પોસ્ટરો જોયા બાદ ધ્યાનમાં આવ્યું કે આ તો રાજ પુરોહિતની ઑફિસ છે. ઇલેક્શન ઑફિસ માટેનો પરમિશન-લેટર માગતાં ત્યાં હાજર વર્કરોએ કહ્યું હતું કે આ પ્રક્રિયા ચાલી રહી છે. આ ઑફિસનો પરમિશન-લેટર ન હોવાથી અમે ઑફિસ સીલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.’

આ કેસમાં કફ પરેડ પોલીસે કહ્યું હતું કે ઇલેક્શન ઑફિસરોએ આ કાર્યવાહી કરી છે અને અમે તેમની મદદ માટે કેટલાક પોલીસ-ઑફિસરોને મોકલ્યા હતા.’

રાજ પુરોહિતને ચૂંટણીપ્રચાર માટે ઑફિસ ભાડે આપનારા ડૉ. ત્રિભુવન સિંહે કહ્યું હતું કે ‘હું રાજ પુરોહિતને વીસેક વર્ષથી ઓળખું છું અને અમે મિત્રો છીએ. ત્રણેક દિવસ પહેલાં મેં તેમને આ રૂમ ભાડે આપી છે, પરંતુ એમાં સામાન ભરેલો હોવાથી એ ખાલી કર્યા બાદ શનિવારે સવારે જ તેમને સોંપી હતી.’

ઇલેક્શન ઑફિસરે જણાવ્યું હતું કે ‘રાજ પુરોહિતે ભાડે રાખેલી આ ઑફિસમાંથી મોટા પ્રમાણમાં પાર્ટીનાં ફ્લૅગ્સ અને કૅપ્સ જપ્ત કરવામાં આવ્યાં છે. પંચનામું કયુંર્ છે, પરંતુ કેસ નોંધવાનો બાકી છે.’

રાજ પુરોહિતે આ સંદર્ભમાં કહ્યું હતું કે ‘ત્રણ દિવસ પહેલાં ઑફિસ ભાડે લીધા બાદ શનિવારે વર્કરોએ એમાં બૅનર્સ અને ફ્લૅગ્સ મૂક્યાં હતાં. છેલ્લા ચાર દિવસથી સળંગ ગવર્નમેન્ટ હૉલિડે હોવાથી જરૂરી પરમિશન લઈ શક્યા નથી.’