Porn Film Case : પૉર્ન ફિલ્મ કેસમાં રાજ કુન્દ્રાને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડી

28 July, 2021 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે મૅજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી થવાની શક્યતા 

રાજ કુન્દ્રા

પૉર્ન ફિલ્મ બનાવવાની ઍપના માધ્યમથી આવી ફિલ્મો પ્રસારિત કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા બૉલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મુંબઈની કોર્ટે ગઈ કાલે ૧૪ દિવસ જુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. રાજ કુન્દ્રાની ૧૯ જુલાઈએ આઇપીસીની વિવિધ કલમ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રાજ કુન્દ્રાની વધુ તપાસ માટે કસ્ટડી મેળવવાની માગણી મૅજિસ્ટ્રેટ કોર્ટમાં કરી હતી, પરંતુ કોર્ટે એ માન્ય નહોતી રાખી. બીજી બાજુ, જામીન મેળવવા માટે આરોપી રાજ કુન્દ્રાએ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી છે જેની આજે સુનાવણી થવાની શક્યતા છે. 
પૉર્ન ફિલ્મના મામલામાં તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપીએ એક વ્યક્તિને ૧૧૯ પૉર્ન ફિલ્મ ૧.૨ મિલ્યન ડૉલરમાં વેચવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે તપાસમાં જણાઈ આવ્યું છે કે આરોપીએ આર્મ્સપ્રાઇસ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની લંડન ખાતેની કેનરીન પ્રાઇવેટ લિમિટેડના માધ્યમથી બનાવી હતી. આ સિવાય તે હૉટશૉટ્‌સ નામની ઍપ ખરીદીને એમાં વાંધાજનક વિડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરતો હતો. પોલીસે કોર્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે તેમને હૉટશૉટના લોગો સાથેના ૫૧ અશ્લીલ વિડિયો અને બોલી ફેમ લોગો સાથેના ૧૬ વિડિયો તેની ઑફિસની સર્ચમાં હાથ લાગ્યા છે. 
હાઈ કોર્ટમાં પણ રાહત ન મળી
રાજ કુન્દ્રાએ બૉમ્બે હાઈ કોર્ટમાં જામીન મેળવવા માટે ગઈ કાલે અરજી કરીને તાત્કાલિક સુનાવણી હાથ ધરવાની માગણી કરી હતી, પરંતુ બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એ. એસ. ગડકરીએ એને માન્ય નહોતી રાખી. 

શર્લિન ચોપડા-પૂનમ પાંડેને ૨૦ સપ્ટેમ્બર સુધી રાહત

પૉર્ન ફિલ્મ મામલામાં રાજ કુન્દ્રાની સાથે શર્લિન ચોપડા અને પૂનમ પાંડે સામે પણ મુંબઈ પોલીસે ફરિયાદ નોંધી છે. ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્દ્રાની ધરપકડ કર્યા બાદ પોલીસ આ મામલામાં આ બન્ને અભિનેત્રી કમ મૉડલની ધરપકડ કરી શકે છે એને ધ્યાનમાં રાખીને તેમણે કોર્ટમાં ધા નાખી હતી. શર્લિન ચોપડાનું આ મામલામાં ફેબ્રુઆરીમાં જ નામ આવતાં તેણે ધરપકડથી બચવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. બાદમાં પૂનમ પાંડેએ પણ અરજી કરી હતી. કોર્ટે બન્ને પોલીસની તપાસમાં સહયોગ કરી રહી હોવાથી તેમની સામે ૨૦ સપ્ટેમ્બર સુધી કોઈ 
કઠોર કાર્યવાહી ન કરવાનું જણાવ્યું હતું.

mumbai mumbai news raj kundra