રાજ્યની સ્કૂલોમાં હિન્દી ભાષાને ફરજિયાત કરવાના મુદ્દે એકમત વ્યક્ત કરનારા રાજ અને ઉદ્ધવ ઠાકરે સાથે આવશે?

20 April, 2025 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેયનું રાજકીય અસ્તિત્વ જોખમમાં છે ત્યારે મરાઠીના મુદ્દે હાથ મિલાવવાની ચર્ચા

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની તસવીરોનો કૉલાજ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ રાજ્યની સ્કૂલોમાં હિન્દીને ત્રીજી ભાષા ફરજિયાત કરવાના રાજ્ય સરકારના નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો છે અને મહારાષ્ટ્રમાં હિન્દી ભાષાને થોપવા નહીં દેવાય એવો હુંકાર કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ પણ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. ઠાકરે ભાઈઓએ સરકારની હિન્દી ભાષાના મુદ્દે ટીકા કરી છે ત્યારે શુક્રવારે રાત્રે ફિલ્મનિર્માતા-દિગ્દર્શક મહેશ માંજરેકરે રાજ ઠાકરેની એક પૉડકાસ્ટમાં મુલાકાત લીધી હતી ત્યારે સવાલ કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે અને તમે સાથે આવશો? એના જવાબમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘અમારી વચ્ચે કોઈ મોટો વિવાદ નથી. અમારો ઝઘડો સામાન્ય છે. મહારાષ્ટ્ર ખૂબ મોટું છે. રાજ્યના મરાઠી માણસના અસ્તિત્વ માટે નાના-મોટા ઝઘડા કે વિવાદ ક્ષુલ્લક છે. સાથે આવવામાં કે સાથે રહેવામાં કોઈ મુશ્કેલી જણાતી નથી, પણ વાત ઇચ્છાશક્તિની છે. આ મારી એકલાની ઇચ્છા કે સ્વાર્થનો વિષય નથી. આપણે મહારાષ્ટ્રનું હિત જોવાની જરૂર છે જે હું જોઈ રહ્યો છું. મારું તો એવું માનવું છે કે મહારાષ્ટ્રના વિવિધ રાજકીય પક્ષોના મરાઠી લોકોએ સાથે મળીને એક રાજકીય પક્ષ બનાવવો જોઈએ.’

રાજ ઠાકરેને જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના ઉદ્યોગ ગુજરાત જઈ રહ્યા છે એ વિશે અમે લોકસભાની ચૂંટણી વખતે અવાજ ઉઠાવ્યો હતો. તમે ત્યારે કેમ વિરોધ ન કર્યો? એ સમયે તમે કોઈ પણ શરત વિના મહાયુતિને ટેકો આપ્યો. આવું નહીં ચાલે. ઝઘડો મારા તરફથી નહોતો. મેં ઝઘડો ખતમ કર્યો હતો. મારી સાથે રહેવું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જવું છે એ મરાઠી માણસો નક્કી કરે. ગદ્દાર સેના નહીં ચાલે. મહારાષ્ટ્રના હિત માટે હું નાનો-મોટો વિવાદ ભૂલવા તૈયાર છું. સાથે આવ્યા બાદ મહાયુતિના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાતના કાર્યક્રમ નહીં ચલાવી લેવાય.’

રાજ ઠાકરેએ સાથે આવવાની વાત કરી છે એને ઉદ્ધવ ઠાકરેએ શરતો સાથે સકારાત્મક જવાબ આપ્યો છે એટલે શું રાજ અને ઉદ્ધવ ઠાકરે સાથે આવશે એવો સવાલ થઈ રહ્યો છે. મહાયુતિ બન્યા બાદ રાજ અને ઉદ્ધવનું રાજકીય અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે. બન્ને ફરી બેઠા થવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં હાથ મિલાવે કે એકબીજાના પક્ષને એકમેકમાં વિલીન કરે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ અને ઉદ્ધવ ઠાકરે ફરી સાથે આવે એ માટેની ઝુંબેશ સતીશ વાળંજુએ કરી હતી. તેમણે ગઈ કાલે કહ્યું હતું કે ‘૨૦૧૦માં મેં મી મહારાષ્ટ્રચા ચળવળ શરૂ કરી હતી. ૨૦૦૬માં રાજસાહેબ શિવસેનામાંથી બહાર નીકળ્યા. રાજ ઠાકરે ફરી ઉદ્ધવ ઠાકરે સાથે આવે એ માટેના પ્રયાસ મેં શરૂ કર્યા હતા. મરાઠી માણસને આજેય દિલથી લાગે છે કે બન્ને ભાઈ સાથે આવે. આ જનભાવના છે, એનો આદર કરવો જોઈએ. ઉદ્ધવ ઠાકરેની મુલાકાત થઈ હતી, પરંતુ આટલાં વર્ષમાં રાજ ઠાકરેને મળવાનો મોકો નથી મળ્યો. બાળાસાહેબ ઠાકરેએ મને આશીર્વાદ આપીને કહ્યું હતું કે હું જે કંઈ કરી રહ્યો છું એ ઉદ્ધવ કે રાજ માટે નહીં પણ મહારાષ્ટ્ર માટે છે. રાજ અને ઉદ્ધવ ઠાકરેએ યુતિ કરવાને બદલે એક પક્ષ તરીકે કામ કરવું જોઈએ.’

બન્ને ઠાકરે સાથે આવશે તો અમને આનંદ થશે ઃ દેવેન્દ્ર ફડણવીસ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘બન્ને ઠાકરે ભાઈઓ સાથે આવશે તો અમને આનંદ થશે. કોઈ પણ તેમના મતભેદ ભૂલીને સાથે આવતા હોય તો એમાં કંઈ ખોટું લાગવાનું કારણ નથી. જોકે મને એવું લાગે છે કે આપણું મીડિયા આ બાબતે જરા વધુ વિચાર કરી રહ્યું છે. આથી રાહ જુઓ. બન્ને ઠાકરે સાથે આવશે તો અમે સ્વાગત કરીશું. તેઓ ઑફર આપે છે. ઑફરને પ્રતિસાદ આપનારા અને શરત મૂકનારા પણ આ લોકો જ છે. એના પર હું શું બોલું? આથી આ બાબતે મને કંઈ પૂછવાને બદલે તેમને જ પૂછવું જોઈએ.’

રાજ-ઉદ્ધવ સાથે આવે તો કોઈ મુશ્કેલી નથી ઃ શિવસેનાના ભરત ગોગાવલે

રાજ્યના કૅબિનેટ પ્રધાન ભરત ગોગાવલેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ઉદ્ધવ અને રાજ ઠાકરે ભાઈ છે. બન્ને ભાઈઓમાં પ્રેમ પાંગર્યો છે કેમ એની અમને ખબર નથી. અમે મહાયુતિનું કામ કરીએ છીએ. મહાયુતિ મજબૂત બની ગઈ છે એટલે એમાં અત્યારે કોઈ છેદ પાડી નહીં શકે. બન્ને ભાઈઓ સાથે આવવાનું કહેવાઈ રહ્યું છે તો પણ અમને કોઈ મુશ્કેલી નહીં થાય. અમે અમારું કામ કરીએ છીએ. કામના આધારે જ સત્તા મળી છે. અમે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ એટલે મહાયુતિને રોકવાનું મુશ્કેલ છે.’

ઉદ્ધવ ઠાકરે પર કેવી રીતે વિશ્વાસ કરવો? ઃ સંદીપ દેશપાંડે

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે આવે એવી ચર્ચા શરૂ થઈ છે ત્યારે ઉદ્ધવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું છે કે રાજ ઠાકરે તરફથી પ્રસ્તાવ આવશે તો અમે સ્વીકારીશું. જોકે આ બાબતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના મુંબઈ અધ્યક્ષ સંદીપ દેશપાંડેએ ઉદ્ધવ ઠાકરેના ઇતિહાસને યાદ કરીને તેમના પર કેવી રીતે વિશ્વાસ મૂકવો એવો સવાલ કર્યો હતો. ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે ‘૨૦૧૪ અને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી વખતે MNSએ શિવસેના સાથે યુતિ કરવાના પ્રયાસ કર્યા હતા, પણ છેલ્લી ઘડીએ શિવસેનાએ અમારા ફોન લેવાનું બંધ કરી દીધું હતું. દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી-ફૂંકીને પીએ છે. અમારી જીભ ૨૦૧૪ અને ૨૦૧૭માં દાઝી હતી. આથી કયા આધારે તમારા પર વિશ્વાસ મૂકીએ? તમારા પર વિશ્વાસ કરી શકાય એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થઈ છે? ૨૦૧૯ની ચૂંટણી પહેલાં BJPની ભૂમિકા તમે નહોતા જાણતા? BJP સાથેની યુતિમાં પચીસ વર્ષ બેકાર ગયાં એવું ઉદ્ધવ ઠાકરે ૨૦૧૭માં કહે છે અને ૨૦૧૯ની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં BJP સાથે યુતિ કરે છે. યુતિને જનાદેશ મળ્યો હોવા છતાં યુતિ તોડીને કૉન્ગ્રેસ અને શરદ પવાર સાથે હાથ મિલાવ્યા. મારો ઉદ્ધવ ઠાકરેને સીધો અને સરળ સવાલ છે કે અઢી વર્ષ તેમને મુખ્ય પ્રધાનપદ મળ્યું હોત તો તેઓ આજે BJPને મહારાષ્ટ્રદ્રોહી કહેત? તમને મુખ્ય પ્રધાનની ખુરસી ન આપે તો તે પક્ષ મહારાષ્ટ્રદ્રોહી થઈ જાય છે. જે લોકો અમારી સાથે, BJP સાથે અને હવે શરદ પવાર-કૉન્ગ્રેસનો વિશ્વાસઘાત કરવાની તૈયારીમાં છે તેમના પર અમે કયા મુદ્દે વિશ્વાસ રાખ‌ીએ?’

આ તેમનો અંતર્ગત પ્રશ્ન છે ઃ અજિત પવાર

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે ‘MNSના અધ્યક્ષ તરીકે રાજ ઠાકરે અને શિવસેનાના ઠાકરે જૂથના પ્રમુખ તરીકે ઉદ્ધવ ઠાકરે કામ કરે છે. આથી તેમણે તેમના પક્ષ વિશે શું ભૂમિકા લેવી એ પ્રશ્ન તેમનો અંતર્ગત છે. જોકે રાજ અને ઉદ્ધવ ઠાકરેએ સાથે આવવું કે નહીં એ વિશે બીજા રાજકીય પક્ષોએ કહેવાનું કોઈ કારણ નથી. મારો મત એટલો જ છે કે દરેકે પોતાની વિવેકબુદ્ધિનું સ્મરણ કરીને જે-જે તેમને યોગ્ય લાગે એ નિર્ણય તેમણે લેવો જોઈએ.’

...તો મહારાષ્ટ્રના ઇતિહાસનો એ સુવર્ણ દિવસ હશે ઃ સુપ્રિયા સુળે

રાજ અને ઉદ્ધવ ઠાકરે સાથે આવવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)નાં બારામતીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘આજે રાજ અને ઉદ્ધવ ઠાકરે સાથે આવી રહ્યા છે એનો મને આનંદ છે. આજે બાળાસાહેબ આ દિવસ જોવા માટે હયાત હોત તો અમને બધાને ખૂબ આનંદ થયો હોત. મહારાષ્ટ્રના હિત માટે ઠાકરે કુટુંબના બે ભાઈ સાથે આવશે તો એવું લાગે છે કે આ મહારાષ્ટ્રના ઇતિહાસનો એક રાજકીય અને કૌટુંબિક સુવર્ણ દિવસ અમારા બધા માટે હશે. મેં રાજ અને ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે. આ અત્યંત આનંદની વાત છે. અમારા અને બાળાસાહેબ ઠાકરેના પાંચથી છ દાયકાના કૌટુંબિક સંબંધ છે. અમારા પવાર કુટુંબને ઉદ્ધવ અને રાજ બન્ને ભાઈ એટલા જ પ્રિય છે.’

mumbai news mumbai maharashtra political crisis political news uddhav thackeray raj thackeray maharashtra navnirman sena bharatiya janata party devendra fadnavis supriya sule ajit pawar