મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ

07 June, 2020 09:32 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ૧૧ જૂન પછી ચોમાસું શરૂ થવાની શક્યતા છે ત્યારે ગઈ કાલે વહેલી સવારે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં લગભગ અડધો કલાક જોરદાર હવા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આથી મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈ, થાણે, પાલઘર સહિતના વિસ્તારનાં કેટલેક સ્થળે ગઈ કાલે લોકો ભરઊંઘમાં સૂતા હતા ત્યારે વહેલી સવારે અડધો કલાક જોરદાર હવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ‘નિસર્ગ’ સાઇક્લોન વખતે સર્જાયું હતું એવું વાતાવરણ ઊભું થયું હતું એટલે સત્તાવાર રીતે ચોમાસું શરૂ થયું કે ફરી સાઇક્લોન ત્રાટકવાનો અનુભવ થયો હતો. જોકે બાદમાં આકાશ ખુલ્લું થઈ જતાં લોકોએ રાહત અનુભવી હતી.ગણતરીની મિનિટમાં મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. કોરોનાને કારણે મુંબઈમાં આ વખતે નાળાંની સફાઈ ન થઈ હોવાથી પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હોવાનું લોકોએ કહ્યું હતું. અંધેરી-વેસ્ટમાં ભરડાવાડી ખાતેના સંત રામદાસ ગાર્ડનમાં બેસવાની બેન્ચ સુધી પાણી ભરાઈ ગયું હતું. થોડાક વરસાદમાં આવી હાલત છે તો ચોમાસામાં શું થશે એની ચિંતા લોકોને થઈ રહી છે. વેધશાળાના પ્રવક્તાના જણાવ્યા મુજબ મુંબઈમાં ચોમાસાના આગમન પહેલાંના વરસાદનાં ઝાંપટાં શરૂ થયાં છે. મુંબઈ, થાણે અને ડોમ્બિવલીમાં અડધો કલાક સવારે ભારે વરસાદ પડ્યો હતો. ૨૪ કલાકમાં સાંતાક્રુઝમાં ૬૪.૯ મિલીમીટર અને કોલાબામાં ૧૮.૬ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આગામી ૨૪ કલાકમાં પણ આવી જ રીતે વરસાદ થવાની શક્યતા છે.

mumbai mumbai news mumbai rains