મુંબઈમાં આગામી ૨૪ કલાક જોરદાર પવન સાથે વરસાદ

10 August, 2022 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ચોમાસામાં ઑગસ્ટ મહિનામાં પહેલી વખત છેલ્લા ૨૪ કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો

ગઈ કાલે મરીન ડ્રાઇવ પર વરસાદ અને દરિયાની ભરતીનાં મોજાંની મજા માણી રહેલા મુંબઈગરાઓ. આશિષ રાજે


મુંબઈ ઃ આ ચોમાસામાં મુંબઈમાં ઑગસ્ટ મહિનામાં છેલ્લા ૨૪ કલાકમાં પહેલી વખત ૧૨૩.૬ એમએમ એટલે કે પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. આગામી ૨૪ કલાકમાં પણ મોટા ભાગે રાતના સમયે જોરદાર હવા સાથે હળવોથી મધ્યમ વરસાદ કાયમ રહેવાની આગાહી હવામાન વિભાગે ગઈ કાલે કરી હતી.
વેધશાળાના અધિકારીના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં નિર્માણ થયેલા હવાના હળવા દબાણની સાથે પશ્ચિમતરફી ચોમાસું આગળ વધી રહ્યું હોવાથી મુંબઈ સહિત કોંકણના દરિયાકિનારાના વિસ્તારમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. 
છેલ્લા ૨૪ કલાકમાં કોલાબામાં ૫૫ એમએમ એટલે કે બે ઇંચ વરસાદ નોંધાયો હતો. વેધશાળાના અધિકારીના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં પણ હવાનું હળવું દબાણ નિર્માણ થવાથી મુંબઈના મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદનું પ્રમાણ રહ્યું છે, જ્યારે શહેર એટલે કે દક્ષિણ મુંબઈમાં ઓછો વરસાદ પડ્યો હતો. રાતના સમયે મોટા ભાગે વરસાદ પડ્યો છે અને આગામી ૨૪ કલાક દરમ્યાન એમાં ઘટાડો થશે. જોકે આગામી બે દિવસ જોરદાર હવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ કેટલેક સ્થળે પડી શકે છે.
સાંતાક્રુઝના વેધર રિપોર્ટ મુજબ મુંબઈમાં ૧ જૂનથી અત્યાર સુધી ૧૮૦૨.૬ એમએમ વરસાદ પડ્યો છે, જે સામાન્ય કરતાં ૨૦૦.૨ એમએમ વધુ છે.

mumbai news mumbai mumbai rains