વરસાદ આઉટ ને બીમારી ઇન

04 December, 2021 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કમોસમી વરસાદને પગલે મલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગી જેવા મચ્છરજન્ય રોગો સાથે ફ્લુ અને વાઇરલ ઇન્ફેક્શનમાં પણ વધારો થવાની ડૉક્ટરોની ચેતવણી

આગામી સમયમાં પૅથોલૉજી લૅબમાં ટેસ્ટ કરાવવા લોકોનો ધસારો ન જોવા મળે તો સારું.

કમોસમી વરસાદે મુંબઈને ધમરોળતાં શહેરના ડૉક્ટરોએ આગામી દિવસોમાં મલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગી જેવા મચ્છરજન્ય રોગોની સાથે-સાથે ફ્લુ અને વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થવાની ચેતવણી ઉચ્ચારી છે. ડૉક્ટરોનું કહેવું છે કે સ્વાઇન ફ્લુ અને ડેન્ગીના કેસ વધ્યા છે અને થોડા દિવસમાં એમાં ઉછાળો આવશે.
વૉકહાર્ટ હૉસ્પિટલના ક્રિટિકલ કૅર સ્પેશ્યલિસ્ટ ડૉ. કેદાર તોરસકરે જણાવ્યું હતું કે ‘શહેરમાં અચાનક વરસાદ આવવાથી વાયુ-પ્રદૂષણ નિયંત્રણમાં આવ્યું છે, પણ ઍલર્જીની તકલીફથી પીડાતા મુંબઈવાસીઓની મુસીબત વધી શકે છે. તાપમાન અચાનક ઘટી જવાથી અને આબોહવા પલટાવાથી વાઇરલ ઇન્ફેક્શન વધી શકે છે. આગામી દિવસોમાં ઇન્ફ્લુએન્ઝા અને સ્વાઇન ફ્લુના કેસ પણ વધે એવી શક્યતા છે.’
ચેપી બીમારીઓના નિષ્ણાત ડૉ. ઓમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ‘લોકોએ બહારની ખાણીપીણીથી દૂર રહેવું જોઈએ. એનાથી પેટની સમસ્યામાં વધારો નોંધાઈ શકે છે. આબોહવામાં અચાનક ફેરફાર થવાથી શ્વસનતંત્રનું સંક્રમણ પણ વધી શકે છે. બાળકો, સિનિયર સિટિઝન અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દરદીઓએ વધુ કાળજી રાખવી જોઈશે.’
ઇન્ટર્નલ મેડિસિન નિષ્ણાત અને એસઆરવી ગ્રુપ ઑફ હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. અભય વિસ્પુતેએ જણાવ્યું હતું કે ‘ક્રોનિક ઑબ્સ્ટ્રેક્ટિવ પલ્મેનરી ડિસીઝ (સીઓપીડી) અને ન્યુમોનિયા સાથે અસ્થમાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આવા કેસની સંખ્યા આગામી દિવસોમાં વધુ ઊંચી જવાની શક્યતા છે. સીઓપીડી અને અસ્થમાના દરદીઓએ સંભાળ લેવી અને નિયમિત દવા તથા તેમના ફૅમિલી ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. સ્વાઇન ફ્લુ અને ઇન્ફ્લુએન્ઝાના કેસ વધવાની પ્રબળ સંભાવના જોતાં ઇન્ફ્લુએન્ઝાની રસી લેવી હિતાવહ છે.

43.2 mm
અત્યાર સુધીના ઇતિહાસમાં ડિસેમ્બરમાં પડેલો સેકન્ડ હાઇએસ્ટ વરસાદ

Mumbai mumbai news mumbai rains