કડાકા-ભડાકા સાથે વિદાય લઈ રહેલું ચોમાસું

13 October, 2011 08:35 PM IST  | 

કડાકા-ભડાકા સાથે વિદાય લઈ રહેલું ચોમાસું

 

મુંબઈગરા જેને અત્યંત અસામાન્ય બાબત ગણી રહ્યા હતા એ કોલાબા વેધશાળાના જણાવ્યા મુજબ અત્યંત સામાન્ય બાબત હતી. આગામી ૪૮ કલાક સુધી શહેરમાં આવું જ વાતાવરણ રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

કોલાબા વેધશાળાના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ એન. વાય. આપ્ટેએ કહ્યું હતું કે ‘ઑક્ટોબર મહિનાનું પ્રથમ પખવાડિયું મુંબઈમાંથી ચોમાસાના વિદાયની સાથે સંકળાયેલું હોવાથી હવામાનનાં આવાં અકળ અને વિચિત્ર લક્ષણો દેખાઈ રહ્યાં છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસુ પવનો ઉત્તર-પૂર્વના પવનોમાં રૂપાંતરિત થઈ રહ્યા હોવાથી આવા સમયે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા હોય છે. પૂર્વથી આવી રહેલા પવનોને કારણે દક્ષિણ કોંકણના વિસ્તારમાં ખાસ કરીને વાતાવરણના અપર લેવલમાં એટલે કે બેથી ત્રણ મિલીમીટરના પટ્ટામાં ઍન્ટિ-સાઇક્લૉનિક પ્રેશર સર્જાયું હોવાથી એના પ્રભાવને કારણે સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં વીજળીની ગાજવીજ જોવા મળી શકે છે. આગામી બે દિવસ સુધી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું વાતાવરણ જોવા મળે એવી શક્યતા છે.’

 

 

એક તરફ અત્યારે ઑક્ટોબર હીટ ચાલુ હોવાથી લોકોને દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ ગઈ કાલે બોરીવલી, કાંદિવલી, મલાડથી લઈને અંધેરી અને દાદર સુધી તથા ઘાટકોપરથી મુલુંડના વિસ્તારોમાં વરસાદ, મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકાનું અસલ ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. પહેલાં વરસાદના ધીરા-ધીરા છાંટા સાથે થયેલી શરૂઆત વીજળીના ભારે કડાકા-ભડાકા બાદ ધોધમાર વરસાદમાં ફેરવાઈ ગઈ હતી. વરસાદની વિદાય થઈ ગઈ હોવાનું સમજીને કામધંધે ગયેલા મુંબઈગરા વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે ફસાઈ ગયા હતા અને તેમને ખાસ્સી તકલીફ પડી હતી.

બીજી તરફ ભાંડુપમાં ખીંડીપાડા વિસ્તારમાં શાંતિનિકેતન હાઉસિંગ સોસાયટી નજીકની ઝૂંપડપટ્ટીમાં વીજળી પડવાની ઘટના ગઈ કાલે સાંજે ૭.૦૫ વાગ્યે નોંધાઈ હતી. વીજળી પડવાને કારણે ઝૂંપડાનું પતરું તૂટી જતાં ત્રણ વ્યક્તિને નજીવી ઈજા થઈ હતી. તેમને સારવાર માટે નજીકમાં આવેલી અગ્રવાલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને પાટાપિંડી કરીને રજા આપવામાં આવી હતી.