નવેમ્બરમાં વરસાદે ૯ વર્ષનો રેકૉર્ડ તોડ્યો

09 November, 2019 10:05 AM IST  |  Mumbai

નવેમ્બરમાં વરસાદે ૯ વર્ષનો રેકૉર્ડ તોડ્યો

મુંબઇમાં વરસાદ

(પી.ટી.આઇ.) ક્યાર, મહા અને બુલબુલ એમ એક પછી એક વાવાઝોડાં આવવાથી હવામાનમાં સતત થઈ રહેલા ફેરફારને કારણે ઑક્ટોબર બાદ નવેમ્બરમાં પણ વરુણદેવની હાજરી મુંબઈમાં દેખાઈ રહી છે. ‍‍૨૦૧૦ બાદ નવેમ્બર મહિનામાં શહેરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. મહા વાવાઝોડાનો ફટકો થાણે અને પાલઘર જિલ્લાને પણ પડ્યો હતો. અચાનક પડેલા વરસાદને લીધે સેન્ટ્રલ અને હાર્બર તેમ જ પશ્ચિમ રેલવેની ટ્રેનો સવારે થોડી મોડી દોડી હતી. આગામી એક-બે દિવસ વરસાદ પડવાની આગાહી વેધશાળાએ કરી છે.


સ્કાયમેટના જણાવ્યા અનુસાર સાંતાક્રુઝ વેધશાળામાં નવેમ્બર ૨૦૧૯ના પહેલા જ દિવસે શહેરની નજીક મહા વાવાઝોડાને કારણે ૪૬ મિમી વરસાદની નોંધ થઈ હતી. સામાન્ય રીતે ઑક્ટોબરના ૧૫ દિવસ બાદ વરસાદ પડતો નથી. ક્યારેક છૂટાછવાયાં ઝાપટાં પડે છે. જોકે આ વર્ષે તો ઑક્ટોબર બાદ નવેમ્બર મહિનામાં પણ મેઘરાજા વરસી રહ્યા છે. નવેમ્બરમાં મુંબઈમાં સરેરાશ ૯.૯ મિમી વરસાદ પડતો હોય છે, પણ શહેરમાં આ પૂર્વે ૪૬ મિમી વરસાદની નોંધ થઈ છે. ૨૦૧૦ પછીનો આ સૌથી વધુ વરસાદ હોવાનું સ્કાયમેટ વિભાગે જણાવ્યું હતું.


શહેરમાં ગુરુવારે બપોરે આકાશ ખુલ્લું હતું અને ગરમીને કારણે ઉકળાટ થતો હતો એવામાં અચાનક વાતાવરણ પલટાતાં વરસાદ પડવા માંડ્યો હતો. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ગુરુવારે આખી રાત વરસાદ વરસ્યો હતો. ગઈ કાલે સવારે અને બપોરે પણ વરસાદ પડ્યો હતો. મહા વાવાઝોડું પ્રવૃત્ત થયું હોવાની સૌથી વધુ અસર થાણે અને પાલઘર જિલ્લામાં પડી હતી. ગુરુવારે શરૂ થયેલો વરસાદ ગઈ કાલે સવાર સુધી ચાલુ રહ્યો હતો. જોકે વરસાદને કારણે કોઈ પ્રકારનું મોટું નુકસાન કે જાનહાનિ ન થઈ હોવાનું ડિસ્ટ્રિક્ટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ કન્ટ્રોલ (ડીડીએમસી)ના અધિકારીએ જણાવ્યું હતું.

mumbai news mumbai rains