આતંકવાદી હુમલાની દહેશતને પગલે રેલવેને રાખવામાં આવી અલર્ટ મોડ પર

17 September, 2021 08:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉચ્ચ અધિકારીઓએ મીટિંગ કરીને સીસીટીવી કૅમેરા પર ચાંપતી નજર રાખવાના, શંકાસ્પદ હિલચાલ કરનારાની તાત્કાલિક પૂછપરછ તેમ જ ઍડિશનલ ફોર્સ તહેનાત કરવાના આદેશ આપ્યા

આતંકવાદી હુમલાની દહેશતને પગલે રેલવેને રાખવામાં આવી અલર્ટ મોડ પર

તાજેતરમાં દિલ્હી પોલીસ અને ઉત્તર પ્રદેશ એટીએસે ટેરરિસ્ટ હુમલાનું પ્લાનિંગ કરી રહેલા આતંકવાદીઓને પકડવામાં સફળતા મેળવી હતી. તેમની પૂછપરછ કરતાં અનેક આંચકાજનક માહિતી બહાર આવી હતી, જેમાં મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન પણ તેમના નિશાના પર હોવાનું અને રેકી કરાઈ હોવાનું પણ સામે આવ્યું હતું, પરંતુ એટીએસ દ્વારા એને નકારવામાં આવ્યું છે. આમ છતાં મુંબઈ રેલવેના ઉચ્ચ અધિકારીઓની સુરક્ષાવ્યવસ્થા સંદર્ભે બેઠક યોજાઈ હતી. એ બેઠક બાદ સૂત્રોના આધારે મળેલી માહિતી અનુસાર રેલવેને અલર્ટ મોડ પર રાખવામાં આવી છે. રેલવે સ્ટેશનો પર સુરક્ષાવ્યવસ્થામાં જરા પણ ચૂક ન થાય એવા સ્પષ્ટ નિર્દેશો પણ આપવામાં આવ્યા છે 
રેલવેની તાજેતરમાં તાત્કાલિક ધોરણે એક ખૂબ મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠક વિશે માહિતી આપતાં આરપીએફના એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગવર્નમેન્ટ રેલવેના પોલીસ કમિશનર ખાલીદ કૈસર, ડિવિઝનલ રેલવે મૅનેજર સલબ ગોયલ, રેલવે પ્રોટેક્શન ફોર્સના સિનિયર ડિવિઝનલ સિક્યૉરિટી કમિશનર જિતેન્દ્ર શ્રીવાસ્તવ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓની લોકલમાં સિક્યૉરિટીને લઈને ખૂબ મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આતંકવાદીઓનો ટાર્ગેટ લોકલ ટ્રેન હોવાની વાતો સામે આવ્યા બાદ રેલવે ખૂબ જ સતર્ક થઈ ગઈ છે, જેના કારણે હાલમાં એ અલર્ટ મોડ પર છે. બેઠકમાં રેલવે સ્ટેશનના પરિસરમાં સુરક્ષાવ્યવસ્થા, તમામ સ્ટેશનો પર લગાડેલા સીસીટીવી કૅમેરા પર ચાંપતી નજર, રેલવે સ્ટેશનના પરિસરમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાતાં તાત્કાલિક ધોરણે તેની પૂછપરછ જેવા વિષયો પર વાતચીત કરાઈ હતી અને તમામ વિભાગોને અલર્ટ રહેવા કહેવાયું છે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા બાબતે પણ ચર્ચા કરાઈ હતી. ઉપરાંત ઍડિશનલ ફોર્સને પણ તહેનાત કરવામાં આવી રહી છે. આરપીએફ, જીઆરપી સહિત મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સને સુરક્ષાવ્યવસ્થા કડક રીતે કરવાનો આદેશ અપાયો છે. આ સંદર્ભે દિલ્હીમાં પણ અમુક અધિકારીઓની બેઠક યોજાઈ છે.’
બેઠક વિશે વધુ માહિતી આપતાં અન્ય એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરક્ષાવ્યવસ્થા માટે ખાસ કરીને સીસીટીવી કૅમેરા પર ધ્યાન અપાઈ રહ્યું છે. એથી સીસીટીવી કૅમેરાનું અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે એટલે પહેલાં પ્લૅટફૉર્મ ટુ પ્લૅટફૉર્મ હતા, પણ હવે લોકેશનમાં વધારો થશે. એ યાર્ડમાં પણ હશે, જ્યાં મિસિંગ છે ત્યાં પણ લગાડવામાં આવશે, ઍડિશનલ સીસીટીવી કૅમેરા લગાડવામાં આવશે અને આ બધાના સર્વેનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સિક્યૉરિટી માટે મેનપાવરમાં વધારો થશે, કન્ટ્રોલ રૂમ મોટા પાયે કરાશે. 
આમ ઓવરઑલ નેટવર્કને વધારવામાં આવશે. હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદાર)ને વધુ સ્ટ્રૉન્ગલી ઍક્ટિવ કરવાનું કહેવાયું છે.’ 

Mumbai mumbai news mumbai local train