હવે CST ને ચર્ચગેટ પર સિક્કા નાખીને ટિકિટ નહીં મળે

28 December, 2014 04:42 AM IST  | 

હવે CST ને ચર્ચગેટ પર સિક્કા નાખીને ટિકિટ નહીં મળે




શશાંક રાવ

રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ ગઈ કાલે નવી મોબાઇલ ટિકિટિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું અને બીજી બાજુ ટિકિટિંગ માટેની અન્ય સિસ્ટમ કૅશ-કૉઇન ટિકિટ વેન્ડિંગ સિસ્ટમની ટ્રાયલ્સ નિષ્ફળ જતાં એ કાઢી નાખવાની શરૂઆત કરવામાં આવી છે. એની ટ્રાયલ્સ CST અને ચર્ચગેટ સ્ટેશને ચાલતી હતી અને હાલમાં ત્યાંથી હટાવવામાં આવી છે.

સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે અમે છ મહિના સુધી આ સિસ્ટમની ટ્રાયલ્સ લીધી, પરંતુ એમાં થોડા સુધારા માટે હટાવી છે. CST ખાતે ભાગ્યે જ કોઈ પ્રવાસી આ વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરતા હતા, કારણ કે આ મશીનના ઉપયોગમાં અનેક સ્ટેપ્સ હતાં. એમાં પહેલાં ચલણી નોટ અથવા સિક્કો નાખવો પડે અને પછી ટિકિટ બહાર આવવાની રાહ જોવી પડે. વળી નોટ કે સિક્કો મશીન સ્વીકારે તો જ ટિકિટ મળે. જો નોટ ચીમળાયેલી હોય તો મશીન એને રિજેક્ટ કરે. જો નોટ કે સિક્કો સ્વીકારે તો ત્યાર પછી ટિકિટ મેળવવા માટે જે સ્ટેશને જવું હોય એનું નામ મશીનમાં ટાઇપ કરવું પડે. આ મશીન આવ્યા પછી પણ સામાન્ય ટિકિટ-બારી પર લાંબી લાઇનો હોય અને બીજા વિકલ્પરૂપે લોકો ઑટોમૅટિક ટિકિટ વેન્ડિંગ મશીન(ATVM) પાસે ઊભા હોય એવું બનતું રહ્યું છે. કેટલીક વખત એ મશીન પાસે એક મદદનીશ માણસ ઊભો રાખવામાં આવતો હતો. તે માણસ મદદ કરવા માટે પૈસા લેતો હતો. એ મદદનીશ ATVMમાં પણ વપરાતા સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને ટિકિટોની પ્રિન્ટ આઉટ્સ મેળવી આપતો હતો. આવી ગતિવિધિઓને કારણે આ ૧૦ લાખ રૂપિયા કિંમતના કૅશ-કોઇન ટિકિટ વેન્ડિંગ મશીનની ટ્રાયલ્સનો હેતુ સિદ્ધ થતો નહોતો.

અન્ય એક રેલવે-અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે એ મશીનનું વર્કિંગ સુધારવા ઉપરાંત કેટલીક સમસ્યાઓ પણ તારવી છે. એમાં ટિકિટની કિંમતથી વધારે રકમની નોટ અથવા સિક્કો નાખ્યા હોય તો બાકીના પૈસા પાછા મળતા નહોતા. એથી બૅલૅન્સ પૈસા મળે એની જોગવાઈ ઉપરાંત વિધિઓ અને સ્ટેપ્સ ઘટાડીને મશીનમાંથી ટિકિટ મેળવવાની કામગીરી સરળ બનાવવાની પણ જોગવાઈ કરી છે.

એ ઉપરાંત આ મશીનમાં કોઈ ખોટી કરન્સી નોટ ન પધરાવે એનું ધ્યાન રાખવા માટે એમાં છ લાખ રૂપિયાની કિંમતનું સ્પેશ્યલ રીડર પણ ગોઠવવામાં આવશે. ઑથોરિટીઝને દિવસના અંતે મશીનમાંથી કૅશ કલેક્શન કેવી રીતે કરવું એની પણ ચિંતા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘સામાન્ય સંજોગોમાં આ મશીન જ્યાં લોકોની ઝાઝી અવરજવર ન હોય એવા ફૂટઓવર બ્રિજ કે સ્ટેશન પર ગોઠવી શકાય એમ નથી. આ સમસ્યાઓનું નિવારણ કરતાં ફેરફારો કરીને મશીન તૈયાર થઈ જાય ત્યાર પછી રેલવે તંત્ર આવાં ૧૦૦ કૅશ-કોઇન ટિકિટ વેન્ડિંગ મશીન્સ મેળવીને આવતા વર્ષની શરૂઆતના મહિનાઓમાં સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેના સબર્બન સ્ટેશન્સ પર ગોઠવશે.