સૌથી વધારે વખત ચેઇનપુલિંગ થવાનું કારણ જ રેલવે પાસે નથી

25 November, 2021 09:32 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

સેન્ટ્રલ રેલવેમાં ૧૧૬૦ વખત બનેલા આવા બનાવમાં ૫૦૦ વખત તો ચેઇન શું કામ ખેંચવામાં આવી એનું કારણ જ રેલવેને નથી ખબર પડી

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પરથી ટ્રેન પકડી રહેલો પ્રવાસી. ફાઇલ તસવીર

છૂટી ગયેલી ટ્રેનો, ખોટા પ્લૅટફૉર્મ પર રાહ જોતી વ્યક્તિ માટે ચેઇન ખેંચવી, ખોટી ટ્રેન પકડવી, પરિવારજનને કે મિત્રને મૂકવા ટ્રેનમાં આવ્યા બાદ ટ્રેન ઊપડી જતાં ચેઇન ખેંચવી અને અજ્ઞાત કારણસર ચેઇન ખેંચવી વગેરે પાંચ કારણો સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં ચેઇનપુલિંગનાં મુખ્ય કારણો છે. રેલવે પ્રશાસને પ્રવાસીઓને આવાં કારણોસર ચેઇન ન ખેંચવાની અપીલ કરી છે. આ ઉપરાંત પ્રવાસીઓમાં ઝઘડાથી, મુસાફર સૂઈ જવાથી, મેડિકલ કારણથી, ડબ્બાના ખોટા નિર્દેશથી, ટ્રેનમાં મોબાઇલ ફોન કે ટિકિટ ભૂલી જવાથી વગેરે કારણોથી પણ ચેઇનપુલિંગના બનાવ બન્યા છે.
સેન્ટ્રલ રેલવેના મુંબઈ વિભાગમાં આ વર્ષે જાન્યુઆરીથી ૩૧ ઑક્ટોબર સુધી યોગ્ય કારણ વગર ૧૬૦૮ અલાર્મ ચેઇનપુલિંગના બનાવ નોંધાયા હતા. એમાંથી ૧૩૮૧ પ્રવાસીઓને ૧૦.૦૬ લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. આ ચેઇનપુલિંગને કારણે ટ્રેનના સમયને પાંચ ટકા જેટલું નુકસાન (પન્ક્ચ્યુઅલિટી લૉસ) થયું હતું. 
રેલવે દ્વારા આ કેસોનું વિશ્લેષણ કરવામાં આવતાં ૫૦ ટકા કિસ્સામાં ચેઇનપુલિંગનાં કારણો જાણવા નહોતાં મળ્યાં. કલ્યાણ, દાદર, લોકમાન્ય ટિળક ટર્મિનસ, થાણે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કસારા વગેરે રેલવે સ્ટેશનો ચેઇનપુલિંગથી સૌથી વધારે પ્રભાવિત છે.

સેન્ટ્રલ રેલવેના મુખ્ય પ્રવક્તા શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘મોડા પડવાથી અથવા વચ્ચેના સ્ટેશને ટ્રેન પકડવા કે ઊતરવા જેવાં વ્યર્થ કારણોસર પણ લોકો ચેઇન ખેંચે છે. અમે પ્રવાસીઓને અપીલ કરીએ છીએ કે આવાં બિનજરૂરી કારણોને લીધે ચેઇન ન ખેંચો. એનાથી ટ્રેન મોડી પડે છે અને સાથે અન્ય પ્રવાસીઓ માટે ગેરવ્યવસ્થા સર્જાય છે. ઇન્ડિયન રેલવે ઍક્ટ ૧૯૮૯ હેઠળ એ ગુનો પણ છે.’

મોડા પડવાથી અથવા વચ્ચેના સ્ટેશને ટ્રેન પકડવા કે ઊતરવા જેવાં વ્યર્થ કારણોથી પણ લોકો ચેઇન ખેંચી લે છે. અમે પ્રવાસીઓને અપીલ કરીએ છીએ કે આવાં બિનજરૂરી કારણોને લીધે ચેઇન ન ખેંચો. એનાથી ટ્રેન મોડી પડે છે અને સાથે અન્ય પ્રવાસીઓ માટે ગેરવ્યવસ્થા સર્જાય છે. ઇન્ડિયન રેલવે ઍક્ટ ૧૯૮૯ હેઠળ એ ગુનો પણ છે.
શિવાજી સુતાર, સેન્ટ્રલ રેલવેના મુખ્ય પ્રવક્તા

સેન્ટ્રેલ રેલવેના મુંબઈ વિભાગમાં ચેઇનપુલિંગના બનાવ
કારણ ન જાણવા મળ્યાં હોય એવા બનાવ – ૫૦ર
સાથી પ્રવાસી રહી જવા – ૧૩ર
ખોટા પ્લૅટફૉર્મ પર રાહ જોવી–૭ર
ખોટી ટ્રેનમાં કે કોચમાં ચડી જવું–૭૮
કોઈને મૂકવા આવેલી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું કૃત્ય – ૭ર
કોઈ કારણ વગર – ૫ર
ટેક્નિકલ કારણોસર – ૫ર
પ્રવાસી પડી જવાને કારણે – ૧૮
લગેજ ભુલાઈ કે ખોવાઈ જતાં–૧૦
ઊંઘ આવવાને લીધે આગળ જતા રહેવું– ર૦
આરોગ્ય સંબંધી કારણો – ૧૭
ભીડને લીધે કે મોબાઇલ પડી જવાને લીધે– ૩૪
ટ્રેનની અંદરનો પ્રવાસી ઊતરી ન શકતાં – ૩૨
ભારે સામાનને લીધે – ૧૬
સામાન ચોરાઈ જતાં – ૧૦
પ્રવાસીઓમાં ઝઘડાને લીધે– ૧૦
કોચનું ઇન્ડિકેટર ખોટું હોવું – ૫
સ્વચ્છતા સંબંધી સમસ્યાને કારણે – ૫
ભિખારી, વ્યંડળ કે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને કારણે -  ૭
ટિકિટ કે પૈસા પડી જવાથી અને ટિફિન ડબ્બામાં ભૂલી જવાને લીધે – ૩
સામાન નીચે પડી જતાં – ર
ટિકિટ વગરના પ્રવાસીને કારણે– ૫
ફેરિયાઓ દ્વારા - ૩
મહિલાઓના ડબ્બામાં પુરુષ આવી જતાં – ર
નશામાં રહેલા પ્રવાસીને 
કારણે – ૧
કુલ – ૧૧૬0

10.06 લાખ રૂપિયા ચેઇન ખેંચનારાઓ પાસેથી વસૂલ કરવામાં આવેલો દંડ

1608
આ વર્ષે યોગ્ય કારણ વગર ચેઇન ખેંચવાના બનેલા બનાવ

Mumbai mumbai news rajendra aklekar