બહારગામની ટ્રેનોમાં ગંદા ટૉઇલેટની ફરિયાદ હવે બની જવાની ભૂતકાળ

04 July, 2022 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવે ટ્રેનમાં એક ઑફિસર તહેનાત કરશે જે ટૉઇલેટ સ્વચ્છ રાખવામાં આવે એનું ધ્યાન રાખશે

પ્રતીકાત્મક તસવીર

લાંબા અંતરની ટ્રેનોમાં ખાસ કરીને પ્રવાસીઓની ફરિયાદ અસ્વચ્છ ટૉઇલેટ અને એસી ન ચાલતું હોવાની હોય છે. જોકે એનું નિવારણ લાવવા પહેલાં રેલવેએ ટ્વિટર હૅન્ડલ પર અથવા હેલ્પલાઇન નંબર પર એની જાણ કરવાની સુવિધા આપી હતી, જેથી રેલવેનો સ્ટાફ આવીને એ સ્વચ્છ કરી જતો હતો. જોકે હવે એનાથી એક ડગલું આગળ વધીને રેલવેએ ટ્રેનમાં જ એક ઑફિસરને તહેનાત કરીને તેને ટૉઇલેટ સ્વચ્છ રાખવામાં આવે એની ચકાસણી કરવા કહ્યું છે.

ખાસ કરીને જનરલ કોચ અને સ્લીપર કોચના પ્રવાસીઓને આ અસ્વચ્છ ટૉઇલેટની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. રેલવેએ આ માટે હાલ પાઇલટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને એસી કોચમાં એ સુવિધા ઉપલબ્ધ કરી છે. અત્યાર સુધી ૫૦૦ કરતાં વધુ ચકાસણી થઈ ગઈ છે. ટૉઇલેટ સ્વચ્છ રાખવું, એને મેઇન્ટેઇન કરવું અને અન્ય સમસ્યાઓનો એ ઑફિસરો તેમની ટીમ સાથે ઉકેલ લાવશે. આ સુવિધા ધીમે-ધીમે સ્લીપર કોચ અને જનરલ કોચમાં પણ વધારવામાં આવશે. આ માટે રેલવેના ડિવિઝનલ જનરલ મૅનેજર, રેલવેના ટેક્નિકલ એન્જિનિયર અને અન્ય અધિકારીઓ ઑફિસરોની ફાળવણી કરશે એમ રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે. 

mumbai mumbai news indian railways