વિક્રોલીમાં રિઝર્વેશન કાઉન્ટર પર લુખ્ખાઓએ મારપીટ કરી

27 December, 2012 06:02 AM IST  | 

વિક્રોલીમાં રિઝર્વેશન કાઉન્ટર પર લુખ્ખાઓએ મારપીટ કરી



વિક્રોલી સ્ટેશન પર થાણે તરફ રિઝર્વે‍શન બુકિંગ-કાઉન્ટર છે જ્યાં મંગળવારે સવારે લુખ્ખાઓ અને ફૅમિલી સાથે ટિકિટ કઢાવવા આવેલા ૩૮ વર્ષના સૈયદ અઝીમ વચ્ચે બોલાચાલી થઈ હતી. લુખ્ખાઓએ એ વખતે ભેગા થઈને સૈયદની મારપીટ કરી હતી. આ બાબતે સૈયદે કુર્લા રેલવે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મારઝૂડનો કેસ નોંધીને એ વિશે વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટના કેવી રીતે બની એ વિશે વધુ માહિતી આપતાં સૈયદ અઝીમે કહ્યું હતું કે ‘મંગળવારે સવારે અમે અમારા ગામ અલાહાબાદની ટિકિટનું રિઝર્વેશન કરાવવા વિક્રોલી સ્ટેશન ગયા હતા અને લાઇનમાં ઊભા હતા. સાડાનવ વાગ્યે કેટલાક લોકો આવ્યા અને અમારી આગળ લાઇનમાં ઘૂસીને ઊભા રહી ગયા. અમે તેમને કહ્યું કે તમે પાછળ લાઇનમાં નંબર લગાવો તો તેમણે અમને કહ્યું કે અમે સવારથી જ લાઇનમાં ઊભા હતા, જ્યારે અમે લાઇનમાં ઊભા રહ્યા હતા ત્યારે તેમને નહોતા જોયા. એ પછી તો તેમણે બીજા લોકોને પણ લાઇનમાં તેમની સાથે જોડાવા કહ્યું હતું, જેને કારણે મેં ઑબ્જેક્શન લીધું હતું અને મારો તેમની સાથે ઝઘડો થયો હતો.  તેમણે મને ધક્કે ચડાવ્યો હતો અને ગાળો પણ ભાંડી હતી. અમારી વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. મેં તેમાંના એક માણસને આગલા દિવસે એટલે કે ૨૪ ડિસેમ્બરે પણ બુકિંગ-કાઉન્ટર પાસે જોયો હતો. તેણે કહ્યું હતું કે ટિકિટ અડધો કલાકમાં જ બુક થઈ જાય છે એટલે એ દિવસે હું પાછો ચાલ્યો ગયો હતો. આ બાબતે કુર્લા ગવર્નમેન્ટ રેલવે-પોલીસમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. કુર્લા રેલવે-પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર એસ. એસ. ધુમાળે આ વિશે કહ્યું હતું કે ‘અમે ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરાનું ફુટેજ ચકાસીશું. એ લોકો ખરેખર દલાલના માણસો છે કે નહીં એની તપાસ કરવામાં આવશે અને તેમની ધરપકડ કરાશે.’

આ ઘટનાને કારણે સેન્ટ્રલ રેલવે દ્વારા જે દાવો કરવામાં આવે છે કે દલાલોને (લુખ્ખાઓને) રિઝર્વેશન કાઉન્ટર પર ટિકિટ અપાતી નથી એ ખોટો પડ્યો છે. જોકે સેન્ટ્રલ રેલવેના પ્રવક્તા વી. માલેગાંવકરે આ બાબતે કહ્યું હતું કે ‘અમે ટિકિટ લેવા આવનારા માટે ફોટો આઇડેન્ટિટી કાર્ડ આપવું ફરજિયાત બનાવ્યું છે. એ ઉપરાંત લુખ્ખાઓને પકડવા અમે અવારનવાર સરપ્રાઇઝ ચેકિંગ પણ કરતા હોઈએ છીએ.’ 

રેલવેના એક ઑફિસરે કહ્યું હતું કે ‘લોકો તેમનું આઇડેન્ટિટી કાર્ડ આવા લુખ્ખાઓને ટિકિટ કઢાવવા આપે છે, જેને કારણે આ સમસ્યા થાય છે. કેટલીક જગ્યાએ માત્ર મહિલાઓ માટે તત્કાલ ટિકિટનાં કાઉન્ટર ખોલવામાં આવ્યાં છે, જ્યાં મહિલાઓને તેમની અને તેમની ફૅમિલી માટે ટિકિટ આપવામાં આવે છે.’

 સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન