છેવટે વિક્રોલી સ્ટેશનને છાપરું મળ્યું

14 August, 2021 04:14 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

નવો ફુટઓવર બ્રિજ બનાવવા માટે વિક્રોલી સ્ટેશનનાં પ્લૅટફૉર્મ નંબર બે અને ત્રણનાં છાપરાં હટાવાયાં હતાં, જે પાછાં મૂકવાનું ભુલાઈ જતાં વરસતા વરસાદમાં મુસાફરોને એના લીધે નાછૂટકે ભીંજાવું પડતું હતું

‘મિડ-ડે’ના અહેવાલ બાદ પ્લૅટફૉર્મ-નંબર બે અને ત્રણનાં જર્જરિત છાપરાં પરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું

મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશને (એમઆરવીસી) નવો ફુટઓવર બ્રિજ બનાવવા માટે વિક્રોલી સ્ટેશનનાં પ્લૅટફૉર્મ નંબર બે અને ત્રણનાં છાપરાં હટાવ્યાં હતાં, જે પાછાં મૂકવાનું ભુલાઈ જતાં વરસતા વરસાદમાં મુસાફરોને નાછૂટકે ભીંજાવું પડતું હતું. જોકે ‘મિડ-ડે’માં આ વિશેનો અહેવાલ પ્રકાશિત થયા બાદ છાપરાં બેસાડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

મધ્ય રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે એમઆરવીસી આ પ્રોજેક્ટમાં સંકળાયેલું હતું અને અડધું ચોમાસુ વીતી જવા છતાં જુલાઈ મહિનાના અંત સુધી હજી તેઓ છાપરું બેસાડવા માટે શીટ્સ મેળવવાની તજવીજમાં હતું, જ્યારે પ્રવાસીઓ સ્ટેશન પર છત્રી નીચે ઊભા રહી તકલીફો વેઠી રહ્યા હતા.

‘મિડ-ડે’માં ૩૦ જુલાઈએ પ્રકાશિત થયેલા અહેવાલને પગલે તત્કાળ પગલાં લેવાંમાં આવ્યાં હતાં. મુંબઈના પૅસેન્જર્સ અસોસિએશનનું કહેવું છે કે એમઆરવીસી એના સુસ્ત કામકાજ માટે અને જમીની વાસ્તવિકતાથી આંખો ચોરવા જાણીતું છે. સામાન્યપણે રેલવેનાં તમામ યુનિટ્સ ચોમાસુ બેસતાં પહેલાં તમામ તૈયારીઓ ચકાસી લેતાં હોય છે.

‘મિડ-ડે’એ વિક્રોલી સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે પ્લૅટફૉર્મ-નંબર બે અને ત્રણનાં છાપરાં બેસાડી દેવાયાં હતાં. જોકે હજી વાયરિંગનું કામ બાકી છે.

બૉમ્બે કેથલિક સભા, વિક્રોલીના ચૅરમૅન મારિયો રોડ્રીગ્ઝે જણાવ્યું હતું કે ‘સામાન્ય જનતા માટે રેલવે પ્રવાસનાં દ્વાર ખુલ્યાં છે અને ધીમે-ધીમે મુસાફરોની સંખ્યા વધી રહી છે ત્યારે ચીજો વ્યવસ્થિત થાય એ ખૂબ જરૂરી છે.’

mumbai mumbai news indian railways vikhroli rajendra aklekar