રેલવે પ્રોટેક્શન ફોર્સે બે કરોડના ડ્રગ્સ સાથે નાઇજીરિયનની ધરપકડ કરી

09 July, 2020 06:20 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

રેલવે પ્રોટેક્શન ફોર્સે બે કરોડના ડ્રગ્સ સાથે નાઇજીરિયનની ધરપકડ કરી

નવી દિલ્હી-એર્નાકુલમ મંગલા એક્સપ્રેસમાંથી આરોપી ઊતર્યો ત્યારે ઝડપી લીધો

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ની ટીમે મંગળવારે નવી દિલ્હી–એર્નાકુલમ મંગલા એક્સપ્રેસમાંથી નવી મુંબઈના નિલાજે અને તળોજા વચ્ચે ટ્રેનની ચેઇન ખેંચીને ઊતરનારા એક નાઇજીરિયનની ધરપકડ કરીને તેની પાસેથી પોલીસે બે કરોડ રૂપિયાના નશીલા પદાર્થ જપ્ત કર્યા હતા. આરપીએફ પોલીસે આપેલી માહિતી મુજબ ચેઇન-પૂલિંગ કરીને ટ્રેનમાંથી ઊતરનારા વિદેશી નાગરિકને દિવા રેલવે-સ્ટેશન લઈ જવાયો હતો. તેની પાસેના પાસપોર્ટને આધારે તે ૪૧ વર્ષનો સની ઓચા આઇકે હોવાનું જણાયું હતું. તેની પાસેથી એસી થ્રી-ટિયરની નવી દિલ્હીથી પનવેલ સુધીની ટિકિટ મળી આવી હતી.
આરોપીની બૅગ ચકાસતાં એમાંથી શંકાસ્પદ પદાર્થો મળી આવતાં તેની તપાસ કરાઈ હતી. સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સિક્યૉરિટી કમાન્ડન્ટે મુંબઈના નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની તપાસમાં મદદ માગી હતી. તપાસની ટીમે દિવા આવીને આરોપી પાસેથી મળી આવેલા શંકાસ્પદ પદાર્થની ચકાસણી કરતાં એ ૨.૩૦૦ કિલો એમ્ફેટામાઇન્સ હોવાનું જણાયું હતું જેની ઇન્ટરનૅશનલ માર્કેટમાં અંદાજિત કિંમત બે કરોડ છે. આરપીએફે આરોપી પાસેથી જપ્ત કરાયેલો નશીલો પદાર્થ નાર્કોટિક્સ કન્ટ્રોલ સેલને સોંપીને એનડીપીએસ ઍક્ટ હેઠળ આરોપી સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી.

mumbai mumbai news