ગર્ભવતી સ્ત્રીઓ માટે ગ્રેટ આઇડિયા

11 October, 2012 03:45 AM IST  | 

ગર્ભવતી સ્ત્રીઓ માટે ગ્રેટ આઇડિયા



વેદિકા ચૌબે

મુંબઈ, તા. ૧૧

લાંબા અંતરની ટ્રેનોમાં ગર્ભવતી તેમ જ સ્તનપાન કરાવતી મહિલાઓ માટે લોઅર બર્થ અનામત રાખવાની નવી યોજના રેલવે લાવી રહી છે. આ શ્રેણીમાં આવતી મહિલા મુસાફરો માટે થર્ડ એસી, સેકન્ડ એસી તેમ જ સ્લીપર ક્લાસમાં કોચદીઠ બે બર્થ અનામત રાખવામાં આવશે. ગર્ભવતી મહિલાઓ, ૪૫ વર્ષ કરતાં વધુ વયની મહિલાઓ તેમ જ સિનિયર સિટિઝન માટે અનામત પહેલેથી જ અમલમાં છે.

બીજેપીનાં રાજ્યસભાનાં સંસદસભ્ય સ્મૃતિ ઈરાનીએ યુનિયન મિનિસ્ટર મુકુલ રૉયને મળીને આ અનામત બેઠક વિશે માગણી કરી હતી. પોતાની આ માગણી બાબતે તાજેતરમાં જ યોજાયેલી એક મીટિંગમાં પૂછપરછ કરતાં એનો અમલ કરવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું. ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીનાં પ્રતિનિધિ સ્મૃતિ ઈરાનીનો આ વિશે પ્રતિભાવ જાણવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં સંપર્ક થઈ શક્યો નહોતો. વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શરત ચંદ્રાયને કહ્યું હતું કે સંબંધિત વિભાગોને આની તરત અમલબજાવણી કરવા માટે કહી દેવામાં આવ્યું છે.

મૅન્યુઅલ બુકિંગ


આ શ્રેણીની ટિકિટોનું બુકિંગ ઑનલાઇન થઈ શકશે નહીં, પરંતુ એને માટે ટિકિટબારી પર જવું પડશે. ટિકિટબુકિંગ કરતી વખતે મહિલા મુસાફર ગર્ભવતી હોવાની સાબિતી આપતા કાગળો રજૂ કરવાના રહેશે. સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર સુબોધ જૈને કહ્યું હતું કે ટિકિટ રિઝર્વેશન ફૉર્મમાં પણ ગર્ભવતી મહિલાનો વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે. જો રેલવે-અધિકારી પૂછે તો ગર્ભવતી હોવાના કાગળો સાથે રાખવાના રહેશે.

દુરુપયોગની શક્યતા

આ અનામતનો દુરુપયોગ થવાની શક્યતા પણ રેલવે-અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. સેન્ટ્રલ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ગર્ભવતી મહિલાઓને અપાતી આ સુવિધાનો દુરુપયોગ થઈ શકે છે.

મુસાફરોનું શું કહેવું છે?

 છ મહિનાના બાળકની માતા શમા રાજપૂતે કહ્યું હતું કે ‘રેલવેનું આ પ્રશંસનીય કાર્ય છે. ઘણી વખત લોઅર બર્થની માગણી કરવામાં આવી હોવા છતાં એ મળતી નથી. હું પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે મધ્ય પ્રદેશ જતી વખતે ઘણી સમસ્યા થઈ હતી.’

જોગેશ્વરીમાં રહેતી ચાર મહિનાની ગર્ભવતી સ્મિતા વીરાણીએ કહ્યું હતું કે ‘અમારા માટે આ સારી ભેટ છે. હું અમદાવાદ મારી મમ્મીના ઘરે જવા માગતી હતી; પરંતુ મારી સાસુ જવા માટેની પરવાનગી આપતાં નહોતાં, કારણ કે તેમને એવી ચિંતા હતી કે મને લોઅર બર્થ નહીં મળે. હવે આ સમાચાર મળતાં તેમને હું કદાચ સમજાવી શકીશ.’

ડૉક્યુમેન્ટ્સ આપવા પડે છે

ગર્ભવતીના અંતિમ મહિનાઓ દરમ્યાન શારીરિક રીતે અક્ષમ મુસાફરો માટે અનામત રાખવામાં આવેલા ડબ્બામાં મહિલાઓને પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે. અહીં પણ જો ટિકિટચેકર (ટીસી), સ્ટેશન માસ્તર તેમ જ રેલવે ઑથોરિટી માગે તો ડૉક્યુમેન્ટ્સ આપવા પડે છે. એક ટીસીએ કહ્યું હતું કે પ્રેગ્નન્સી ખોટા રિપોર્ટની મદદથી શારીરિક રીતે અક્ષમ મુસાફરો માટેના ડબ્બામાં પ્રવાસ કરતી ઘણી મહિલાઓને અમે પકડી છે.