રેલવે-પ્રવાસીઓએ આજનું આંદોલન પંદર ઑગસ્ટ પર મુલતવી કરી દીધું

04 August, 2021 08:36 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

જાહેર જનતાને પણ લોકલ ટ્રેનોનો ઉપયોગ કરવા દેવાની માગણી સાથે મંગળવારે સેન્ટ્રલ રેલવેના હેડક્વૉર્ટર બહાર મોટું વિરોધ-પ્રદર્શન યોજવાનું આયોજન પાછું ઠેલવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

જાહેર જનતાને પણ લોકલ ટ્રેનોનો ઉપયોગ કરવા દેવાની માગણી સાથે મંગળવારે સેન્ટ્રલ રેલવેના હેડક્વૉર્ટર બહાર મોટું વિરોધ-પ્રદર્શન યોજવાનું આયોજન પાછું ઠેલવામાં આવ્યું છે અને આ માટે હવે ૧૫ ઑગસ્ટ નક્કી કરાઈ છે. જોકે મહિલા મુસાફરોના પ્રતિનિધિમંડળે ડિવિઝનલ રેલવે મૅનેજર શલાભ ગોયલની ઑફિસ પર રેલવે અધિકારીઓને લેખિત રજૂઆત સુપરત કરી હતી.

રેલવેના અધિકારીઓએ પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું કે નિર્ણય લેવાની આખરી સત્તા રાજ્ય સરકાર પાસે છે. મહારાષ્ટ્ર રેલવે પ્રવાસી મહાસંઘના પ્રમુખ અભિજિત ધુરાતે જણાવ્યું હતું કે ‘કોરોનાની સ્થિતિને પગલે અમે

વિરોધ-પ્રદર્શન પાછું ઠેલ્યું છે, પણ ૧૫ ઑગસ્ટે અમે હેડક્વૉર્ટરની મુલાકાત લઈશું અને કાળા માસ્ક પહેરીને વિરોધ નોંધાવીશું. દૂર રહેનારા નાગરિકોને ઘણી મુશ્કેલી પડી રહી છે અને રેલવે પ્રવાસના અભાવને કારણે લોકો નોકરી ગુમાવી રહ્યા હોવાથી આ વિરોધ કરવામાં આવી રહ્યો છે.’

રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય હુકમ અનુસાર જાહેર જનતા દ્વારા ટ્રેનો તથા લોકલ ટ્રેન પરિવહનનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાની સત્તા સંબંધિત રાજ્ય સરકારોની છે.

દરમ્યાન, દેશનો પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓનો સ્ટાફ ધરાવતા માટુંગા સ્ટેશનના સ્ટાફે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત જિલ્લાઓ માટે વસ્ત્રો, ચાદર, ખોરાક સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓની ટ્રક ભરીને સામગ્રી એકઠી કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ રાહતસામગ્રી રાયગડના મહાડ તાલુકામાં મોકલવામાં આવી છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે તકેદારીપૂર્વક પગલાં લેતાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે ‘સબર્બન ટ્રેનો સામાન્ય જનતા માટે તત્કાળ પ્રાપ્ય નહીં બને અને ખાનગી ઑફિસોએ ઑફિસમાં અને મુસાફરી દરમિયાન ભીડ એકઠી થતી અટકાવવા માટે શિફ્ટના ટાઇમિંગમાં ફેરફાર કરવો જોઈએ.’

mumbai mumbai news mumbai local train rajendra aklekar