રેલવેએ હિન્દીમાં કરી ભૂલ

23 November, 2012 07:12 AM IST  | 

રેલવેએ હિન્દીમાં કરી ભૂલ



ભારતીય રેલવે હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર માટે આગળ રહે છે. એટલું જ નહીં હિન્દી ભાષા દિવસની ઉજવણી, હિન્દીની પરીક્ષામાં મળેલા માર્કને આધારે પ્રમોશન વગેરે કરવામાં આવે છે. પરંતુ બોરીવલી-વેસ્ટની રેલવે રિઝર્વેશન ઑફિસમાં નવા અમલમાં મૂકવામાં આવેલા નિયમો માટે લગાવવામાં આવેલા બોર્ડમાં ચોથા નંબરના નિયમને અંગ્રેજીમાંથી હિન્દીમાં ભાષાંતર કરવામાં ભૂલ કરવામાં આવી છે. આ જોઈને રેલવે-અધિકારીઓની હિન્દી ભાષા માટેની લાગણી માત્ર કહેવા પૂરતી હોય એવું લાગે છે. એટલું જ નહીં રેલવે અધિકારીઓની ભાષાંતરમાં થયેલી ભૂલને દેખાડવા જનારા ગુજરાતી સિનિયર સિટિઝન સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું.

બોરીવલી-વેસ્ટમાં રેલવે ટિકિટ બુકિંગ ઑફિસની જગ્યામાં ન્યુ તત્કાલ સ્કીમ, જે ૨૧-૧૧-૨૦૧૧થી અમલમાં મૂકવામાં આવી છે એ માટે બોર્ડ લગાવવામાં આવ્યું છે.

રેલવે બુકિંગ ઑફિસમાં ટિકિટ બુક કરવા માટે ગયેલા જનક શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું અહીં ટિકિટ રિઝર્વેશન માટે ફૉર્મ લેવા આવ્યો હતો ત્યારે મેં તત્કાલ ટિકિટ માટે લગાવેલું બોર્ડ વાંચ્યું, જેમાં ચોથા નંબરના નિયમને અંગ્રેજીમાંથી હિન્દી ભાષાંતર કરવામાં ભૂલ થઈ હોવાનું મારા ધ્યાનમાં આવ્યું હતું.’

હિન્દીમાં ચોથા નંબરના નિયમમાં લખવામાં આવ્યું છે કે તત્કાલ ટિકિટ નવમાંથી કોઈ પણ એક પુરાવો આપવાથી જ મળશે. ઓળખપત્ર પર સંખ્યા અંકિત હોવી જરૂરી છે તેમ જ નવ પુરાવામાંથી કોઈ એક પુરાવા પર દરેક પૅસેન્જરની સહી કરેલી હોવી જોઈએ. જોકે અંગ્રેજીમાં નિયમ નંબર ચારમાં દરેક નહીં, પરંતુ કોઈ પણ એકની સહી લખવામાં આવ્યું છે. અહીં અંગ્રેજીમાંથી હિન્દી ભાષાંતર કરવામાં ભૂલ થઈ છે. ટિકિટ બુકિંગ માટે આવતા મોટા ભાગના લોકો અંગ્રેજીની સરખામણીએ હિન્દી ભાષા વધુ વાંચતા હોય છે, જેને કારણે તેમને ગેરસમજ ઊભી થાય છે.

તત્કાલ ટિકિટ માટે ૨૧-૧૧-૨૦૧૧થી અમલમાં મૂકવામાં આવેલા નિયમ પ્રમાણે તત્કાલ ટિકિટ મળવાનો સમય મુસાફરી શરૂ કરવાના એક દિવસ પહેલાં સવારે દસ વાગ્યા પહેલાથી છે, કન્ફર્મ ટિકિટ કૅન્સલ કરવાથી રૂપિયા પાછા આપવામા આવશે નહીં, એક રિઝર્વેશન ફૉર્મ પર વધુમાં વધુ ચાર લોકોની તત્કાલ ટિકિટ લઈ શકાશે.

તેમાં ઇંગ્લિશમાં ચોથા નંબર પર લખવામાં આવ્યું છે કે તત્કાલ ટિકિટ નવ પુરાવામાંથી ગમે તે એક રજૂ કરવાથી મળશે, જેના માટે ગમે તે એક વ્યક્તિએ તેનું ઓળખપત્ર રિઝર્વેશન ફૉર્મ સાથે આપવું જરૂરી છે. તેના ઓળખપત્ર પર સંખ્યા લખેલી હોવી જોઈએ તેમ જ નીચેના નવ પુરાવાને ઓળખપત્ર માટે માન્યતા આપવામાં આવી છે, જેમાં વોટર આઇડેન્ટિટી કાર્ડ, પાસપોર્ટ, પૅન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું ફોટો આઇડેન્ટિટી કાર્ડ, સ્કૂલ અથવા કૉલજ દ્વારા આપવામાં આવેલું ફોટો આઇડેન્ટિટી કાર્ડ, આધાર કાર્ડ, બેન્ક દ્વારા ફોટો સાથે આપવામાં આવેલું ક્રેડિટ કાર્ડ, રાષ્ટ્રીય બૅન્ક દ્વારા આપવામાં આવેલી ફોટો સાથેની પાસબુકનો સમાવેશ થાય છે તેમ જ જે વ્યક્તિના ઓળખપત્ર પર ટિકિટ બુક કરવામાં આવી હશે તે મુસાફરી નહીં કરતી હોય તો દરેક યાત્રીઓની ટિકિટ કૅન્સલ ગણવામાં આવશે અને તેમણે નિયમ પ્રમાણે દંડ ભરવો પડશે.

જોકે રેલવે-અધિકારીએ કહ્યું હતું કે ‘તત્કાલ ટિકિટના નવા નિયમોના બોર્ડમાં ચોથા નંબરના નિયમમાં અંગ્રેજીમાંથી હિન્દી ભાષાતર કરવામાં ભૂલ થઈ છે, જેને અમે સુધારી લઈશું.’ આ સાથે તેમણે વધુમાં કહ્યું હતું કે ‘જો તત્કાલ ટિકિટ બુકિંગ વખતે દરેક લોકો તેમના પુરાવા આપશે તો પણ લેવામાં આવશે, આથી જે લોકોએ તત્કાલ ટિકિટ બુક કરી હોય તે સભ્યોમાંથી કોઈ એક વ્યક્તિ મુસાફરી ન કરી શકે તો અન્ય સભ્યોની ટિકિટ માન્ય ગણાય. જોકે આ નિયમ ચાર્ટમાં લખવામાં આવ્યો નથી.’