મોતથી એક જ સેકન્ડનું છેટું હતું અને...ફરિશ્તો બન્યો પોલીસ

03 January, 2021 08:14 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

મોતથી એક જ સેકન્ડનું છેટું હતું અને...ફરિશ્તો બન્યો પોલીસ

દહિસરના પ્લૅટફૉર્મ પર લગાડાયેલા સીસીટીવી કૅમેરામાં આ હૃદયદ્રાવક ઘટનાક્રમ કેદ થયો હતો.

દહિસર રેલવે-સ્ટેશને ૧ જાન્યુઆરીએ ૬૦ વર્ષના દહિસર-ઈસ્ટના નંદનવનમાં ગોપાલ બિલ્ડિંગની ‘બી’ વિન્ગમાં ચોથા માળે રહેતા ગુજરાતી ગણપત સોલંકી દહિસરથી ખાર જવા માટે પ્લૅટફૉર્મ નંબર-ચાર પર ઊભા હતા, પરંતુ પ્લૅટફૉર્મ નંબર-બે પર સ્લો ટ્રેન આવી રહી હોવાથી એ પકડવાના ચક્કરમાં રેલવે-બ્રિજનો ઉપયોગ કરવાને બદલે પ્લૅટફૉર્મ નંબર-ચાર પરથી ટ્રૅક પર ઊતરીને પ્લૅટફૉર્મ નંબર-બે તરફ જઈ રહ્યા હતા ત્યારે ટ્રૅક પર તેમનું શૂઝ પગમાંથી નીકળી જતાં તેઓ એને પાછું પહેરીને ટ્રૅક પરથી પ્લૅટફૉર્મ પર ચડવા જતા હતા ત્યાં ત્રણ નંબર પરથી પસાર થતી વિરાર લોકલ ટ્રેનની અડફેટમાં આવતાં રેલવે-કૉન્સ્ટેબલની સમયસૂચકતાને લીધે બચી ગયા હતા. જો આ હવાલદારે તેમને પ્લૅટફૉર્મ પર ખેંચવામાં એક સેકન્ડ જેટલું મોડું કર્યું હોત તો શું થાત એની કલ્પનાથી જ સોલંકી-પરિવારને કંપારી છૂટી જાય છે. ટૂંકમાં, પોલીસ-કૉન્સ્ટેબલ ભગવાન બનીને આવ્યો હતો.

પ્રવાસીને બચાવવો એ મારું લક્ષ હતું

પ્રવાસીને ક્રૉસ કરતો જોતાં મારું ધ્યાન ટ્રૅક પર ગયું હતું એમ કહેતાં દહિસર સ્ટેશન પર પૅટ્રોલિંગ કરી રહેલા પોલીસ-કૉન્સ્ટેબલ એસ. બી. નિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પ્રવાસીને મેં ટ્રૅક પર જોતાં મારું ધ્યાન તરત તેમના પર ગયું હતું. વિરાર સ્લો ટ્રેન આવી રહી હતી અને આ માણસ ટ્રૅક પર જ હતો. એક બાજુ સામેથી ટ્રેન આવી રહી હતી અને બીજી બાજુ તે પ્લૅટફૉર્મ પર ચડવા માગતો હતો. એથી તરત જ હું દોડીને ગયો અને એ વખતે મારું એકમાત્ર લક્ષ હતું કે મારે તેને કોઈ પણ હાલતમાં બચાવવો છે. ટ્રેન અને તેની વચ્ચે નામમાત્રનું અંતર બચ્યું હતું ત્યારે તેને મેં તરત જ પ્લૅટફૉર્મની ઉપર ખેંચી લીધો હતો. જોકે એ વખતે ટ્રેનના મોટરમૅને પણ ઇમર્જન્સી બ્રેક મારી હતી. એ સમયે અમુક સેકન્ડ માટે તો મારા હૃદયના ધબકારા વધી ગયા હતા, પરંતુ એ પ્રવાસીને બચાવી શક્યો એની મારા મનમાં ખુશી ખૂબ હતી.’

પ્રવાસીનો જીવ બચાવનાર પોલીસ-કૉન્સ્ટેબલનું પોલીસ અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

બનાવ બાદ પપ્પા બહુ ડરી ગયા છે

૬૦ વર્ષના ગણપત સોલંકીને ત્રણ બાળકો છે, જેમાં બે દીકરા તેમની સાથે રહે છે, જ્યારે દીકરીનાં લગ્ન અમદાવાદમાં થયાં છે. દહિસર સ્ટેશનની ઘટના જાણીને તેમનાં બાળકો ચિંતિત થઈ ગયાં હતાં. ગણપત સોલંકીના મોટા દીકરા મહેન્દ્ર સોલંકીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ૧૦ વર્ષ પહેલાં મારી મમ્મી અમને છોડીને જતી રહી હોવાથી અમારા ઘરના વડીલ તરીકે મારા પપ્પા જ છે.

પ્રવાસીઓ રેલવેના નિયમોનું પાલન કરે

બોરીવલી જીઆરપીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ભાસ્કર પવારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રેલવેના પ્રવાસ દરમ્યાન પ્રવાસીઓએ ફુટ ઓવર બ્રિજનો ઉપયોગ કરવો, ટ્રૅક ક્રૉસ ન કરવો, ફુટબોર્ડ પર ઊભા ન રહેવું જેવા નિયમોનું પાલન કરવા અમે આહ્‍વાન કરી રહ્યા છીએ. પોલીસ-કૉન્સ્ટેબલ એસ. બી. નિકમે પોતાનો જીવ જોખમમાં મૂકીને પ્રવાસીનો જીવ બચાવ્યો હોવાથી ઉત્સાહ વધારવા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.’

કેસ દાખલ થયો નથી

ભારતીય રેલવેની ગાઇડલાઇન્સ પ્રમાણે રેલવે-ટ્રૅક ક્રૉસ કરવો એ ગુનો છે જેમાં આરોપીને ૧૦૦૦ રૂપિયાનો દંડ અથવા ૬ મહિનાની જેલ અથવા બન્ને થઈ શકે છે. જોકે રેલવે પોલીસે આ મામલામાં કોઈ કેસ દાખલ નથી કર્યો. આ મુદ્દે સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ભાસ્કર પવારે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આ પ્રવાસી આત્મહત્યા કરવા ગયો નહોતો. તે રેલવે-ટ્રૅક ક્રૉસ કરવા જતાં આ બનાવ બન્યો હોવાથી અમે કેસ નોંધ્યો નથી.’

mumbai mumbai news mumbai local train dahisar preeti khuman-thakur